✕

ઈશ્વર સુખી ત્યારે કરે જ્યારે આપણું કાર્ય જોઈને તેને પણ થાય કે આને સુખી કરવો પડે

02 October, 2026 10:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મ મનુષ્ય માટે છે. ધર્મ શબ્દના તો બહુ વિસ્તૃત અર્થ વિદ્ધાનોએ કર્યા છે, પણ ધર્મ વિના માનવનું જીવન સુખી ન થાય. ધર્મ એટલે એવા ગુણો, એવાં મૂલ્યો જે જીવનમાં ધારણ કરતાં મનુષ્યનું સામાજિક જીવન સુખી થાય, પરસ્પર સદ્ભાવ અને સમાજમાં શાંતિનો વિકાસ થાય.

ઈશ્વર સુખી ત્યારે કરે જ્યારે આપણું કાર્ય જોઈને તેને પણ થાય કે આને સુખી કરવો પડે

ધર્મ મનુષ્ય માટે છે. ધર્મ શબ્દના તો બહુ વિસ્તૃત અર્થ વિદ્ધાનોએ કર્યા છે, પણ ધર્મ વિના માનવનું જીવન સુખી ન થાય. ધર્મ એટલે એવા ગુણો, એવાં મૂલ્યો જે જીવનમાં ધારણ કરતાં મનુષ્યનું સામાજિક જીવન સુખી થાય, પરસ્પર સદ્ભાવ અને સમાજમાં શાંતિનો વિકાસ થાય. એનો બૌદ્ધિક વિકાસ, એનો આર્થિક વિકાસ એનો શૈક્ષણિક વિકાસ, એનો સાંસ્કૃતિક વિકાસ થાય.
આપણે ત્યાં સ્વસ્તિક છે. એ સાથિયાને આપણે શુભ માનીએ છીએ. બહેનો રોજ સવારના ઉંબરો પૂજે અને ત્યાં સાથિયો કરે, લક્ષ્મીજીનાં પગલાં દોરે. અત્યારે તો મોટા ભાગે ફ્લૅટ છે, પણ જેને પૂજવાની ટેવ છે એ લોકો તો નાનકડી એવી પથ્થરની પટ્ટી ત્યાં મુકાવીને ઉંબરો તો કરી જ લે અને ઉંબરાનું પૂજન કરે.
એ સ્વસ્તિક ત્યારે સુંદર લાગે જ્યારે એનાં ચારેય પાંખિયાં એકસરખાં હોય. સ્વસ્તિ એટલે કે કલ્યાણ કરનારો અને કલ્યાણ કરનારાનું કામ કોણ કરે તો કહે સ્વસ્તિક. અમે બાલી કથા કરવા ગયા હતા. બાલી ટાપુની પ્રજા હિન્દુ ધર્મને માનનારી છે, ઇન્ડોનેશિયાનો એક ભાગ છે. કોઈક સમયે ઇન્ડોનેશિયા આખું હિન્દુ ધર્મથી પ્રભાવિત હતું. એમની ઉપાસનાપદ્ધતિ ભલે બદલાઈ હોય, સાંસ્કૃતિક રીતે હજી હિન્દુ છે. એની ઍરલાઇનનું નામ ગરુડા છે જે આપણા હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને રાખવામાં આવ્યું છે. બાલી ઍરપોર્ટની બહાર નીકળો તો આખું સમુદ્રમંથનનું શિલ્પ એ લોકોએ તૈયાર કર્યું છે.
બાલીમાં ગણપતિનાં, હનુમાનજીનાં મંદિરો છે. માત્ર બાલીમાં જ નહીં, આખા ઇન્ડોનેશિયામાં રામાયણ ભજવાય છે. ત્યાંની રામાયણમાં વિશેષતા એ છે કે એ લોકો ડાયલૉગ નથી બોલતા. ત્યાં કોઈ ચોપાઈ નથી, સંવાદ નથી. માત્ર અભિનયના માધ્યમથી રામ, સીતા, હનુમાન, રાવણ બધાં જ પાત્રો કથામાં આવે અને સંવાદ વિના જ આખી રામાયણ ભજવાય. એ રામાયણ જોવી એ પણ એક લહાવો છે. આપણે લોકો જ્યારે સામેસામા મળીએ ત્યારે એકબીજાને ‘રામ રામ’ અને ‘જય શ્રીકૃષ્ણ’ કહીએ. એ લોકો સામસામા મળે ત્યારે ‘ઓમ સ્વસ્તિ’ કહે છે.
ઈસ્ટ આફ્રિકામાં સામસામા મળે એટલે ‘જામ્બો’ બોલે એમ ઇન્ડોનેશિયામાં ‘ઓમ સ્વસ્તિ’ બોલે. 
સ્વસ્તિ એટલે કલ્યાણ કરનાર. આપણું કલ્યાણ કરનાર એ સ્વસ્તિક. સ્વસ્તિકનાં બધાં પાંખિયાં જીવનનાં પાસાં છે. દરેક સમાજ સુખી થવા ઇચ્છે છે. દરેક વ્યક્તિને સુખની ઝંખના છે. દરેક મનોમન એક જ વાત ઈશ્વર પાસેથી માગે છે કે જીવનમાં દુઃખ ન હોય. આપણા જીવનમાં સુખ જ હોય એટલા માટે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ અને ઈશ્વરને કહેતા રહીએ છીએ કે સુખી કરજો, પણ એ સુખી કરે એ માટે આપણે એવું કાર્ય પણ કરતા રહેવું પડે જે જોઈને તેને મન થાય કે આને તો સુખી જ કરવો પડે.

astrologer astrology columnists ramayan indonesia lifestyle news life and style hinduism