વેકેશનમાં આ ટીનેજરે કોલ્ડ કોકોનો કાર-સ્ટૉલ શરૂ કર્યો છે

16 May, 2026 01:26 PM IST  |  Mumbai | Darshini Vashi

૧૩ વર્ષનો કિયાન કંસારા સુરતી સ્ટાઇલના કોલ્ડ કોકો પોતે બનાવે છે અને રોજ સાંજે અંધેરીમાં લોખંડવાલા કૉમ્પલેક્સના બૅક રોડ પર પપ્પા સાથે ગાડી લઈને આવે છે

વેકેશનમાં આ ટીનેજરે કોલ્ડ કોકોનો કાર-સ્ટૉલ શરૂ કર્યો છે

એવું નથી કે જેને પૈસાની જરૂર હોય તેઓ જ રસ્તા પર ફૂડ-સ્ટૉલ ચલાવતા હોય છે. ઘણા એવા પણ લોકો હોય છે જેઓ પોતાના પૅશન અને આનંદ માટે સ્ટૉલ શરૂ કરતા હોય છે. અંધેરીમાં રહેતો કિયાન કંસારા એવું જ એક ઉદાહરણ છે. તેણે પોતાના પૅશન અને ફ્રી સમયનો સદુપયોગ કરવા માટે કોલ્ડ કોકોનો સ્મૉલ સ્કેલ પર બિઝનેસ શરૂ કર્યો છે. કિયાન રોજ પોતે જાતે ઘરે કોલ્ડ કોકો બનાવે છે અને પછી રાત્રે પપ્પા સાથે ગાડી લઈને લોખંડવાલાના બૅકરોડ પર આવે છે. ત્યાં ગાડીની ડિકીને પોતાનો સ્ટૉલ બનાવીને તે કોલ્ડ કોકો વેચે છે.
આ આ વિશે વધુ જાણકારી આપતાં કિયાનના પપ્પા જય કંસારા કહે છે, ‘અમે સુરત ફરવા ગયા હતા. સુરતનો કોલ્ડ કોકો વિશ્વમાં વિખ્યાત છે. ત્યાંના જેવો કોલ્ડ કોકો ભાગ્યે જ બીજી કોઈ જગ્યાએ મળે છે. કિયાનને સુરતનો કોલ્ડ કોકો બહુ ભાવી ગયો એટલે તેણે નક્કી કર્યું કે હું ત્યાંના જેવો કોલ્ડ કોકો બનાવવાનું શીખીશ. કિયાને એવું કરી બતાવ્યું. તે શીખ્યો અને પછી તેણે અમને કહ્યું કે પપ્પા, હમણાં સ્કૂલમાં વેકેશન ચાલે છે એટલે મારી પાસે ફ્રી ટાઇમ ઘણો છે તો હું કોલ્ડ કોકો બનાવીને વેચું. અમે તેને પ્રોત્સાહન મળે એટલે તરત હા પાડી દીધી. તેણે તેની જાતે તેના બિઝનેસનો રોડમૅપ બનાવ્યો. તેના કોલ્ડ કોકોના કાર-સ્ટૉલને કોકો કાર્ટેલ નામ આપ્યું. એના નામનાં સ્ટિકર્સ પણ તૈયાર કર્યાં અને પ્રૉપર વેથી એને વેચવાનું પણ શરૂ કર્યું છે. હજી માંડ ત્રણેક અઠવાડિયાં થયાં છે ત્યાં એ ઘણો વાઇરલ થઈ ગયો છે. કસ્ટમરના ફીડબૅકના આધારે તે એમાં સુધારાવધારા પણ કરે છે. અત્યારે રોજ તેની લગભગ ૨૦ જેટલી અઢીસો મિલીલીટરની કોલ્ડ કોકોની બૉટલ વેચાઈ જાય છે. લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને હવે તેણે ઓરિયો અને બિસ્કોફ કોલ્ડ કોકો પણ લૉન્ચ કર્યા છે. તે હવે એટલો ઉત્સાહિત છે કે સ્કૂલ શરૂ થયા પછી પણ તે કોલ્ડ કોકો બનાવીને વેચશે. પેરન્ટ્સ તરીકે અમે તેને સપોર્ટ તો કરીએ જ છીએ, સાથે તેને જો કોઈ મદદ જોઈતી હોય તો એ પણ અમે કરીએ છીએ.’
ક્યાં મળશે? : કોકો 
કાર્ટેલ, લોખંડવાલા 
બૅકરોડ, અંધેરી-વેસ્ટ, સમય : સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી

food and drink food news street food Gujarati food mumbai food indian food darshini vashi columnists