આ સમર સીઝનમાં મિસમૅચ્ડ થ્રી-ડી નેઇલ આર્ટનો ટ્રેન્ડ

03 April, 2025 02:50 PM IST  |  Mumbai | Kajal Rampariya

ઉનાળાની સીઝનમાં કૂલ ફૅશનના ટ્રેન્ડમાં નેઇલ આર્ટ પણ બાકાત રહી નથી. સમર વેકેશન માણવા જતી યુવતીઓ એક જ થીમ પર દરેક આંગળી પર અલગ નેઇલ આર્ટ કરાવીને નવા ટ્રેન્ડ સેટ કરી રહી છે

મિસમૅચ્ડ થ્રી-ડી નેઇલ આર્ટનો ટ્રેન્ડ

સમર સીઝનમાં આંખોને ઠંડક આપે એવી ફૅશન ટ્રેન્ડમાં છે ત્યારે નેઇલ આર્ટ ઇન્ડસ્ટ્રીમાં મિસમૅચ્ડ થ્રી-ડી નેઇલ આર્ટ પૉપ્યુલર થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ થયેલા વિડિયોમાં હાથના દરેક નેઇલમાં અલગ-અલગ ફ્રૂટ બનાવીને મિસમૅચ્ડ થ્રી-ડી આર્ટ દેખાવમાં બહુ જ આકર્ષક અને યુનિક લાગે છે. એક જ થીમ પર દરેક ફિંગરમાં અલગ આર્ટ કરીને ફ્લૉન્ટ કરતી યુવતીઓને પોતાના નેઇલ્સ પર કેવા પ્રકારની આર્ટ કરવી ગમે છે તથા આ ટ્રેન્ડ સાથે નેઇલ આર્ટમાં બીજા કેવા પ્રકારના અખતરા થઈ રહ્યા છે એ નેઇલ એક્સપર્ટ પાસેથી જાણીએ.

શું છે ટ્રેન્ડ?

ચર્ની રોડમાં નેઇલ આર્ટ સ્ટુડિયોનું સંચાલન કરતી પ્રોફેશનલ નેઇલ આર્ટિસ્ટ જિનલ સંગોઈ આ ટ્રેન્ડને સરળ ભાષામાં સમજાવતાં કહે છે, ‘નેઇલ આર્ટમાં સતત નવા-નવા પ્રયોગો થતા હોય છે. યુવતીઓના આઉટફિટ્સ અને તેમની જરૂરિયાતને સમજીને અમે એ પ્રમાણે તેમના નેઇલ્સ પર આર્ટ કરી આપીએ છીએ. વેડિંગ સ્પેશ્યલ નેઇલ્સની ડિમાન્ડ બહુ જ કૉમન છે, પણ ઉનાળો ચાલુ છે અને સમર વેકેશનની મજા માણવા જતી યુવતીઓને કૂલ અને બોલ્ડની સાથે યુનિક દેખાય એવી નેઇલ આર્ટ જોઈતી હોય છે. થોડા સમયથી મિસમૅચ્ડ થ્રી-ડી નેઇલ આર્ટ બહુ જ વાઇરલ થઈ રહી છે. એમાં થ્રી-ડી જેલ અથવા થ્રી-ડી ટૉપ કોટનો ઉપયોગ કરીને એમ્બૉસ્ડ થાય એવા એલિમેન્ટ્સ બનાવીને આપીએ છીએ. જેમ વિડિયોમાં દરેક આંગળીમાં ફ્રૂટની ડિઝાઇન બનાવી અને એના પર ટ્રાન્સપન્ટ જેલથી કોટિંગ કરીને થ્રી-ડી ઇફેક્ટ આપવામાં આવી છે. આવી નેઇલ આર્ટ બહુ જ ઓછા લોકો કરાવે. જેને બોલ્ડ અને યુનિક દેખાવાની ઇચ્છા હોય તે. અત્યારે તો આવા મિક્સ ફ્રૂટની થીમ ઉપરાંત પેસ્ટલ કલર પર વૉટર ડ્રૉપ ઇફેક્ટ્સ અથવા કિવી, ડ્રૅગન ફ્રૂટ વૉટરમેલનની સ્લાઇસ કે બીના ઇફેક્ટ આપી શકાય એવી નેઇલ આર્ટની ડિમાન્ડ પણ વધી છે.

કઈ થીમ છે પૉપ્યુલર?

મિસમૅચ્ડ થ્રી-ડી નેઇલ આર્ટ વિશે વધુ માહિતી આપતાં જિનલ કહે છે, ‘અત્યારે થ્રી-ડી જેલથી નેઇલ પર થ્રી-ડી આર્ટ બનાવી શકાય એ રીતે પણ લોકો ડિઝાઇન કરાવે છે અને રેડીમેડ મિનિએચર એલિમેન્ટ્સ આવે એવી પણ પૅટર્નની થીમ બેઝ્ડ નેઇલ આર્ટ કરાવે છે. કૅડબરી, મર્મેડ, ઓશન અને શેલ થીમ ઉપરાંત પેસ્ટલ અને પિન્ક કલરની થીમની સમર સ્પેશ્યલ નેઇલ આર્ટની બોલબાલા વધુ છે. ઘણા લોકો દરેક આંગળીમાં અલગ કલર કરાવે અને માર્બલ ઇફેક્ટ મળે એ રીતે પણ આર્ટ કરાવતા હોય છે. એ કૅઝ્યુઅલ અને બોલ્ડ આઉટફિટ પર જ સારી લાગે છે. આ ઉપરાંત અત્યારે મિસમૅચ્ડ થ્રી-ડી નેઇલ આર્ટની સાથે ડ્રાઇડ ફ્લાવરની આર્ટ પણ યુવતીઓ કરાવવા આવે છે. આ પ્રકારની આર્ટ એસ્થેટિક વાઇબ્સ આપે છે અને સમરમાં તો એ સૌથી આઇડિયલ માનવામાં આ‍વે છે. ફ્લાવર્સ પેસ્ટલ કલર્સના દરેક પ્રકારના આઉટફિટ્સ પર કૉમ્પ્લીમેન્ટ આપે છે.’

fashion fashion news life and style columnists gujarati mid-day mumbai