22 September, 2026 02:28 PM IST | Mumbai | Varsha Chitaliya
શ્રીનાથજીના સ્વરૂપમાં બિરાજમાન ગિરગાવચા મહારાજા
દક્ષિણ મુંબઈના હાર્દ સમાન ગિરગામ વિસ્તારના સૌથી પ્રતિષ્ઠિત અને અતિ લોકપ્રિય એવા ગિરગાવચા મહારાજા મંડળે આ વર્ષે ગણેશભક્તો માટે નાથદ્વારા નગરી ઊભી કરી છે. વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્યદેવ શ્રીનાથજીના સ્વરૂપની બાપ્પાની મૂર્તિએ ખાસ કરીને વૈષ્ણવ-ભક્તોને ઘેલા કર્યા છે. પંડાલમાં પ્રવેશતાં જ ભક્તોને રાજસ્થાનના નાથદ્વારામાં આવી ગયા હોય એવી અનુભૂતિ થાય છે.
અખિલ મુગભાટ સાર્વજનિક શ્રી ગણેશોત્સવ મંડળ (સ્થાપના ૧૯૩૨) એના અનોખા આયોજનને કારણે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. રાજસ્થાનના વૈભવી રાજમહેલો અને શ્રીનાથજીની પરંપરાગત નંદાલય હવેલી શૈલીમાં બનેલું પ્રવેશદ્વાર જોઈને જ ભક્તો ભાવવિભોર થઈ જાય છે. મુખ્ય ગેટથી અંદર ગર્ભગૃહ તરફ જતી ગલીને આર્ટ ગૅલરી જેવો લુક આપવામાં આવ્યો છે. દીવાલો પર ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, ગાયો, મોરલા અને કમળ કુંડનાં ચિત્રોને વાઇબ્રન્ટ કલર્સથી કંડારવામાં આવ્યાં છે.
વાઇસ-પ્રેસિડન્ટ અક્ષય પોવળે કહે છે, ‘અમારું મંડળ હંમેશાં ભગવાન કૃષ્ણની વિવિધ થીમ પર વધુ ભાર મૂકે છે. ગયા વર્ષે જગન્નાથપુરી બાદ આ વખતે પણ અમને કૃષ્ણ ભગવાન આધારિત જ કંઈક કરવું હતું એટલે અમે બાપ્પાનું ‘શ્રીનાથજી’ સ્વરૂપ નક્કી કર્યું. અસલમાં અમારા મંડળના અધ્યક્ષ નીલેશ અહિરેકર અને મૂર્તિકાર રાજન વેદક થોડાં વર્ષ પહેલાં નાથદ્વારા ગયા હતા. ત્યારથી જ તેમના મનમાં આ થીમ રમતી હતી. એને સાકાર કરવા અને વધુ રિસર્ચ માટે યુટ્યુબ વિડિયોનો સહારો લીધો હતો. મંડપમાં પ્રવેશતાં જ ભક્તોને રાજસ્થાનના મેવાડની અનુભૂતિ થાય એવું વાતાવરણ છે. ભક્તો મંડપના પ્રવેશદ્વારથી લઈને ગર્ભદ્વાર સુધી પહોંચે ત્યાં સુધી તેમની ઉત્સુકતા જળવાઈ રહે એવા તમામ તામઝામ કર્યા છે. વૉલ-સ્ટ્રક્ચર પર ભગવાન કૃષ્ણની લીલાઓ, કૃષ્ણ-સુદામા મિલન અને અર્જુન સાથેનો મહાભારતનો વાર્તાલાપ દર્શાવતાં પોર્ટ્રેટ્સ મૂકવામાં આવ્યાં છે જે અદ્ભુત પિછવાઈ પેઇન્ટિંગ્સ જેવાં લાગે છે. આ સિવાય ભક્તિમાર્ગમાં થોડું ઍડ્વેન્ચર ઉમેરવા માટે ૨૦-૨૦ ફુટના બે પુલ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને બાળકો માટે આ આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં તેઓ પુલ પર પાણીમાં તરતા મૂકેલા તરાપા પરથી ચાલીને ગર્ભદ્વાર તરફ આગળ વધે છે.’
ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશે એ પછી પણ ઉત્સુકતા જળવાઈ રહે છે. મંડળે ટેક્નૉલૉજીનો શાનદાર ઉપયોગ કર્યો છે. સ્ટોરી-સસ્પેન્સ અને ટ્રાન્ઝિશન વિશે માહિતી આપતાં અક્ષયભાઈ કહે છે, ‘આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ૩ મિનિટનો સ્પેશ્યલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) વિડિયો બનાવ્યો છે. આ વિડિયોમાં શ્રીનાથજીનું ગોવર્ધન પર્વત પર કઈ રીતે પ્રાગટ્ય થયું અને તેઓ મેવાડમાં કઈ રીતે પધાર્યા એની આખી પૌરાણિક કથા વણી લેવામાં આવી છે. આ શો જોવા માટે એકસાથે ૮૦ લોકો ઊભા રહી શકે એવી વિશાળ જગ્યા ફાળવી છે. વિડિયો પૂરો થાય એટલે તરત જ રહસ્યમય પડદો ખૂલે છે અને ભક્તોને ગણરાયાના સ્વરૂપમાં સાક્ષાત્ શ્રીનાથજીની ઝાંખી થાય છે. આ ટ્રાન્ઝિશન જ અમારી આખી થીમનું મુખ્ય ઍટ્રૅક્શન છે. શરૂઆતમાં ડાયરેક્ટ મૂર્તિનાં દર્શન નથી થતાં એટલે ભક્તોમાં પડદા પાછળ શું હશે એ જોવાની આતુરતા રહે છે અને પડદો ખૂલતાં જ દર્શન કરીને તેઓ ભાવવિભોર થઈ જાય છે. આ ખરેખર એક અલગ જ અલૌકિક અનુભવ છે.’
