આંતરજ્ઞાતીય લગ્ન વિશે સરકાર અને શાસ્ત્રો શું કહે છે?

13 January, 2026 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી હાઈ કોર્ટે ૨૦૨૫ની ૯ નવેમ્બરે જાહેર કર્યું હતું કે ‘જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરે કે સાથે રહેવાનું નક્કી કરે ત્યારે પરિવાર કે સમુદાય તેમના પર દબાણ, પ્રતિબંધો કે ધમકીઓ લાદી શકે નહીં.

આંતરજ્ઞાતીય લગ્ન વિશે સરકાર અને શાસ્ત્રો શું કહે છે?

દિલ્હી હાઈ કોર્ટે ૨૦૨૫ની ૯ નવેમ્બરે જાહેર કર્યું હતું કે ‘જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરે કે સાથે રહેવાનું નક્કી કરે ત્યારે પરિવાર કે સમુદાય તેમના પર દબાણ, પ્રતિબંધો કે ધમકીઓ લાદી શકે નહીં. આંતરજ્ઞાતીય લગ્નો રાષ્ટ્રીય હિતમાં છે અને એને કૌટુંબિક કે સાંપ્રદાયિક હસ્તક્ષેપથી સુરક્ષિત રાખવા જોઈએ.’ આમ સ્પષ્ટ કાયદાકીય સંમતિ હોવા છતાં ગુજરાતની બે પ્રખ્યાત ગાયિકાઓએ સગપણ કર્યાં એમાં તેમના સમાજમાં ખળભળાટ મચી ગયો. આગેવાનોએ જાહેરમાં વિરોધના નિવેદનો આપ્યાં. પ્રત્યાઘાતરૂપે એક ગાયિકાએ સોશ્યલ મીડિયામાં તેના સમાજને અને વિશેષ તો યુવા પેઢીને સંબોધીને હૃદયની વ્યથા ઠાલવી. પૂછ્યું, પ્રેમલગ્ન કરવાં એ શું ગુનો છે? સરકારી સૂત્ર ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ના સૂત્રની પણ યાદ અપાવી. 

બીજી તરફ બુદ્ધપૂર્ણિમાના દિવસે કર્ણાટકના મુખ્ય પ્રધાન સીતારામૈયા જાહેર પ્રવચનમાં કહે છે કે તેઓ તેમની પ્રેમિકાને પરણી ન શક્યા કારણ કે તે બીજી જાતિની હતી. આ 
નાત-જાતના ભેદભાવ હિન્દુ સમાજને આગળ વધતો અટકાવે છે એમ કહી આંતરજ્ઞાતીય લગ્નોને ઉત્તેજન આપવા સરકારી સહાય પણ જાહેર કરી દીધી.

નાત-જાતને કારણે સમાજના એક મોટા વર્ગને પેઢીઓ સુધી દુઃખ, અપમાન અને તિરસ્કાર શોષવા પડ્યાં છે. ઘોડા પર બેસી જાન લઈ જનારા વરરાજાને ખેંચીને ઉતારી પાડવાના સમાચાર એકલદોકલ નથી. ગામના ચોક્કસ વિસ્તારોમાંથી કેટલોક વર્ગ જાન લઈ જઈ નહીં શકે એવાં ફરમાનો છૂટે છે. આંતરજ્ઞાતીય લગ્ન કરનારા દલિત યુવકને બિન્દાસ રહેંસી નાખવામાં આવે અને ઓનરકિલિંગના નામે સગી પુત્રીનું ગળું દબાવી મારી નાખવામાં આવે ત્યારે થાય કે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ? આવા સમાચારો વાંચી કોઈને હવે અરેરાટી પણ થતી નથી. ‘સૈરાટ’ (૨૦૧૬) ફિલ્મના ગીત પર નાચનારા સૌને એ ફિલ્મ જે સંદેશ આપવા માગે છે એ કેમ સમજાતો નથી? મહેશ ભટ્ટની ફિલ્મ `ઝખ્મ` (૧૯૯૮)એ પણ આપણા સમાજની સંકુચિતતા અને જટિલતાને બખૂબી રજૂ કરી હતી.

