16 April, 2025 07:39 AM IST | Mumbai | Heena Patel
સ્પૅગેટી ડ્રેસ, ટ્યુબ મૅક્સી ડ્રેસ, સ્ટમક-કટ ડ્રેસ
મૅક્સી ડ્રેસને એ રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે જેથી એ પહેરવામાં આરામદાયક લાગે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં જ્યારે ચુસ્ત કપડાં પહેરવામાં અસહજતાનો અનુભવ થાય, ઉપરથી એ ત્વચાને પણ ઇરિટેટ કરી દેતાં હોય છે જેને કારણે રૅશિઝ થઈ જતા હોય છે. આ પ્રકારના ડ્રેસ બ્રીધેબલ ફૅબ્રિક જેવાં કે કૉટન, લિનન, રેયૉનમાંથી બનેલા હોય છે એટલે એ પહેરવામાં હળવા લાગે અને એમાં ગરમી પણ ઓછી લાગે. મૅક્સી ડ્રેસ લંબાઈમાં પગની ઘૂંટી સુધીના હોય છે એટલે તડકાથી રક્ષણ આપવાનું પણ કામ કરે છે. નીચેથી એ લૂઝ અને લહેરાતા હોય એટલે હવાની અવરજવર પણ રહે. એમાં પણ આજકાલ મૅક્સી ડ્રેસ એટલીબધી સ્ટાઇલના આવે છે કે એને બધી જ ઉંમરની મહિલાઓ પહેરી શકે છે. આજકાલ કેવી સ્ટાઇલના મૅક્સી ડ્રેસ ટ્રેન્ડમાં છે એ ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા પાસેથી જાણી લઈએ, જેથી આ સમર સીઝનમાં તમે પણ સ્ટાઇલિશ અને કૂલ બન્ને રહી શકો.
ટ્યુબ મૅક્સી ડ્રેસ
આ પ્રકારના મૅક્સી ડ્રેસ શોલ્ડરલેસ અને સ્લીવલેસ હોય છે. બ્રેસ્ટનો જે ભાગ હોય ત્યાંથી ટાઇટ હોય છે અને નીચેથી ખૂલતા હોય છે. ટ્યુબ મૅક્સી ડ્રેસ સૉફિસ્ટિકેટેડ અને વધારે કૉન્ફિડન્ટ ફીલ કરાવે એવા હોય છે.
સ્પૅગેટી ડ્રેસ
આ પ્રકારના ડ્રેસમાં શોલ્ડર ઉપર ફક્ત પાસ્તાની સ્ટ્રિંગ્સ જેવી લાગતી પાતળી પટ્ટી જ હોય છે. એટલે જ એને સ્પૅગેટી ડ્રેસ નામ આપવામાં આવ્યું છે. સ્પૅગેટી સ્ટ્રૅપ્સ મૅક્સી ડ્રેસમાં એલિગન્સ એટલે કે વધુ લાવણ્ય ઉમેરવાનું કામ કરે છે.
સ્ટમક-કટ ડ્રેસ
આ પ્રકારના ડ્રેસમાં પેટના ભાગે વિવિધ પ્રકારના કટ આપવામાં આવે છે. એને કારણે પેટ અને કમરની આસપાસનો ભાગ વધુ હાઇલાઇટ થઈને દેખાય. ડ્રેસમાં એવી જગ્યાએ અને એ રીતે કટ્સ આપવામાં આવે છે જેથી એ ડ્રેસ વધુ સેક્સી દેખાય અને યુનિક ડિઝાઇન પણ ક્રીએટ થાય.
કઈ રીતે સ્ટાઇલ કરી શકાય?
આ પ્રકારના મૅક્સી ડ્રેસ સાથે તમે સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરીને વધુ સારાં દેખાઈ શકો છો. સ્ટેટમેન્ટ જ્વેલરી એટલે એવી જ્વેલરી જે યુનિક અને બોલ્ડ હોય. એમાં જનરલી મોટા, રંગબેરંગી જ્વેલરી પીસ આવે જે ધ્યાનાકર્ષક હોય. જેમ કે ઓવરસાઇઝ્ડ ઇઅરરિંગ્સ, ચન્કી એટલે કે મોટા ભારે નેકલેસ, ડેકોરેટેડ બ્રેસલેટ વગેરે.
પ્રિન્ટ અને કલર
મૅક્સી ડ્રેસમાં આ વખતે બોલ્ડ અને સ્ટેટમેન્ટ મેકિંગ પ્રિન્ટ ટ્રેન્ડમાં છે. એમાં ઓવરસાઇઝ્ડ ફ્લોરલ, જ્યોમેટ્રિક શેપ્સ, ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન બધું આવી જાય. કલરની વાત કરીએ તો પેસ્ટલ પિન્ક, બટર યલો, લવેન્ડર જેવા લાઇટ કલર તેમ જ રેડ, બ્લુ જેવા વાઇબ્રન્ટ કલર ટ્રેન્ડમાં છે.