26 November, 2024 03:54 PM IST | Mumbai | Kajal Rampariya
કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર
વૈશ્વિક ધોરણે રંગોના ટ્રેન્ડ પર અભ્યાસ કરતી અમેરિકન પૅન્ટોન કંપનીએ પાનખર સીઝનના રંગ તરીકે બર્ગન્ડીની પસંદગી કરી છે. કરીના કપૂર ખાનથી લઈને જાહ્નવી કપૂર સુધીની ઍક્ટ્રેસિસ વિન્ટર ફૅશનમાં આ રંગ વાપરતી થઈ ગઈ છે ત્યારે જાણીએ આ રંગ પહેરીને સ્ટાઇલિશ દેખાવા શું કરવું
અમેરિકન કલર કંપની પૅન્ટોને બર્ગન્ડી કલરને ઑટમ સીઝન કલર ઑફ ધ યર તરીકે જાહેર કર્યો છે. મતલબ કે ચાલી રહેલી શરદ ઋતુમાં આવતી પાનખરમાં આ રંગની ફૅશન ફુલ સ્વિંગમાં ખીલશે. ફૅશનજગતમાં તો એ જોવા પણ મળી રહ્યું છે. કૉસ્ચ્યુમ્સની સાથે-સાથે ઍક્સેસરીઝમાં પણ કલર ઑફ ધ યર બનેલા બર્ગન્ડી કલરના શેડ્સનો દબદબો કાયમ છે.
આ રંગ એવો છે જે સ્ત્રીઓ અને પુરુષો બન્નેની ફૅશનમાં ભરપૂર જોવા મળે છે. બૉલીવુડની સેલિબ્રિટીઝમાં આ રંગનાં કૉસ્ચ્યુમ્સ હમણાં છાશવારે જોવા મળી રહ્યાં છે. સાથે જ માર્કેટમાં વિન્ટર ફૅશનવેરમાં ક્લાસિક કલર ગણાતા બર્ગન્ડી શેડ્સનાં સ્વેટશર્ટ્સ, કાર્ડિગન્સ, શાલ, સ્કાર્ફ, જૅકેટ્સ અને હૂડી ટ્રેન્ડ કરી રહ્યાં છે ત્યારે તમે આ કલર્સના વિન્ટરવેરની ખરીદી કરો છો ત્યારે કેવી રીતે સ્ટાઇલ કરી શકશો એ વિશે જાણીએ.
જો તમે બર્ગન્ડી કલરની હૂડી ખરીદી હોય તો વાઇટ અથવા ક્રીમ પૅન્ટનું કૉમ્બિનેશન ક્લાસિક લાગશે. યુવતીઓમાં અત્યારે નૉર્મલ હૂડીઝને બદલે ક્રૉપ હૂડીઝ વધુ પૉપ્યુલર છે ત્યારે આ કલરની ક્રૉપ હૂડી સાથે ડાર્ક બ્લુ અથવા વાઇટ કલરનું સ્ક્રીન અથવા બૅગી જીન્સ પહેરશે તો વિન્ટર સ્પેશ્યલ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ નિખરી આવશે. જો હૂડી ચેઇનવાળી હોય અને ઓપન રાખવાની ઇચ્છા હોય તો વાઇટ અથવા બ્લૅક ઇનર સાથે સૂટ થશે અને પૅન્ટ બ્લૅક અથવા બ્લુ કલરનું રાખવું યોગ્ય રહેશે. પુરુષો પર બર્ગન્ડી હૂડી સાથે ક્રીમ અથવા વાઇટ પૅન્ટ વધુ સૂટ થશે. બહાર ફ્રેન્ડ્સ સાથે ફરવા જતા હો તો એની સાથે વાઇટ સ્નીકર્સ અથવા શૂઝનું કૉમ્બિનેશન ક્લાસ લાગશે.
વાત બર્ગન્ડી કલરનાં સ્વેટશર્ટ્સની કરીએ તો યુવતીઓને સ્વેટશર્ટ્સ સાથે યલોના ડસ્કી શેડ્સ એટલે કે હળદર કલરનું બેલબૉટમ અથવા વાઇડ લેગ જીન્સ પૅન્ટ સારું લાગશે. આ ઉપરાંત વુડન શેડનાં પૅન્ટ્સ પણ સારાં લાગે છે. સ્કાર્ફ રાખવાની ઇચ્છા હોય તો પણ આ કલર્સના વુલન સ્કાર્ફ સૂટ થશે. જોકે સ્કાર્ફ કે શાલ બર્ગન્ડી કલરની લો છો તો એ વાઇટ ટૉપ અને બ્લુ જીન્સ પર વધુ સારા લાગશે. મૉનોક્રોમેટિક કરવાની ઇચ્છા હોય તો પેસ્ટલ પિન્ક ટૉપ પર વાઇન કલરનો સ્કાર્ફ કે શાલ તમારા સ્ટાઇલ-સ્ટેટમેન્ટને એન્હૅન્સ કરવાનું કામ કરે છે.
બર્ગન્ડી સ્વેટશર્ટ્સ
પુરુષોની વાત કરીએ તો બર્ગન્ડી સ્વેટશર્ટ્સ સાથે બેજ, ખાખી, ગ્રે અથવા ક્રીમ કલરનું પૅન્ટ તેમને ફૅશનેબલ લુક આપશે. સિમ્પલ સ્વેટશર્ટ ખરીદવાને બદલે ક્રીમ કલરના ફૌક્સ કૉલરવાળું સ્વેટશર્ટ તમને નૉર્મલ કરતાં અલગ લુક આપશે. કાર્ડિગન્સમાં પણ બર્ગન્ડી કલર વધુ પૉપ્યુલર થઈ રહ્યો છે. જૅકેટ્સમાં પણ ઓપન લૉન્ગ જૅકેટ્સ અથવા કોટ બર્ગન્ડી કલરમાં હોય તો એની સાથે ક્રીમ, પીચ, પેસ્ટલ પિન્ક, ગ્રે અને વાઇટ ટી-શર્ટ વધુ કૉમ્પ્લિમેન્ટ્સ આપશે. જો તમારો સ્કિનટોન ફેર હોય તો બ્લૅક કલર સાથે પણ બર્ગન્ડી જૅકેટ પહેરી શકાય.
ટ્રેન્ડિંગ કલરની યુઝફુલ ટિપ્સ
બર્ગન્ડી કલર કૂલ અને ક્લાસિક વાઇબ્સ આપે એવો છે. કલર ભલે ટ્રેન્ડમાં છે, પણ બધા જ લોકો પર સૂટ થાય એવું જરૂરી નથી. આ ડાર્ક કલર હોવાથી એ વાઇટ કલરને કૉમ્પ્લિમેન્ટ્સ આપે છે. ફેર અથવા મીડિયમ સ્કિનટોનવાળા લોકો પર બર્ગન્ડી કલર સૂટ તો થશે જ, પણ આ કલર તેમને ક્લાસિક અને મૉડર્ન સ્ટાઇલિશ હોવાની ફીલિંગ આપશે. જો તમારો સ્કિનટોન ડાર્ક છે તો આવા ડાર્ક કલરની પસંદગી સમજી-વિચારીને કરવી અથવા તો ન કરવી. બર્ગન્ડી કલરનાં વિન્ટરવેર પ્લેન અને કોઈ પણ ડિઝાઈન વગરનાં લેવાં જેથી એને કોઈ પણ ટી-શર્ટ કે પૅન્ટ સાથે પેર કરી શકાય. ડિઝાઇન હશે તો એમાં લિમિટેશન આવી જશે.