27 November, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પનીર માલપૂઆ
સામગ્રી : એક વાટકી ઘઉંનો લોટ, એક ચમચી ચોખાનો લોટ, ૧૦૦ ગ્રામ પનીર, અડધી વાટકી ગોળ, અડધી ચમચી એલચી, ડ્રાયફ્રૂટ્સનો પાઉડર બેથી ૩ ચમચી, તળવા માટે ઘી
સજાવવા માટે : રબડી, ડ્રાયફ્રૂટ્સ અને ગુલાબની પાંદડી
બનાવવાની રીત : એક તપેલીમાં એક વાટકી ઘઉંનો લોટ, એક ચમચી ચોખાનો લોટ, ૧૦૦ ગ્રામ પનીર છીણીને નાખો. એમાં બેથી ત્રણ ચમચી ડ્રાયફ્રૂટ્સનો પાઉડર અને એલચી પાઉડર નાખો. અડધી વાટકી ગોળને થોડા ગરમ પાણીમાં ઓગાળી લો. એ ઠંડું થાય એટલે એ પાણી લોટમાં નાખીને બેટર બનાવો. બેટર બહુ પાતળું નહીં કે બહુ જાડું નહીં, ઢોસા જેવું રાખો. એને ૧૫ મિનિટ ઢાંકીને રાખો. એક કડાઈમાં ઘી ગરમ કરો. આંચ ધીમી રાખો. એમાં એક ચમચો બેટર નાખીને ગોળ-ગોળ ફેલાવો. નીચેથી ગોલ્ડન થાય એટલે પલટાવી દો. એને બન્ને બાજુથી ક્રિસ્પી તળી લો. ગરમ માલપૂઆ પ્લેટમાં મૂકો. એના પર બે ચમચી રબડી નાખો અને ડ્રાયફ્રૂટ્સ અને ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીને સર્વ કરો.
- રાગિણી ગાંધી