સુખનઃ ઉર્દુ સાહિત્ય અને સુફી સંગીતની એક અવિસ્મરણીય મહેફિલ NMACCમાં યોજાશે

07 May, 2024 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉર્દુ કવિતા અને સંગીતની મહફિલ એક ટાઇમ ટ્રાવેલ સાબિત થશે કારણકે એ તમને અમીર ખુસરો, મિર્ઝા ગાલિબ, મીર તકી મીત, ફૈઝ અહમદ ફૈઝ અને સાહિત્યિક પરંપરાના રોમેન્ટિક સર્જકોની રચનાઓનો આસ્વાદ

સુફી સંગીતથી માંડીને ઉર્દુ કવિતાઓની સફર કરાવતો કાર્યક્રમ - સુખન

 સૂફી સંગીત, દાસ્તાન-ગોઈ, હિન્દુસ્તાની શાસ્ત્રીય, ગઝલ, નઝમ, કવ્વાલી અને સાથે  ગાલિબ, ખુસરો, ફૈઝ અને અન્ય ઉર્દુ કવિઓની સાહિત્યિક પરંપરાઓની સાંજ માણવી હોય તો નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 11મી મે, શનિવારની સાંજ તમારી પહેલી પસંદ હોવી જોઇએ. આ શનિવારે સાંજે અહીં એક ખાસ કાર્યક્રમ થવાનો છે અને તે ઉર્દુ ભાષાના સૌંદર્યને સમર્પિત છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
ઉર્દુ કવિતા અને સંગીતની મહફિલ એક ટાઇમ ટ્રાવેલ સાબિત થશે કારણકે એ તમને અમીર ખુસરો, મિર્ઝા ગાલિબ, મીર તકી મીત, ફૈઝ અહમદ ફૈઝ અને સાહિત્યિક પરંપરાના રોમેન્ટિક સર્જકોની રચનાઓનો આસ્વાદ કરાવશે. એક સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ તરીકે તૈયાર કરાયેલ, સંવેદનાત્મક કાર્યક્રમમાં વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓ-સૂફી સંગીત, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, `દાનસ્તાન-ગોઈ`નું વાર્તા પઠન , ગઝલો અને નઝમનું પઠન, ઉર્દુ ગદ્ય વાંચન, ગઝલો અને કવ્વાલીની સંગીત પ્રસ્તુતિ બધું એક સાથે તમારી સામે રજુ કરાશે. જેની પ્રોડક્શન ડિઝાઇન તમને તરબોળ કરી નાખશે એવા કાર્યક્રમ, `સુખન`માં હાફિઝ જાલંધારી, સાહિર લુધિયાનવી, જોન એલિયા અને અન્ય જેવા શાશ્વત રચનાકારોના સાહિત્યિક ખજાનાની રજુઆત પણ કરાશે.

પ્રખ્યાત અભિનેતા અને કવિ ઓમ ભુટકર દ્વારા નિર્દેશિત આ મહેફિલ પ્રતિભાશાળી કલાકારો-નચિકેત દેવસ્થલી (ગાયન), અભિજીત ધેરે (ગાયન), દેવેન્દ્ર ભોમે (હાર્મોનિયમ અને પિયાનો), જયદીપ વૈદ્ય (ગાયન), મુક્તા જોશી (ગાયન), કેતન પવાર (તબલા) અને મંદાર બાગડે(ઢોલક અને સારંગી)ના કલાને રજુ કરતી એક આદર્શ સાંજ સાબિત થશે એ ચોક્કસ.

સંગીત, અભિનય, વેશભૂષા અને પૃષ્ઠભૂમિ-આ અસાધારણ કથાના દરેક પાસાની કલ્પના ગ્રાન્ડ થિયેટરમાં ભવ્યતાભિવ્ય રીતે રજુ થનાર છે.  આ કાર્યક્રમના પાસિઝ તમે એનએમએસીસીની વેબસાઇટ પરથી મેળવી શકશો. સાંજે 6.30ના શરૂ થનારી આ મહેફિલ ત્રણ કલાક ચાલશે જેમાં વચ્ચે 25 મીનિટનું મધ્યાંતર પણ હશે.  ઉર્દુ સાહિત્યના ચાહકો અને શમા-પરવાનોં સે ભરી શામોં પ્રકારના માહોલને ચાહનારા દરેક માટે આ કાર્યક્રમ આદર્શ સાબિત થશે એ ચોક્કસ. ઉમદા કાલકારો દ્વારા દિગ્ગજોના કામની રજુઆત કરવામાં આવશે. 

મુંબઇમાં હજી રેખ્તા જેવા કાર્યક્રમો નથી થઇ રહ્યા પણ જ્યારે આવો કાર્યક્રમ માણવાનો મોકો મળે ત્યારે તે ચૂકવો ન જોઇએ. કાર્યક્રમમાં આવનારા દરેક કલાકાર પાસે ઉર્દુ ભાષાની સુંદરતા રજુ કરવાનો કસબ છે જેને માણવો જ રહ્યો. ઉર્દુ સાહિત્ય, સંગીત પર એક સાથે કેન્દ્રિત હોય એવા કાર્યક્રમ ભાગ્યે જ યોજાતા હોય અને આ માટે જ આ કાર્યક્રમ વિશેષ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિએટરમાં ઉર્દુને ઉજવતી આ મહેફિલના હિસ્સા હોવું ઇતિહાસના એક એવા સમયમાં જવા જેવો અનુભવ સાબિત થશે જે સમયની નજાકતતા અને સૌંદર્યને આપણે સૌ માણવા માગીએ છીએ તેને જીવવા માગીએ છીએ. 

 

 

 

 

 

culture news nmacc mumbai mumbai news life and style