હાઇબ્રિડ બ્યુટીનો ટ્રેન્ડ તમે ફૉલો કર્યો?

13 March, 2026 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાસ્ટ લાઇફસ્ટાઇલના યુગમાં કોઈની પાસે સમય હોતો નથી ત્યારે મેકઅપની સાથે સ્કિનકૅર પણ થઈ જાય એવી પ્રોડક્ટ્સની ડિમાન્ડ સતત વધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

મેકઅપ એટલે ચહેરા પર કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ અને સ્કિનકૅર એટલે રાત્રે અને સવારે લગાવવાની ક્રીમ એટલું જ સમજતા હતા, પણ સમયની સાથે હવે ટ્રેન્ડ બદલાયો છે. હાઇબ્રિડ બ્યુટીનો ટ્રેન્ડ ટાઇમસેવર, ક્વિક અને ઇફેક્ટિવ છે. આને ટૂ-ઇન-વન લૉજિક પણ કહેવાય છે. હાઇબ્રિડ બ્યુટી એટલે એવી પ્રોડક્ટ્સ જે જોવામાં મેકઅપ લાગે પણ અંદરથી સ્કિનકૅર હોય. ઉદાહરણ તરીકે તમે ફાઉન્ડેશન લગાવો ત્યારે એ જ સમયે ડાર્ક સ્પૉટ્સ અને પિગ્મેન્ટેશન ઓછા થાય છે. લિપ-ઑઇલ જે હોઠને કલર આપવાની સાથે હાઇડ્રેટેડ પણ રાખે. એક પ્રોડક્ટ જે મેકઅપની સાથે સ્કિનકૅર પણ પૂરું પાડે છે એને સ્માર્ટ ગ્લૅમર પણ કહેવાય છે.

શા માટે ટ્રેન્ડ છે ટૉક ઑફ ટાઉન?

સવારે ઑફિસ કે મીટિંગમાં પહોંચવાની ઉતાવળમાં કોની પાસે ટાઇમ હોય છે કે એ પહેલાં સીરમ, પછી મૉઇશ્ચરાઇઝર અને પછી મેકઅપ લગાવે? આ હાઇબ્રિડ પ્રોડક્ટ્સ આ બધું જ એક સ્ટેપમાં પતાવી દે છે. હવે તો કેકી મેકઅપનો જમાનો ગયો, લોકોને નૅચરલ અને ગ્લોઇંગ સ્કિનની સાથે નો-મેકઅપ લુક જોઈએ છે અને હાઇબ્રિડ પ્રોડક્ટ્સ આ એફર્ટલેસ લુક આપે છે. આ ઉપરાંત સ્કિનને હેલ્ધી રાખવા માટે ઉપયોગી નિયાસિનામાઇડ, હાયોલ્યુરૉનિક ઍસિડ અને SPF માત્ર ક્રીમમાં જ નહીં, કન્સીલર, બ્લશ અને ફાઉન્ડેશનમાં પણ જોવા મળે છે. એટલે કે મેકઅપ ઉતાર્યા પછી પણ તમારી સ્કિન ડલ નહીં પણ ફ્રેશ દેખાય છે.

તમારા પાઉચમાં શું હોવું જોઈએ?

સીરમ ઇન્ફ્યુઝ્ડ ફાઉન્ડેશનઃ સામાન્ય ફાઉન્ડેશન ત્વચા પર એક જાડું પડ બનાવી દે છે, જે ક્યારેક સ્કિનને ડ્રાય કરે છે. એની જગ્યાએ સીરમ ફાઉન્ડેશન વાપરો. એમાં હાયોલ્યુરૉનિક ઍસિડ કે વિટામિન C હોય છે, જે મેકઅપની સાથે-સાથે આખો દિવસ તમારી સ્કિનને ટ્રીટમેન્ટ પણ આપે છે.

ટિન્ટેડ સનસ્ક્રીનઃ આ પ્રોડક્ટ ટૂ-ઇન-વન છે. એ તમને સૂર્યનાં કિરણોથી પ્રોટેક્શન તો આપે જ છે, સાથે એમાં હળવો રંગ હોવાથી એ ફાઉન્ડેશન જેવું ફિનિશિંગ પણ આપે છે. ડેઇલી ઑફિસ કે કૉલેજ જવા માટે આ બેસ્ટ છે.

હાઇડ્રેટિંગ કન્સીલરઃ ડાર્ક સર્કલ્સ છુપાવવા માટે વપરાતું કન્સીલર જો સ્કિનકૅર ગુણોવાળું હોય તો એ આંખોની આસપાસની નાજુક ત્વચાને ડ્રાય થતી અટકાવે છે અને કરચલીઓ પડવા દેતું નથી.

લિપ ઍન્ડ ચિક ટિન્ટઃ ભારે લિપસ્ટિક અને બ્લશને બદલે ટિન્ટ વાપરવાનું રાખો. એ કુદરતી લુક આપે છે. આમાં મોટા ભાગે શિયા બટર કે જોજોબા ઑઇલ જેવાં કુદરતી તત્ત્વો હોય છે, જે ગાલ અને હોઠને મૉઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

સીરમ લિપ ઑઇલઃ લિપ-ગ્લૉસ ચીકણા હોય છે, પણ લિપ-ઑઇલ હોઠમાં ઊતરી જાય છે. એ હોઠને ગ્લૉસી અને પ્લમ્પી લુક આપે છે અને સાથે-સાથે હોઠ ફાટવાની સમસ્યા પણ દૂર કરે છે.

ફેસ-મિસ્ટઃ દિવસ દરમિયાન જ્યારે પણ ત્વચા થાકેલી લાગે, ત્યારે આ મિસ્ટ સ્પ્રે કરવાથી મેકઅપ ફ્રેશ થઈ જાય છે અને સ્કિનને જરૂરી પોષણ પણ મળી રહે છે.

fashion news fashion beauty tips columnists lifestyle news life and style gujarati mid day