03 December, 2024 02:32 PM IST | Mumbai | Heta Bhushan
મેટાલિક ઍન્ટિક ગોલ્ડ, સિલ્વર સાડી
મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં રજૂ કરેલા વેડિંગ કલેક્શનમાં ચારે તરફ મેટાલિક રંગોનો ચમકાર હતો. ઇન્ડિયન હેરિટેજથી પ્રેરિત આ નવા કલેક્શનમાં ટ્રેડિશનલ રંગોને બદલે શિમર ગોલ્ડ, સિલ્વર, રોઝ, ગોલ્ડ જેવા રંગોની બોલબાલા હતી ત્યારે જાણીએ દુલ્હનના આઉટફિટમાં કેવાં-કેવાં ચમકતા મેટાલિક રંગો, ટિશ્યુ, જરી, સીક્વન્સ વર્કવાળાં કાપડ અને મેટાલિક થ્રેડ એમ્બ્રૉઇડરીની બોલબાલા રહેશે
કોઈ પણ સેલિબ્રેશન હોય, ચમકતા શિમર રંગોનો ચમકાર પ્રસંગને શોભાવે છે. દરેક મેટાલિક રંગની પોતાની આગવી ખાસિયત છે. આ વર્ષના લગ્નગાળામાં દુલ્હનનાં કપડાંમાં સ્પાર્કલ અને પ્રેમનો ચમકતો અણસાર ઉમેરવા ચમકતા મેટાલિક રંગો ડિઝાઇનરોની પહેલી પસંદ બની રહ્યા છે એમ જણાવતાં પર્સનલ સ્ટાઇલિસ્ટ સ્મૃતિ ધાનુકા કહે છે, ‘આ વર્ષે દુલ્હા અને દુલ્હન બન્નેનાં કપડામાં ગોલ્ડ, સિલ્વર, રોઝ ગોલ્ડ જેવા રંગો પહેલી પસંદ બની રહ્યા છે. આ રંગો એક ઝગમગાટ ભરેલો બધાનું ધ્યાન ખેંચતો દેખાવ આપે છે, જે પોતાના ખાસ દિવસ માટે બધાને ગમે છે. બ્રાઇડલ લેહંગા, દુલ્હન સાડી, દુલ્હાની શેરવાની બધામાં ટ્રેડિશનલ ઇન્ડિયન કારીગરી દર્શાવતાં એમ્બ્રૉઇડરી વર્ક ગોલ્ડ, સિલ્વર, બ્રૉન્ઝ અને રોઝ ગોલ્ડ મેટાલિક રંગો પર કરવામાં આવી રહ્યાં છે. પહેલાં ફૅશન વર્લ્ડમાં મેટાલિક રંગોને બહુ ચમકદાર છે એમ કહીને ઓછા પસંદ કરવામાં આવતા હતા, પણ ફૅશનનું ચક્ર ફરતું રહે છે અને અત્યારે ચમકદાર મેટાલિક રંગોને એમના ઝગમગતા ઝળહળાટને લીધે જ પસંદ કરવામાં આવી રહ્યા છે.’
ગોલ્ડ : સોનેરી ચમક
ગોલ્ડ મેટાલિક રંગ ચમકદાર સોનેરી આભા ધરાવે છે અને આપણા દેશની પરંપરા પ્રમાણે દરેક ઉત્સવમાં અને પ્રસંગમાં આ રંગ એની ભવ્યતા સાથે અવ્વલ જ હોય છે. એક રાજવી રૉયલ લુક આપતો આ રંગ ગ્રૅન્ડ સેરેમની માટે પર્ફેક્ટ ચૉઇસ સાબિત થાય છે. ગોલ્ડન બનારસી સાડી, ફુલ ગોલ્ડ લેહંગા-ચોલી અને કૉન્ટ્રાસ્ટ રેડ-મરૂન ઓઢણીનું કૉમ્બિનેશન બહુ સરસ લાગે છે. કોઈ પણ વૉર્મ કલર્સ લાલ, લીલો, કેસરી, રાણી બધા સાથે સોનેરી રંગ સરસ ઉઠાવ આપે છે. ઍન્ટિક ગોલ્ડ પણ બહુ સરસ ટ્રેડિશનલ ઇફેક્ટ આપે છે.
