midday

તમે સપનામાં શું જુઓ તો નકારાત્મક સાઇન માનવી?

24 March, 2025 06:53 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

ઊંઘમાં આવતાં સપનાં મૅનિફેસ્ટેશનની સીધી અસર દેખાડે છે તો સાથોસાથ સપનાં થકી આવનારા ભવિષ્યને પણ ભાખી શકાય છે. સમયની નકારાત્મકતા કેવા સપનાથી ખબર પડી શકે એ જાણવા જેવું છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સપનાંઓને મોટા ભાગના લોકો સામાન્ય રીતે અવગણે છે પણ એ અવગણવાને બદલે જો એને ઉકલવાની કોશિશ કરવામાં આવે તો એ ચોક્કસપણે ભવિષ્યમાં આગળ વધવાની એક દિશા નક્કી કરી આપે. અનેક સપનાંઓ પૉઝિટિવ સાઇન આપે છે તો કેટલાંક સપનાંઓ એવાં પણ છે જે નકારાત્મકતા ભરેલા ભવિષ્યની નિશાનીરૂપ છે. આજે વાત કરીએ એવાં સપનાંઓની, જે ભવિષ્યમાં બનનારી નકારાત્મક ઘટના તરફ ઇશારો કરે છે. યાદ રહે, કોઈ પણ ઘટનાને રોકવી કે હળવી કરવાનું સહેલું ત્યારે જ બને જ્યારે એના વિશે તમને આગોતરી જાણ થઈ હોય. સપનાં એ કામ કરે છે પણ જો એને તમે પારખી શકો તો.

પૉટી દેખાવી
વાંચતાં કે સાંભળતાં ઊબકા આવી જાય એવા આ સપના વિશે સામાન્ય રીતે કોઈ કોઈને કહેતું નથી પણ એ હકીકત છે કે મોટા ભાગના લોકોને આ પ્રકારનું સપનું આવતું હોય છે તો અમુક કિસ્સામાં તો પૉટી એટલે કે મળમાં આળોટતા હોવાનું પણ વ્યક્તિને દેખાય છે. કોઈ પણ સ્વરૂપમાં પણ જો સપનામાં પૉટી દેખાય તો સમજવું કે તમારી આજુબાજુમાં નકારાત્મકતા વધી રહી છે અને તમે એમાં ખેંચાઈ રહ્યા છો, જેને લીધે હવે તમે પણ નકારાત્મક થવા માંડ્યા છો. એટલે અટકો અને સાવચેત થઈને એ નકારાત્મકતામાંથી બહાર આવવાના પ્રયત્નો કરો.

આ પ્રકારની નકારાત્મકતા દૂર કરવાનો પહેલો ઉપાય છે કે તમે જેમની સાથે રહો છો તેને ઓળખો અને તેમને ઓળખી ન શકો ત્યાં સુધી તેમની સાથે સમય વિતાવવાનું ઓછું કરો. જો તમારી સરાઉન્ડમાં ફૅમિલી-મેમ્બર વધારે હોય તો એવા સમયે આધ્યાત્મિકતાનો સ્વીકાર શ્રેષ્ઠ ઉપાય બની શકે છે.

લોહી કે માંસ દેખાય
માત્ર દેખાવું એ નકારાત્મકતાનો આરંભ છે અને લોહી-માંસ સાથે લાંબો સમય રહેવું, એનો સ્પર્શ કરતા હો એ પ્રકારનું દૃશ્ય દેખાવું એ નકારાત્મકતાની ચરમસીમા તરફ આગળ વધી રહ્યાની નિશાની છે. લોહી-માંસ જો પરિવારના કોઈ સભ્યના હોય એવું દેખાય તો પરિવારના એ સભ્ય પ્રત્યે વધારે તકેદારી રાખવી અને શક્ય હોય તો એકવીસ દિવસ માટે તેમનું ટ્રાવેલિંગ કે સેલ્ફ-ડ્રાઇવ અટકાવવું. મુંબઈ જેવા શહેરમાં એ શક્ય ન હોય તો પણ સાવચેતી રાખવા માટે ચોક્કસ તેમને સતર્ક કરવા. ધારો કે અન્ય કોઈનાં લોહી-માંસ દેખાય કે પછી એ કોનાં છે એની ખબર ન પડે તો જાતને સંભાળવાની કોશિશ કરવી. 

