જો તમે પણ તમારા વેડિંગ લુકને ફૅશનેબલ બનાવવા નહીં પણ ભારતીય કલાને ફ્લૉન્ટ કરવા માગતા હો તો સમન્થા રુથ પ્રભુના ટાઇમલેસ લુકને અપનાવી શકો છો. આ સ્ટાઇલ એ વાતની સાબિતી છે કે ક્લાસિક લુક્સ ક્યારેય આઉટ ઑફ ફૅશન જતા જ નથી
સમન્થા રુથ પ્રભુ
સાઉથ અને બૉલીવુડની ફિલ્મોની અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ ઈશા યોગ સેન્ટરના લિંગ ભૈરવી મંદિરમાં ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે પ્રભુતામાં પગલાં માંડીને ચર્ચાનું કારણ બની છે ત્યારે તેના બ્રાઇડલ લુકે ફૅશન-જગતમાં નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. તેણે ચળકાટ અને હેવી એમ્બ્રૉઇડરીથી દૂર રહીને કસ્ટમ-મેડ, હાથવણાટની લાલ બનારસી સાડી પહેરવાનું પસંદ કર્યું હતું. આ સાડીની સાદગી જ તેના લુકને એલિવેટ કરે છે ત્યારે એની ખાસિયતો પણ જાણવા જેવી છે.
સમન્થાની બનારસી સાડી સૅટિન સિલ્કની હોવાથી એ હેવી એમ્બ્રૉઇડરી વર્ક વિના પણ લક્ઝરી લુક આપે છે. આ સાડી એક જ કારીગરે તૈયાર કરી છે. એના વણાટકામમાં બેથી ત્રણ અઠવાડિયાંનો સમય લાગ્યો હતો. હાથવણાટની સાડી હોવાથી એ મશીનમેડ સાડી કરતાં તદ્દન અલગ અને યુનિક લાગે છે. સાડીમાં હેવી ગોલ્ડ જરીને બદલે પાઉડર જરીના બારીક બુટ્ટાનો ઉપયોગ થયો છે જે સાડીને ઓવરપાવર કરવાને બદલે એની બ્યુટીને વધારી રહી છે. આ સાથે કિનારી પર બેજ ગોલ્ડ જરદોશીનું કામ સાડીને ટ્રેડિશનલ ટચ આપે છે. જોકે બૉર્ડર પરનું વર્ક સટલ અને મિનિમલ રખાયું છે.
સાડીની સાથે બ્લાઉઝ પણ સમન્થાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. બીસ્પોક જામદાની કલ્પવૃક્ષના મોટિફ્સનું બ્લાઉઝ બનાવડાવ્યું હતું. બીસ્પોક એટલે તમારા માટે, તમારા માપ પ્રમાણે અને તમારી જરૂરિયાત પ્રમાણે બનાવેલી ડિઝાઇન. તેણે અપનાવેલી ફૅશને બ્રાઇડલ ફૅશનને નવા ગોલ્સ આપ્યા છે. પર્સનલાઇઝ્ડ બ્લાઉઝ ફક્ત કપડું નથી રહેતું પણ ભાવનાત્મક વારસો બની જાય છે.
તમે પણ અપનાવો ટાઇમલેસ લુક
- સમન્થાની જેમ તમારે પણ લેસ ઇઝ મોર લુક અપનાવવો હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- બનારસી, કાંચીપુરમ અથવા પટોળા જેવી સિલ્ક સાડી જેવા હેવી અને પરંપરાગત ફૅબ્રિકની સાડી પસંદ કરો. ફૅબ્રિક જ દેખાવમાં રિચ લુક આપે તો હેવી વર્ક કે એમ્બ્રૉઇડરીની જરૂર આપોઆપ ઘટી જાય છે.
- બ્રાઇડલ ફૅશનમાં લાલ, મરૂન, ક્રીમ અને રોઝ ગોલ્ડ જેવા ક્લાસિક અને ડાર્ક કલર્સની પસંદગી તમારા લુકમાં રૉયલનેસ ઍડ કરશે.
- જો તમને જરદોશી કે એમ્બ્રૉઇડરી વર્ક ગમતું હોય તો આખી સાડીમાં કરાવવાને બદલે બૉર્ડર અને પાલવના ખૂણામાં અથવા બ્લાઉઝમાં કરાવો અને સમન્થાની જેમ પાઉડર જરીનો ઉપયોગ કરો. આખી સાડીમાં નાના-નાના અંતરે વણાયેલા બુટ્ટા સાદગીને જાળવી રાખશે અને સુંદરતામાં વધારો કરશે.
- બ્લાઉઝને તમે વધુ ક્રીએટિવ અને પર્સનલાઇઝ બનાવી શકો છો. તમે તમારાં લગ્નની તારીખ, જીવનસાથીના નામનો પહેલો અક્ષર, કોઈ સ્ટોરી દર્શાવતા મોટિફ્સ, આર્ટિસ્ટની મદદથી હાથે પેઇન્ટ કરેલા મોટિફ્સ અથવા ટૅસલ્સ ઉમેરો.
- સાડીને સાદી રાખીને હેવી વર્કવાળા ઑર્ગન્ઝા અથવા ટિશ્યુ સિલ્કના ફૅબ્રિકના દુપટ્ટા માથા પર રાખશો તો એ તમારા લુકને એલિવેટ કરશે.
- સમન્થાએ જેમ સાડીની સાદગી સાથે જ્વેલરી મિનિમલ રાખી હતી એમ પોલ્કી કે હીરાના સિંગલ સ્ટેટમેન્ટ પીસ પહેરી શકાય. હાથમાં પણ બંગડીના સેટ કરતાં ડિઝાઇનર કડાં લુકને વધુ એન્હૅન્સ કરશે. નો-મેકઅપ લુક સાથે હેરસ્ટાઇલમાં પણ તમે મેસી ચોટી કે બન રાખીને એમાં વેણી કે ગજરો નાખશો તો તે તમારી સાદગીને વધુ સારી અને સુંદર રીતે ફ્લૉન્ટ કરશે.