24 September, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવરાત્રિમાં બૅકલેસ ટૉપ્સ પહેરતાં પહેલાં પીઠની કાળજી લેજો
માતાજીનાં નોરતાં શરૂ થઈ ગયાં છે ત્યારે ગરબા રસિકોની ફૅશન દરરોજ ગરબાના ગ્રાઉન્ડમાં દેખાશે. ટ્રેડિશનલ વેઅરમાં યુવતીઓ ઝળહળતી દેખાય છે, પણ ઘણી વાર એક નાની સમસ્યા આખા લુકને ફીકો કરી દે છે અને એ છે પીઠ પર થતી ફોલ્લીઓ. આ સમસ્યાને લીધે બૅકલેસ ટૉપ્સ કે ચણિયાચોળી પહેરવામાં યુવતીઓ ખચકાટ અનુભવતી હોય છે. આવી સમસ્યાનું સરળતાથી સમાધાન થઈ શકે છે.
સ્વચ્છતા સુંદરતાનું મૂળ
જૉબ પરથી ઘરે આવો ત્યારે ટ્રાવેલિંગ દરમિયાન પરસેવાથી રેબઝેબ થઈ જવાય છે અને પાછા ગરબા રમતી વખતે પરસેવો થાય એ અલગ. વધુપડતા પરસેવા અને પ્રદૂષણને લીધે સ્કિન પરના પોર્સ બંધ થઈ જાય છે, પરિણામે ફોલ્લીઓ વધે છે. તેથી સ્વચ્છતા રાખવી અને જાળવવી બહુ જરૂરી છે. દરરોજ નહાવાના સમયે ઍન્ટિ-બૅક્ટેરિયલ સોપ કે માઇલ્ડ ક્લેન્ઝરથી પીઠ સાફ કરવી બહુ જરૂરી છે. ખાસ કરીને ગરબા રમી આવ્યા પછી પણ સ્નાન કરવાનો નિયમ બનાવવો જેથી સ્કિન પર બૅક્ટેરિયા વધે નહીં. ડેડ સ્કિન સેલ્સનું પ્રમાણ ત્વચા પર વધી જાય ત્યારે પીઠ પર ફોલ્લીઓ થતી હોય છે. તેથી સપ્તાહમાં બે વાર પીઠ પર સ્ક્રબ અથવા સૅલિસિલિક ઍસિડવાળા એક્સફોલિઅન્ટથી સફાઈ કરવી. આનાથી સ્કિનટોન નિખરશે અને ફ્રેશ લાગશે.
કપડાંની પસંદગી
નવેનવ દિવસ ત્રણ કલાક સુધી સતત ગરબા રમવાના હો તો શરીર ગરમ થાય છે અને પરસેવો નીકળે છે. આવી સ્થિતિમાં ટાઇટ અને સિન્થેટિક કપડાં સ્કિનની હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે. ત્વચાને કમ્ફર્ટેબલ ફીલ કરાવે એવાં લિનન કે કૉટનનાં ફૅબ્રિક પસદ કરો જેથી ફૅબ્રિકને કારણે સ્કિન ઇરિટેશનની સમસ્યા ઓછી થાય.
ઘરગથ્થુ નુસખા
તમે કેટલાક ઘરગથ્થુ નુસખા પણ અપનાવી શકો છો. ટી ટ્રી ઑઇલને પાણીમાં મિક્સ કરી લઈને આ મિશ્રણને એક સ્પ્રે-બૉટલમાં ભરી લો અને એને સૂતી વખતે દરરોજ સ્પ્રે કરો. આ ઉપરાંત અલોવેરા પણ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. અલોવેરા જેલને પીઠ પર લગાવવાથી એ ઠંડક આપે છે અને સ્વેલિંગ ઓછું કરીને બૅક્ટેરિયાને જમા થવા દેતા નથી. હળદર અને દહીંને મિક્સ કરીને એનો પૅક પણ ફોલ્લીઓને ઓછી કરે છે અને એના ડાઘ પણ ધીમે-ધીમે ઘટે છે. આ નુસખા અને સ્કિનકૅર અપનાવ્યા બાદ પણ જો કંઈ અસર ન દેખાય તો અથવા ઍક્ને વધી જાય તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.