રાણી પિન્ક મેટાલિક શેડ
સિલ્વર : રૂપેરી ચમકાર
ચંદ્રની ચાંદની જેવો શીતલ અને આછી ચમક ધરાવતો સિલ્વર મેટાલિક રંગ મૉડર્ન ડિઝાઇન સાથે સુંદર રીતે ખીલે છે. સાંજની પાર્ટી, સંગીત, રિસેપ્શન માટે સિલ્વર રંગ બેસ્ટ ચૉઇસ છે. ગ્રે, પેસ્ટલ પિન્ક, ગ્રીન, પીચ જેવા રંગો, રૉયલ બ્લુ બધા સાથે આ રંગનું કૉમ્બિનેશન અને સિલ્વર થ્રેડ એમ્બ્રૉઇડરી સરસ ઉઠાવ આપે છે.
રોઝ ગોલ્ડ : ગુલાબી આભાની શીતળતાભરી ચમક
રોઝ ગોલ્ડ અત્યારે એકદમ નવો જ રંગ અને ઇન ફૅશન છે. આ રંગમાં ગોલ્ડ રંગની ભવ્યતા અને સિલ્વરની શીતળતા સાથે ભળીને ઊભરે છે. વળી એમાં ગુલાબી રંગ ભેળવ્યો હોય એવી આભા દેખાય છે.
બ્રૉન્ઝ અને કૉપર
બ્રૉન્ઝ અને કૉપર મેટાલિક રંગો પણ એક ચમકદાર ઇફેક્ટ આપે છે અને યુનિક ઑપ્શન્સ તરીકે ડિઝાઇનર આ રંગોનો કૉમ્બિનેશનમાં ઉપયોગ કરે છે.
બધા રંગોના મેટાલિક ઑપ્શન્સ
ટિશ્યુ અને સિલ્કમાં લાલ, લીલો, બ્લુ, રાણી, પર્પલ, ગ્રે બધા રંગો સાથે સોનેરી રંગ ભેળવીને ઊભી કરેલી સોનેરી ચમકદાર આભાવાળાં બધા રંગનાં મટીરિયલ ઉપલબ્ધ છે. આ રંગો પણ બહુ સરસ શિમર ઇફેક્ટ આપે છે. ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં અને વેસ્ટર્ન આઉટફિટમાં શિમર લુક આપવા જુદા-જુદા રંગોની ચમકતી ટીકી વર્કવાળાં સીક્વન્સ મટીરિયલ ડિઝાઇનર યુઝ કરે છે.
સોનેરી–રૂપેરી
ગોલ્ડ અને સિલ્વર બન્ને રંગ એકસાથે વાપરવા એ ફૅશન બ્લન્ડર ગણાતું હતું, પણ હવે નવા-નવા પ્રયોગો કરતા ફૅશન-ડિઝાઇનર ગોલ્ડ અને સિલ્વર કૉમ્બિનેશનવાળા ડ્યુઅલ શેડવાળા એલિગન્ટ આઉટફિટ બનાવે છે જે સાડીથી લઈને વેસ્ટર્ન આઉટફિટ સુધી એકદમ ઇનથિંગ છે.
સ્મૃતિ ધાનુકા જણાવે છે, ‘આ વર્ષે મૅરેજ સીઝનમાં ટિશ્યુ મટીરિયલ, ચંદેરી સિલ્ક, અન્ય ચમકતાં મટીરિયલ અને ચમકતી સીક્વન્સ ધરાવતાં કાપડ ,જરી થ્રેડ એમ્બ્રૉઇડરી, ગોટાપટ્ટી વર્ક બધે જ મેટાલિક રંગો છવાયેલા છે. કોઈ પણ રંગ પર માત્ર ગોલ્ડ કે સિલ્વર જરીકામ હોય એવા આઉટફિટ કે સાડીના સ્થાને હવે ગોલ્ડ, સિલ્વર કે અન્ય મેટાલિક વેરિએશન્સ ધરાવતા રંગનાં ગ્લિટરિંગ મટીરિયલ પહેલી પસંદ બની રહ્યાં છે. દુલ્હન અને દુલ્હન કે દુલ્હાના ઘરના મેમ્બર માટે મેટાલિક રંગ, મેટાલિક વર્ક અને મેટાલિક એમ્બેલિશમેન્ટ ધરાવતા વિવિધ આઉટફિટ બધા પસંદ કરે છે અને ઇન્ડિયન સ્કિનટોન પ્રમાણે એ લગભગ બધા જ સ્કિનટોન પર શોભે છે.