26 October, 2024 09:52 AM IST | Mumbai | Darshini Vashi
મુથ્થુ અન્ના
એક વાર બિઝનેસ ટાઇકૂન આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર એક પોસ્ટ લખી હતી, જેમાં લખ્યું હતું કે ‘હું આ માણસની ઝડપ જોઈને થાકી ગયો છું અને ભૂખ્યો પણ થયો છું. તેને જોઈને મને રોબોટ પણ સ્લો કામ કરતો હોય એવું લાગે છે.’
મસાલા ઢોસા
આ સ્ટેટમેન્ટ તેમણે દાદરમાં હિન્દમાતા પાસે લગભગ ૩૦ વર્ષથી ઢોસાનો સ્ટૉલ ચલાવી રહેલા મુથ્થુ અન્ના માટે કહ્યું હતું. તેમની ઢોસા બનાવવાની સ્પીડથી લઈને એને હવામાં ઉછાળીને પ્લેટમાં સર્વ કરવાની ટ્રિક જોઈને આશ્ચર્યચકિત થયેલા આનંદ મહિન્દ્રએ આવી પોસ્ટ લખીને મૂકી હતી. જોકે આ ટ્વીટ બાદ મુથ્થુ અન્ના અને તેના ઢોસા રાતોરાત એટલા ફેમસ થઈ ગયા છે કે હવે લોકો દૂર-દૂરથી ખાસ તેમના ઢોસા ખાવા માટે આવવા લાગ્યા છે એટલું જ નહીં, તેમની સ્ટાઇલને રજનીકાન્તની સ્ટાઇલની સાથે સરખાવવામાં આવી રહી છે.
મૈસૂર મસાલા ઢોસા
સાઉથના સુપરસ્ટાર એવા રજનીકાન્તના ફૅન અને તેમના જેટલી જ સ્પીડની સાથે કામ કરવાને લીધે મુથ્થુ અન્ના ફેમસ બની ગયા છે. જોકે આ જગ્યાનું નામ ઓમ સાંઈ ઢોસા કૉર્નર છે પણ આ જગ્યા એના નામને બદલે ફ્લાઇંગ ઢોસાના નામે પણ ઓળખાય છે. કેટલાક અહીંના ઢોસાને હેલિકૉપ્ટર ઢોસા તો કેટલાક રજની ઢોસા પણ કહે છે. છેલ્લાં ૩૦ વર્ષથી તેઓ એક જ સ્થળે ઢોસા બનાવીને વેચી રહ્યા છે. સાઉથનાં ગીત ગણગણતાં તેઓ એક મોટા તવા પર એકી સાથે પાંચ ઢોસા ઉતારે છે. સ્ટૉલના એક છેડે તેમનો હેલ્પર ડિશ લઈને ઊભો હોય છે. મુથ્થુ અન્ના તૈયાર થઈ ગયેલો ઢોસો તવા પરથી તવેથા વડે ઉછાળે છે અને બીજા છેડે હેલ્પર ડિશમાં એ ઢોસા કૅચ કરે છે. તેઓ ઘણી વરાઇટીના ઢોસા અને ઉત્તપ્પા બનાવે છે પણ મસાલા અને મૈસૂર ઢોસા સૌથી વધુ વેચાય છે. તેમની સાથે બીજા ત્રણ જણ છે જે તેમને અન્ય કામોમાં મદદ કરે છે. સાંજ પછી અહીં ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી. રોજના લગભગ ૫૦૦થી ૭૦૦ ઢોસા આ સ્ટૉલ પર મુથ્થુ અન્ના ઉતારે છે. ઢોસાની સાથે ટમેટાંની ચટણી, નારિયેળની ચટણી અને સાંભાર પણ આપવામાં આવે છે.
ક્યાં મળશે? : ઓમ સાંઈ ઢોસા કૉર્નર (મુથ્થુ ઢોસા કૉર્નર), એસ. એમ. જાધવ રોડ, હિન્દમાતા, દાદર (ઈસ્ટ) ટાઇમિંગ : સાંજે ૪થી રાત્રે ૧૧.૩૦ સુધી