આ પ્રકારની નકારાત્મકતા દૂર કરવા માટે રાહુ ગ્રહને શાંત અને સ્થિર કરવો જરૂરી છે કારણ કે અકસ્માત કે અણધારી ઈજા આપવાનું કામ રાહુ કહે છે. રાહુને શાંત કરવા માટેના ઉપાયોમાંથી સૌથી બેસ્ટ ઉપાય છે કે સોસાયટી કે રોડ-રસ્તા પર સફાઈ કરતા કામદાર, ઘરમાં કામ કરવા આવનારાને ખુશ રાખવા. એ લોકોને આપવામાં આવતી લક્ઝુરિયસ ચીજવસ્તુ રાહુને પ્રસન્ન કરે છે.

ખારો કે કડવો સ્વાદ આવે
અમુક વખત એવું બને કે સપનું જોતાં-જોતાં તમારા મોઢામાં ખારો કે કડવો સ્વાદ આવવા માંડે અને તમે જાગી જાઓ. આ નકારાત્મકતાની તીવ્રતા છે પણ જો તમે એવું કોઈ ખવડાવતું હોય કે તમે કડવાશ કે ખારાશ સાથેનું ખાતા હો એવું જુઓ તો માનવું કે નકારાત્મકતાની દિશામાં આગળ વધતા થયા છો. આ પ્રકારનાં સપનાંઓ સૂચવે છે કે તમને બહુ ખરાબ રીતે બૅક-સ્ટેબિંગનો અનુભવ થવાનો છે. જો આ પ્રકારની દગાખોરીથી બચવું હોય તો સૌથી પહેલું એ કામ કરો કે તમારી આજુબાજુમાં રહેલા અગત્યના લોકો પાસે તમારી કઈ પ્રકારની માહિતીઓ છે એ ચેક કરી લો. જો કોઈ ખાનગી વાત મિત્ર સિવાય કોઈને ન ખબર હોય તો એ દગાખોરીથી બચવાનો બેસ્ટ ઉપાય છે સામે ચાલીને પરિવારને એની જાણ કરી દો. આજના સમયમાં પાસવર્ડ બહુ મહત્ત્વના છે. બૅક-સ્ટેબિંગથી બચવા માટે તાત્કાલિક અસરથી પાસવર્ડ બદલાવી લો.

આ પ્રકારની નકારાત્મકતાને દૂર કરવા માટે શનિવારે શનિદેવ કે હનુમાનજીનાં દર્શન કરી ત્યાં રહેલાં નાનાં બાળકોને ચૉકલેટ આપવી જોઈએ. જ્યારે આ પ્રકારની સલાહ આપવામાં આવે ત્યારે સીધું જ સમજી લેવું કે તમારી ક્ષમતા હોય એ સ્તરની બેસ્ટ ચૉકલેટ કે મીઠાઈ કે પછી મીઠાશ ધરાવતી આઇટમ જ ખરીદવી. અકળ વિજ્ઞાનનો એક નિયમ છે, આપવાની વાત આવે ત્યારે સર્વોચ્ચ અને સર્વોત્તમ જ આપવાનું કારણ કે વ્યક્તિ નિમિત્ત માત્ર છે, બાકી તમે તો ઈશ્વરને જ આપી રહ્યા છો.

સૌથી શ્રેષ્ઠ સપનું કયું?
જો ઊંઘમાં તમને ગાયોનું દોડતું ધણ દેખાય તો એ સપનાને સર્વોચ્ચ માનવું. એક કરતાં વધુ હોય અને દોડતી હોય એવી ગાય સૂચવે છે કે સર્વોચ્ચ તાકાત તમને તમામ પ્રકારની નકારાત્મકતાથી દૂર લઈ જવાનું કામ કરે છે એટલે તમારા પર વિશ્વાસ રાખો અને તમે જે કરો છો એ કરતા રહો.

astrology columnists life and style culture news