13 November, 2025 12:48 PM IST | Mumbai | Vaishnavacharya Dwarkeshlalji
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
છેલ્લે આપણે જોયેલું કે હૃદય અને મનના સર્વિસ-સ્ટેશનની ગરજ સારે છે સત્સંગ. રોજ સત્સંગ કરવાથી રોજેરોજ એનું સર્વિસિંગ થઈ જાય. દિવસ દરમ્યાન અંદર કોઈ પણ પ્રકારનો મેલ ચોંટ્યો હોય તો એ ધોવાઈ જાય. પરિવાર સાથે જ્યારે સત્સંગ સભા થાય ત્યારે એ માત્ર એક જ વ્યક્તિની નહીં, તમામ પરિવારજનોની શુદ્ધિનું કારણ બનતું હોવાથી એક સુંદર વાતાવરણ પરિવારમાં ઊભું થાય.
જોકે પરિવાર સત્સંગ સભા કેવી રીતે કરવી એ પણ સમજી-વિચારીને નક્કી કરવા જેવું છે.
પ્રથમ તો ઘરના બધા સભ્યોએ રાત્રિનો અનુકૂળ સમય નક્કી કરવો. જ્યારે ઘરના બધા જ સભ્યો ઘરમાં હાજર હોય એવો સમય નક્કી કરવો. અનુકૂળતા પ્રમાણે અડધાથી એક કલાકનો કાર્યક્રમ ગોઠવવો.
પ્રથમ શ્રીઠાકોરજીનું એક ચિત્ર તેમ જ શ્રીમહાપ્રભુજી તથા આપણા શ્રીગુરુદેવનું ચિત્ર સન્મુખ પધરાવવું. ત્યાર પછી પોડષગ્રંથના પાઠ ક્રમથી શુદ્ધિનો ખાસ ખ્યાલ રાખવો. ત્યાર બાદ ધૂન, શિક્ષાપત્રનું વાંચન, ભદ્દાર્તા, શ્રીમદ્ ભાગવતજીનું વાંચન ઇત્યાદિ કરી શકાય.
પરિવાર સત્સંગ સભામાં ઘરના બધા સભ્યોને ભેગા કરવાથી દરેકને ખૂબ આનંદ આવે છે. એક વ્યક્તિ ધૂન બોલાવે, બીજી કીર્તન કરે, ત્રીજી વાંચન કરે. વળી બીજા દિવસે વ્યક્તિઓ બદલાઈ જાય.
ગાંધીજી હંમેશાં કહેતા, ‘મારી બે માતા છે. એક પૂતળીબાઈ તો સ્વર્ગે સિધાવી છે, પણ બીજી ભગવદ્ગીતારૂપી માતા છે. મૂંઝવણના સમયમાં એની પાસે જઉં છું ત્યારે મને એ કદી નિરાશ કરતી નથી. અપેક્ષિત માર્ગદર્શન કરાવે છે અને હતાશ હૈયામાં હામ ભરે છે.’
અમેરિકાના પ્રખ્યાત ન્યુરોસર્જ્યન ડૉ. બેન કાર્સનની વાત પણ જાણવા જેવી છે. તેઓ નાનપણમાં તોફાની અને ઝનૂની સ્વભાવના હતા. એક વાર પોતાના મિત્રને જ ચપ્પુ માર્યું. સદ્ભાગ્યે મિત્ર બચી ગયો. આ વાતની જાણ માતાને થતાં તેને આંચકો લાગ્યો. તેણે પોતાના દીકરાને સુધારવાનો વિચાર કર્યો. માતા કાર્સનને કહેતી કે તારે સારાં પુસ્તકો વાંચીને એમાંથી બધા જ પ્રસંગો મને કહેવાના. કાર્સન બધાં જ પુસ્તકો વાંચે અને એનો સાર માતાને કહે. સારા વાંચનથી તેનામાં ધીરે-ધીરે પરિવર્તન આવ્યું. આ વાંચનને લીધે તેનામાં ડૉકટર થવાનો સંકલ્પ જાગ્યો અને આજે તે અમેરિકાનો શ્રેષ્ઠ ન્યુરોસર્જ્યન છે. તેની સફળતાનું કારણ તેની માતાએ લીધેલી સંભાળ અને સારાં પુસ્તકોનું વાંચન છે. પોતાને સંસ્કાર આપનાર પિતા તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં એક કવિ કહે છે...
કોઈના પિતા બંગલો આપે,
કોઈના મોટરગાડી
કોઈના મોટી મિલ મૂકી જાય,
કોઈનાં બગીચો ને વાડી
કોઈના ધીકતો ધંધો છોડે,
કોઈના બૅન્કમાં ખાતું
પણ તમે પિતા મને હૃદય આપ્યું
રાત ને દિવસ ગાતું
સારા ગ્રંથો ચરિત્રને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે અને માણસને ઉકરડામાંથી બહાર ઊંચકીને જીવનની ઉચ્ચ ભૂમિકા પર લાવીને મૂકી દે છે.