ભારતમાં પ્રથમ અધિકૃત રીતે નોંધાયેલાં આંતરજ્ઞાતીય લગ્ન ડૉ. યશવંત અને લક્ષ્મીનાં હતાં. યશવંત જન્મે બ્રાહ્મણ હતો, મા વિધવા હતી. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલેએ પછી તેને દત્તક લીધો હતો. લક્ષ્મી જ્ઞાનોબા કૃષ્ણાજી સાસાણી નામના એક માળીની પુત્રી હતી. બ્રાહ્મણ કે પુરોહિત વગર તેમ જ પ્રચલિત વિધિઓ વગરના ‘સત્યશોધક સમાજ’ પદ્ધતિથી લગ્ન થયાં હતાં (૦૪/૦૨/૧૮૮૯). આ લગ્ન એ સમયનું હિંમતભર્યું પગલું કહી શકાય જ્યારે ઉચ્ચ ગણાતા વર્ણોમાં પણ વિભાગો, પેટાવિભાગો હતા. અને એમાં પણ રોટી-બેટીના વ્યવહાર શક્ય નહોતા. જાતિવાદના ભેદભાવે સમાજના બધા જ સ્તરોને સખત નાગપાશમાં જકડી રાખ્યા છે. બધી રીતે ઉત્તમ પાત્ર હોય તોય ફક્ત બીજી જ્ઞાતિનું (બીજા ધર્મનું તો દૂરની વાત છે) હોવાથી જ સ્વીકારવામાં નથી આવતું. એટલા માટે જ તો મૅટ્રિમોનિયલ કૉલમના મથાળે જાતિ જોયા પછી જ ભણતર, વ્યવસાય વગેરે જોવામાં આવે છે. પણ આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ કરનારા પંડિતો અને શાસ્ત્રીઓ એ હકીકતને સગવડે ભુલાવી દે છે કે વર્ણવ્યવસ્થા જન્મગત નહીં પણ વ્યવસાયગત હતી અને વ્યવસાય વ્યક્તિના કૌશલ્યથી નક્કી થતો હતો. જાતિવાદના ‘વૈજ્ઞાનિક’ ફાયદા બતાવતી વખતે તેઓ એનાં દૂષણોને કેમ ભૂલી જાય છે?

શાસ્ત્રોને જ પ્રમાણ માનવાની વાત કરતા હો તો બ્રાહ્મણ ઋષિ જમદગ્નિએ ક્ષત્રિય રાજકુમારી રેણુકા સાથે લગ્ન કર્યાં હતાં. તેમના પુત્ર પરશુરામને તો સ્વયં વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આનાથી વધુ કયો શાસ્ત્રીય પુરાવો જોઈએ? રાજા યયાતિએ બ્રાહ્મણકન્યા દેવયાની સાથે લગ્ન કર્યાં હતાં. મત્સ્યદેશના રાજા વિરાટની પત્ની સુદેષ્ણા સુત જાતિની હતી. વિદર્ભ દેશની રાજકુમારી દમયંતીએ સ્વયંવરમાં ઇન્દ્રને છોડી નિષદ રાજા નળને પસંદ કર્યા હતા. ધૃતરાષ્ટ્રની એક પત્ની વૈશ્ય જાતિની હતી, જેનાથી તેમને યુયુત્સુ નામનો પુત્ર જન્મ્યો હતો. ઋષિ પરાશરના મત્સ્યકન્યાથી જન્મેલા પુત્ર વ્યાસને તો મુનિ અને ભગવાન જેવું ઊંચું સ્થાન પુરાણોએ આપ્યું છે. આ જ વ્યાસમુનિ દ્વારા અંબિકા અને અંબાલિકાને નિયોગ પદ્ધતિથી બે પુત્ર ધૃતરાષ્ટ્ર અને પાંડુ મળ્યા, જે ક્ષત્રિય જ કહેવાયા. અર્જુનનાં લગ્ન યાદવ કન્યા સુભદ્રા સાથે થયાં હતાં. એ ઉપરાંત નાગજાતિની કન્યા ઉલૂપી સાથે પણ થયાં હતાં. ભીમનાં લગ્ન રાક્ષસ જાતિની કન્યા હિડિંબા સાથે થયાં હતાં.

મહાભારતકાર આવા જટિલ દાખલાઓ આપી જણાવે છે કે આંતરજ્ઞાતીય લગ્નો માન્ય હતાં. તો અત્યારે આપણે કેમ આટલા સંકુચિત થઈ ગયા છીએ?

મહારાજા સયાજીરાવ ગાયકવાડ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપતા હતા. ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર વચ્ચે રાજકીય મતભેદો હતા પણ આ એક બાબતમાં બન્ને સહમત હતા કે જો આંતરજ્ઞાતીય લગ્નો થશે તો જ હિન્દુ ધર્મમાંથી નાત-જાતના ભેદભાવ દૂર થશે. ગાંધીજીએ તો જે લગ્નમાં એક પક્ષ હરિજન/દલિત હોય તો જ તેમને ત્યાં આશીર્વાદ આપવા જશે એવી શરત મૂકી હતી. તેમના પુત્ર દેવદાસનાં આંતરજ્ઞાતીય લગ્ન હતાં. 

બાય ધ વે, એ તમને ખબર છે કે ‘સવિતાબેન આંબેડકર લગ્ન સહાય યોજના’ દ્વારા સરકાર આવાં લગ્નોને પ્રોત્સાહન આપે છે? અને આંતરજ્ઞાતીય લગ્ન પછી પણ પિતાની સંપત્તિમાં પુત્રીનો હક જળવાઈ રહે છે? અને આવાં લગ્ન પછી પણ મહિલાનો અનામત પ્રથાનો અધિકાર અબાધિત રહે છે?

યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.

culture news social media delhi high court national news indian penal code