ગણરાયાના રૂપમાં શ્રીનાથજીનાં દર્શન કરીને આંખો ધન્ય થઈ જાય છે. બાપ્પાની એક મુદ્રા શ્રીનાથજીની જેમ ડાબો હાથ ગોવર્ધન પર્વત ઉઠાવતા હોય એ શૈલીમાં ઉપર તરફ રાખવામાં આવી છે. બાપ્પાના ચહેરા પરનું તેજ અને શ્રીનાથજી જેવી મોટી કમળ જેવી આંખો ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. બાપ્પાને શૃંગારમાં કમળની માળાઓ, સોનાનાં પરંપરાગત આભૂષણો અને શ્રીનાથજી જેવો પાઘ (મુગટ) પહેરાવવામાં આવ્યાં છે. શ્રીનાથજી ઉત્સવના અલગ-અલગ શૃંગાર અને ઝાંખીનો અહેસાસ કરાવવા માટે ખાસ થિયેટ્રિકલ અને ડાયનૅમિક લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે એક જગ્યાએ બાંધછોડ કરવામાં આવી છે. મેવાડના શ્રીનાથજી ઊભા છે, જ્યારે અહીં બાપ્પાની મૂર્તિ સિટિંગ પોઝિશનમાં છે.
ગિરગાવચા મહારાજાની મૂર્તિને ઠાકોરજી-શ્રીનાથજીનો દિવ્ય આકાર આપવા માટે મૂર્તિકાર રાજન વેદકને અઢી મહિનાનો સમય લાગ્યો હતો. આ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ છે. અક્ષય પોવળે ગર્વ સાથે કહે છે, ‘અમારા પંડાલની સૌથી મોટી વિશેષતા અને પ્રાથમિકતા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી છે, જે મૂર્તિથી લઈને સેટ-ડિઝાઇનિંગમાં સ્પષ્ટ દેખાય છે. અમે છેલ્લાં ૯૫ વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવની આ પરંપરા બરકરાર રાખી છે. આ વર્ષે બાપ્પાની ૨૬ ફુટ ઊંચી ભવ્ય મૂર્તિ શાડૂ માટીમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિનું વજન અંદાજે ૮૦૦૦ કિલો (૮ ટન) છે જે સમગ્ર મહારાષ્ટ્રની સૌથી વજનદાર ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ છે. આટલી વિશાળ શાડૂ માટીની મૂર્તિ બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. માટી સુકાતી વખતે એમાં વારંવાર ક્રૅક્સ પડી જાય છે, જેને સતત રિપેર કરીને વારંવાર ફિનિશિંગ આપતા રહેવું પડે છે. અમારી આ મૂર્તિને તૈયાર થવામાં પૂરા અઢી મહિનાનો સમય લાગ્યો છે અને માત્ર મૂર્તિના નિર્માણ પાછળ અંદાજે પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. મંડપ અને લાઇટિંગ જેવી બાબતો માટે અમારે આઉટસોર્સિંગ કરવું પડે છે, પણ એ સિવાય અમે તમામ જગ્યાએ કૉસ્ટકટિંગ કરીએ છીએ. અમારી સૌથી મોટી તાકાત જબરદસ્ત મેનપાવર છે. આર્ટ-ડિરેક્ટર કિશોર ધનવેના માર્ગદર્શન હેઠળ અમારી જ ગલીના યુવાનોએ જાતે રાત-દિવસ મહેનત કરીને આ આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. સેટ તૈયાર કરવા માટે વાંસ, સૂતરનું કાપડ, ઇકો-ફ્રેન્ડ્લી કલર્સ અને લાકડા જેવી રીસાઇકલેબલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યુવાનોએ ૭ દિવસમાં નાથદ્વારા નગરી ખડી કરી દીધી છે. ગિરગામચા મહારાજાના આ હાઈ-ટેક અને ભક્તિમય કન્સેપ્ટને જોવા મુંબઈગરાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.’
સ્થળ : મુગભાટ લેન, ગિરગામ, દક્ષિણ મુંબઈ.
નજીકનું રેલવે-સ્ટેશન : પશ્ચિમ રેલવેના ચર્ની રોડ સ્ટેશનથી પંડાલ ૭ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર છે.
લૅન્ડમાર્ક : ગિરગામ મેટ્રો સ્ટેશનની બરાબર સામે.
શોનો ટાઇમ : ૩ મિનિટનો AI વિડિયો અને તરાપા પરથી ચાલવાનો રોમાંચક અનુભવ માત્ર સાંજના છ વાગ્યા પછી જ માણી શકાશે.
દિવસ દરમ્યાન ભક્તો સીધાં દર્શન કરી શકે છે.