ખાંડ ખાધા પછી ચા મોળી લાગે તો ખાંડને દોષ શું કામ ન દેવો?

23 September, 2026 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હનુમાનજી પાસેથી જીવનમાં સુબુદ્ધિ અને પ્રજ્ઞા કેળવવાની પ્રેરણા મળે છે. સત્સંગ દ્વારા બુદ્ધિતત્ત્વ ખીલવવાથી યોગ્ય નિર્ણય લઈ શકાય અને સાધનામાં સ્થિરતા જળવાઈ રહે. એક તત્ત્વને પ્રજ્ઞાપૂર્વક સ્વીકારવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

હનુમંતતત્ત્વ કલિયુગ માટે અનિવાર્ય છે, કારણ કે દરેક ક્ષેત્રમાં એનો અનુભવ થાય છે. આધ્યાત્મિક હોય, આધિભૌતિક હોય, આધિદૈવિક હોય - કોઈ પણ ક્ષેત્રમાં હનુમાનજીની એક વાત આપણામાં આવી જાય તો આપણે જીવનમાં સફળ થઈ શકીએ. સફળતા આપણને ક્યાંય દૂર ન રહેવા દે, એ પોતે સામે ચાલીને આપણને મળે.
આ જે એક વાત છે એ છે બુદ્ધિ. હનુમાનજીમાં બુદ્ધિ બહુ છે. કહ્યું છેને, બુદ્ધિમતાં વરિષ્ટં. બુદ્ધિ એટલે સુબુદ્ધિ, પ્રજ્ઞા. હનુમાનજી પ્રજ્ઞાવાન છે, બુદ્ધિમત્તા છે. આપણે પ્રત્યેક વ્યક્તિએ બુદ્ધિમાન થવું જોઈએ. બુદ્ધિ બધામાં રહેલી છે, એને સત્સંગ દ્વારા ખીલવો.
આજના શિક્ષણે જે બુદ્ધિ ખીલવી છે એનું બહુ સારું પરિણામ મેળવી શક્યા નથી. આજનાં મોટાં-મોટાં પુસ્તકો કે વિચારધારા કે ચર્ચાઓ, એના દ્વારા જે બુદ્ધિ ખીલી છે એનું બહુ સારું પરિણામ જગત પ્રાપ્ત કરી શક્યું નથી. સત્સંગ દ્વારા જે બુદ્ધિ ખીલી એ પ્રજ્ઞા અને એ આપણામાં પડી છે, એને ખીલવવાની જરૂર છે.
વેદ અને શાસ્ત્રો કહે છે કે સુબુદ્ધિ, કુબુદ્ધિ બધામાં હોય છે. સુબુદ્ધિને સત્સંગ દ્વારા ખીલવીએ, એને પ્રગટ કરીએ. દરેક વ્યક્તિમાં એ પ્રજ્ઞાતત્ત્વ ખીલવું જોઈએ, એનું પ્રગટીકરણ થવું જોઈએ. એનું બહુ જ મોટું સાધન સત્સંગ છે.
સાધકોમાં એ બુદ્ધિતત્ત્વ પ્રગટવું જોઈએ, એ પ્રજ્ઞા ખીલવી જોઈએ જે મને અને તમને ક્યારેય નિરાશ ન કરે. ઘણી વખત હું અને તમે બુદ્ધિથી એવા નિર્ણયો લઈ લઈએ છીએ; કોઈની શરણાગતિ, કોઈનું અનુગમન, અનુસરણ કરીએ છીએ અને પછી બહુ પાછા પડવું પડે છે. કોઈ એકનું શરણ હનુમાનજીની જેમ લેજો, બુદ્ધિપૂર્વક લેજો. બુદ્ધિ એટલે ચતુરાઈ નહીં, હોશિયારી નહીં, ચાલાકી નહીં. એક વખત તમારું બુદ્ધિત્વ સ્વીકારે પછી ઔર દેવતા ચિત ન ધરઈ.
મને ઘણા માણસો એમ પૂછે છે કે અમારી સાધના પહેલાં બહુ સરસ ચાલતી હતી, હમણાં વચ્ચે જરા ભાવશૂન્ય થવાતું જવાય છે. હમણાં ભાવ જાગતો નથી કે હમણાં કંઈક રસ નથી કે હમણાં કંઈક ઢીલું લાગે છે. એનું એક કારણ એ છે કે તમે પ્રજ્ઞાપૂર્વક એક તત્ત્વનો સ્વીકાર નથી કર્યો. તમારી ખોખલી બુદ્ધિ તમને આમથી તેમ ફેરવે છે. તમે ચા પીઓ, બે ઘૂંટ ચા પીઓ, પછી બે મિનિટ ચાને ઠરવા દીધી અને પાછી ચા પીઓ તો ચા મોળી નહીં લાગે. બે-બે મિનિટે પીધા કરો તો મોળી નહીં લાગે, પણ ચા પીધા પછી ખાંડ ખાશો તો મોળી લાગશે. એક જ વસ્તુ જો સાચવી રાખશો તો સાધનામાં મોળા નહીં પડો; પણ વાનગી બદલો, ચા પીધા પછી ખાંડ ખાશો તો ચા મોળી લાગશે. ખાંડે તમને દગો નથી કર્યો. તમે વાનગી બદલી એનું કારણ છે, તમારી વૃત્તિએ ક્યાંક રસ્તો ફેરવ્યો એનું એ કારણ છે અને એ તો બનશે જો પ્રજ્ઞા દ્વારા એ તત્ત્વને આપણે પકડીએ તો.

culture news lifestyle news life and style religion hinduism Morari Bapu