13 December, 2025 07:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કયાની બેકરીઃ માત્ર સ્વાદનું સરનામું નહીં, કલ્ચરનું પણ અદ્ભુત કલેવર
આજકાલ ટાઉનની ફૂડ-ડ્રાઇવ અનાયાસ જ આવી જાય છે. હમણાં ત્રીજી વાર મારે ટાઉન જવાનું થયું. બન્યું એવું કે મારે કાલબાદેવી કે. કે. ટેલર્સમાં જવાનું હતું એટલે મેં નક્કી કર્યું કે આપણે તો આજે હવે ત્યાં જ કંઈક ખાઈશું અને તમારા માટે જૂના મુંબઈની એકાદ મસ્ત આઇટમ લઈ આવીશું.
મારું કામ પતાવીને હું તો કાલબાદેવીથી ચાલતો-ચાલતો રવાના થયો. એક વાત યાદ રાખવી કે C અને D વૉર્ડમાં તમે ગયા હો તો ચાલીને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. જો તમે વાહન કર્યું તો માર્યા ઠાર. ચાલીને પહોંચો એના કરતાં પણ વધારે ટાઇમ તમને વાહનમાં પહોંચવામાં લાગે એવો ટ્રાફિક હોય છે. કાલબાદેવીથી નીકળીને હું ગિરગામ રોડ એટલે કે ચીરાબજારવાળા રોડ પર આવ્યો અને પછી ત્યાંથી સીધો મેટ્રો સિનેમા તરફ આગળ વધ્યો અને મને એક જગ્યા યાદ આવી ગઈ, કયાની બેકરી.
મેટ્રો સિનેમાનો જે ચોક છે એની પહેલાં ડાબી બાજુએ આ કયાની બેકરી આવે છે. કયાની બેકરીની એક ખાસિયત કહું, એના બોર્ડ પર જ ચાર નામ લખ્યાં છે. હા, એક જ જગ્યાનાં ચાર નામ, જે એ લોકોએ બિઝનેસ પૉલિસીથી રાખ્યાં હશે એવું મારું માનવું છે. આ કયાની બેકરી એક ઈરાની બેકરી છે. ખાસ્સી મોટી બેકરી, એની હાઇટ જ વીસ ફીટની હશે. આ ઈરાની બેકરી આપણે ત્યાં કેવી રીતે શરૂ થઈ એની તમને વાત કહું.
કયાની બેકરીની જગ્યા તો ઓરસ-ચોરસ છે પણ મોટા ભાગની ઈરાની બેકરીઓ તમને બિલ્ડિંગના કાટખૂણે એટલે કે ત્રિકોણ આકારની જોવા મળે. એને ચારથી પાંચ એન્ટ્રી હોય. આ બેકરી કેમ ત્રિકોણ આકારની તો એનું કારણ છે. ઓગણીસમી સદીના બૉમ્બેમાં જે નવી ઇમારતો બનતી એ ઇમારતમાં ત્રિકોણ આકારની જે દુકાન બનતી એ હિન્દુઓ લેવા માટે તૈયાર થતા નહીં. આપણે ત્યાં આવી જગ્યાને અપશુકનિયાળ માનવામાં આવે છે, પણ ઈરાનીઓ અને પારસીઓને એવો કોઈ બાધ હતો નહીં એટલે તેમને આવી ત્રિકોણ જગ્યા સાવ સસ્તામાં મળી જતી અને એ લોકો બેકરી કરતા.
કયાની બેકરીમાં વેજ પફ, ચીઝ પફ અને પનીર પફ બહુ સરસ મળે છે તો ત્યાં મળતી ખારી પણ અદ્ભુત હોય છે. જૂના જમાનાના મોટા રાણીછાપ રૂપિયાની સિક્કાની સાઇઝની ગરમાગરમ ખારી બિસ્કિટ અને સાથે પાની કમ ચાય. તમને મજા પડી જાય. કહ્યું એમ ખારી અવન-ફ્રેશ જ મળે. અહીંની તમે માવા કેક ખાઓ, પેસ્ટ્રીઝ ખાઓ. આ સિવાયની બીજી પણ ઘણી વેજિટેરિયન આઇટમ મળે છે અને એ સરસ હોય છે, પણ કયાની બેકરીમાં આવ્યા પછી જો તમે બન મસ્કા કે બ્રુન મસ્કા ન ખાઓ તો ચાલે જ નહીં સાહેબ.
બન મસ્કામાં સ્વીટ ટેસ્ટના ગોળ મોટા પાંઉ હોય, પાંઉમાં ટૂટીફ્રૂટી નાખી હોય. આ બનને વચ્ચેથી કાપી એમાં અમૂલ બટર લગાડે અને જો તમે કહો તો એમાં તમને જૅમ પણ લગાડી આપે. બ્રુન મસ્કામાં પણ આ જ મુજબનું હોય પણ એમાં બન કડક હોય. અમૂલ બટર તો હવે આવ્યું પણ પહેલાંના સમયમાં એમાં પૉલ્સન ડેરીનું બટર લગાવવામાં આવતું હતું. આ જે પૉલ્સન બટર છે એ બહુ એટલે બહુ સરસ આવતું. મેં પોતે ખૂબ ખાધું છે એટલે હું તમને એ દાવા સાથે કહું છું.
ઈરાની રેસ્ટોરાં અને એ સંસ્કૃતિ હવે આપણે ત્યાં લુપ્ત થતી જાય છે અને એ માટે બે કારણ છે. કારણ પહેલું, જૂના જમાનાની આ જાયન્ટ જગ્યાની કિંમત આજે કરોડો અને અબજોની થઈ ગઈ છે. જો એ વેચીને બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી નાખવામાં આવે તો પણ એનું મન્થલી વ્યાજ બેકરી ચલાવીને મહિને કમાવામાં આવતા નફા કરતાં ચાર-પાંચગણું વધારે હોય છે. ઈરાની રેસ્ટોરાં બંધ થતી જતી હોવાનું બીજું કારણ એ લોકોની નવી જનરેશન. ઈરાની અને પારસીઓની નવી જનરેશન એકદમ હાઈલી એજ્યુકેટેડ છે. તેમને કોઈને બેકરી ચલાવવામાં ઇન્ટરેસ્ટ જ નથી.
આપણે જાણીએ છીએ કે પારસીઓની આમ પણ આપણે ત્યાં વસ્તી ઘટતી જાય છે, કારણ કે એ લોકોમાં લગ્નસંસ્થા પણ હવે ખતમ થઈ ગઈ છે. એકલા રહેવું તેમને ગમે છે અને એ લોકો મનમાન્યું કરે છે. આપણે હિન્દુઓમાં પણ હવે એવું જ થતું જાય છે. નવી પેઢીમાં લગ્ન પ્રત્યે નીરસતા છે અને મારી દૃષ્ટિએ એ ખોટું છે, પણ અત્યારે મારી નજર માત્ર કયાની બેકરી પર છે. આ વાંચનારાઓને હું કહીશ કે તમે તમારાં બાળકોને લઈ જઈને એક વખત આ બેકરી, આ કલ્ચર દેખાડજો. બાકી ભવિષ્યમાં તેમને આ સંસ્કૃતિ અને આ સ્વાદ ક્યારેય માણવા નહીં મળે.