વાળને તડકામાં થતા ડૅમેજથી બચાવશે હેર સનસ્ક્રીન

14 April, 2025 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે જેમ ચહેરા પર સનસ્ક્રીન લગાવીએ છીએ એવી જ રીતે વાળમાં લગાવવા માટે પણ સનસ્ક્રીન આવે છે. આપણે બહાર નીકળીએ ત્યારે સીધો તડકો આપણા વાળ અને માથાના તાળવા પર પડતો હોય છે. એનાથી વાળને નુકસાન પહોંચતું બચાવવા માટે હેર સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

ગરમીમાં સૂર્યનાં અલ્ટ્રા-વાયલેટ (UV) રેઝથી વાળ ડૅમેજ થતા હોય છે. તડકાને કારણે વાળનો કાળો કલર ઝાંખો પડતો જાય છે. એટલે જ જે લોકો વધુ તડકામાં રહેતા હોય તેમના વાળ જલદીથી સફેદ થવા લાગે છે એટલું જ નહીં, સૂર્યનાં તેજ કિરણો વાળમાં રહેલા પ્રોટીનને ખાસ કરીને કેરટિનને નુકસાન પહોંચાડે છે; જેને કારણે વાળ પાતળા અને કમજોર થઈ જાય, ડ્રાય થઈ જાય અને તૂટવાના શરૂ થઈ જાય. વાળની સૌથી ઉપર એક લેયર હોય એને ક્યુટિકલ્સ કહેવાય છે, જે તડકામાં ડૅમેજ થઈ જાય છે. એને કારણે વાળની ચમક ઓછી થઈ જાય છે. એવામાં વાળનો કાળો કલર અને શાઇન જાળવી રાખવા તેમ જ એને સૂર્યનાં હાનિકારક કિરણોથી નુકસાન થતું બચાવવા માટે હેર સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. વાળની જેમ માથાના તાળવામાં પણ હેર સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. એનાથી હેર ફોલિકલ્સને એટલે કે વાળ ઉગાડતી ત્વચાની અંદરની સંરચનાને નુકસાન થતું બચે છે અને તાળવામાં થતી સનબર્નની સમસ્યા ટળે છે.

કેવી રીતે અપ્લાય કરશો?

હેર સનસ્ક્રીન લગાવવા માટે સૌથી પહેલાં વાળને ધોઈ નાખો. વાળને સરખી રીતે સુકાવા દો. એ પછી સનસ્ક્રીનને તાળવાથી લઈને વાળમાં નીચે સુધી લગાવો. હેર સનસ્ક્રીન લોશન અને સ્પ્રે બન્ને ફૉર્મમાં આવે છે. સનસ્ક્રીન લોશનને હાથમાં લઈને તમારી આંગળીઓથી તાળવામાં બધી જ જગ્યાએ સરખી રીતે લગાવો. ખાસ કરીને જ્યાં તમારા વાળ ઓછા છે, કારણ કે એ ભાગ UV રેઝના સંપર્કમાં વધુ આવશે. સનસ્ક્રીનથી જડથી લઈને નીચે સુધીના બધા જ વાળ કવર કરો. જો તમે સનસ્ક્રીન સ્પ્રેનો ઉપયોગ કરી રહ્યા હો તો વાળ અને તાળવાના જે ભાગમાં સનસ્ક્રીન લગાવવી હોય એનાથી ચાર-છ ઇંચ હાથ દૂર રાખીને પછી સ્પ્રે કરો. સનસ્ક્રીન તાળવા અને વાળમાં સરખી રીતે ફેલાઈ જાય એ માટે વાળમાં એક વાર કોમ્બ ફેરવી લો. બહાર તડકામાં નીકળવાનું હોય એની ૧૫-૨૦ મિનિટ પહેલાં આ સનસ્ક્રીન અપ્લાય કરી લો.

health tips heat wave Weather Update mumbai weather fashion news fashion life and style gujarati mid-day mumbai