હેલ્ધી હોવા છતાં લિવર અચાનક ફેલ થઈ શકે છે?

26 May, 2026 11:37 AM IST  |  Mumbai | Dr. Samir Shah

અક્યુટ લિવર ફેલ્યર આ જ રીતે થતું હોય છે. માણસને કંઈ જ ન હોય અને અચાનક પરિસ્થિતિ ગંભીર થઈ જાય. ઘણી વાર તો ચોથા દિવસે માણસ કાં તો કોમામાં જતો રહે કે મૃત્યુ પામે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

થોડા સમય પહેલાં ૬૬ વર્ષના એક ભાઈનો કેસ આવ્યો. તેઓ આમ તો તંદુરસ્ત હતા, પણ તેમને બહારનું ખાવાનો શોખ હતો. તેમના જન્મદિવસે તેમણે મન ભરીને ઠેલા પરની પાણી-પૂરી અને રગડા-પૅટીસ ખાધાં અને પછીના દિવસે થોડું પેટમાં ગરબડ જેવું લાગ્યું. ત્રીજા દિવસે સામાન્ય તાવ, ઊલટી, વીકનેસ જેવું લાગ્યું અને પછીના દિવસે તેમની હાલત એટલી લથડી કે તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા પડ્યા. નર્સિંગ હોમના ડૉક્ટરે ચેકઅપ કર્યું તો ખબર પડી કે તેમને અક્યુટ લિવર ફેલ્યર થઈ ગયું છે અને મોટી હૉસ્પિટલમાં તાત્કાલિક ખસેડવા જરૂરી છે. એટલે એ કેસ અમારી પાસે આવ્યો. તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી એટલે અમે તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને તેમનો જીવ બચી ગયો.

સાંભળવામાં આ જેટલું અસંભવ લાગે છે એટલું જ હકીકતમાં બનતું હોય છે. અક્યુટ લિવર ફેલ્યર આ જ રીતે થતું હોય છે. માણસને કંઈ જ ન હોય અને અચાનક પરિસ્થિતિ ગંભીર થઈ જાય. ઘણી વાર તો ચોથા દિવસે માણસ કાં તો કોમામાં જતો રહે કે મૃત્યુ પામે. આ હું તમને ડરાવવા માટે નથી કહેતો, પરંતુ આ રોગની ગંભીરતા સમજાવી રહ્યો છું. જો સમય હાથમાંથી જતો રહે તો દરદીને 
આપણે બચાવી નથી શકતા. આવા દરદીઓનો ઇલાજ નર્સિંગ હોમ લેવલ પર પણ નથી થતો. તેમને તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં ખસેડવા પડે છે. આવું થાય ત્યારે દરદીને તાત્કાલિક એવી હૉસ્પિટલમાં લઈ જવા જોઈએ જ્યાં લિવર-ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને.

રહી વાત ઇલાજની તો એક રેશિયો મુજબ આ દરદીઓમાંના ૨૫ ટકા દરદીને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. બીજા ૨૫ ટકા દરદીઓ આ રોગથી મૃત્યુ પામે છે. બાકીના ૫૦ ટકા દરદી તાત્કાલિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં થતા ઇલાજ દ્વારા સાજા થઈ જાય છે. દરદીની પરિસ્થિતિ જોઈને ડૉક્ટર્સ એ નિર્ણય લઈ શકે છે કે તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે કે નહીં. આ અચાનક આવતી પરિસ્થિતિ માટે માનસિક અને આર્થિક તૈયારી રાખવી પડે છે. ઘરમાંથી કોણ કોને લિવર ડોનેટ કરી શકે એમ છે એ નિર્ણય પણ તરત કરવો પડે છે, કારણ કે તાત્કાલિક કોઈ કેડેવર ડોનરનું લિવર મળવું અઘરું હોય છે. આ રોગ એવો છે કે આ પ્રકારના નિર્ણયમાં વિલંબ ચાલતો નથી. આવું થાય ત્યારે દરદીને ત્વરિત હૉસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની પ્રોસીજર માટે માનસિક સજ્જતા કેળવવી જરૂરી બની જાય છે. આ પ્રકારના કેસમાં સતર્કતા અતિ અનિવાર્ય બની જાય છે. જો અચાનક આવું થાય તો યોગ્ય હૉસ્પિટલમાં સમયસર પહોંચી જશો તો બચવાની શક્યતા વધુ રહેશે.  

health tips healthy living lifestyle news life and style columnists