11 October, 2026 03:24 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
બહુ ઓછા લોકોને ખબર હશે પણ આ હકીકત છે. ઘણા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર હોવા છતાં પણ તેમને ત્યાં આવતા પેશન્ટની કુંડળી ચેક કરતા હોય છે. આવું કરવાનું સૌથી મહત્ત્વનું કારણ એ કે પોતે જે મન પર પ્રૅક્ટિસ કરે છે એ મન પર અસર કરતા, સ્વભાવ પર અસર કરતા ગ્રહોની સાચી અવસ્થા કેવી છે એ જાણી શકાય અને એ મુજબ આગળ વધી શકાય. મનોચિકિત્સક આને રોડ-મૅપ કહે છે અને એ પ્રમાણ ચાલ્યા પછી તેમને સફળતા પણ પારાવાર મળી હોય એવું પણ જોવામાં આવ્યું છે.
મૂડ-સ્વિંગ્સ પણ મનોચિકિત્સકનો જ વિષય છે. સવારે જાગો ત્યારે મન એકદમ પ્રફુલ્લિત હોય, પણ બપોર થતાં કોઈ અજાણ્યા કારણસર એકદમ ઇરિટેશન આવી જાય. વગર કારણે કે પછી નજીવી બાબતમાં આંખો ભરાઈ આવે. કોઈએ સામાન્ય મજાક કરી હોય ને અતિશય ગુસ્સો ફાટી નીકળે. આ જે ઇમોશનલ અસ્થિરતા હોય છે એની પાછળ વ્યક્તિની જન્મકુંડળીમાં બેઠેલા ગ્રહોની નબળી યુતિઓને જવાબદાર માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં મન, લાગણીઓ અને ચિત્તવૃત્તિનો કારક ચંદ્ર છે. કુંડળીમાં જ્યારે ચંદ્ર પીડિત બને કે ચોક્કસ પાપગ્રહોના પ્રભાવ હેઠળ આવે ત્યારે નાની-નાની વાતોમાં મન ડામાડોળ થઈ શકે છે. ચાલો જાણીએ એવી યુતિઓ વિશે અને એના ઉપાયો વિશે; પણ એ પહેલાં કહેવાનું કે ગ્રહોનો પ્રભાવ કંઈ પણ હોય, માણસની મનોસ્થિતિ સામે ગ્રહો પણ ઘણી વાર પાંગળા પુરવાર થતા હોય છે.
ચંદ્ર અને શનિની યુતિ
કુંડળીમાં જ્યારે ચંદ્ર અને શનિ એકસાથે હોય કે શનિની પૂર્ણ દૃષ્ટિ ચંદ્ર પર પડતી હોય ત્યારે વિષયોગ બને છે. શનિ ધીમો, ઠંડો અને એકલતાપ્રિય ગ્રહ છે; જ્યારે ચંદ્ર અત્યંત સંવેદનશીલ છે. આ યોગ ધરાવતી વ્યક્તિ ગમે એટલી ખુશ હોય તો પણ અચાનક ઓવરથિન્કિંગ શરૂ કરી દે છે. ભૂતકાળની કડવી વાતો યાદ આવી જવી, એકલતા લાગવી કે મન ભારે થઈ જવું એ વિષયોગનું મુખ્ય લક્ષણ છે.
આ વિષયોગમાં છાયાદાન ખૂબ ઉપયોગી બને છે. પ્રસ્તુત યુતિ ધરાવતી વ્યક્તિએ કાંસા કે લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરીને એમાં પોતાનો ચહેરો જોવો અને પછી એ તેલ જરૂરિયાતવાળા લોકોને દાનમાં આપવું જોઈએ.
રાહુ-કેતુની યુતિ
ચંદ્ર સાથે રાહુ કે કેતુ હોય ત્યારે કુંડળીમાં ગ્રહણદોષ બને છે. રાહુ મનમાં સતત ભ્રમ, શંકા અને અજંપો પેદા કરે છે; જ્યારે કેતુ જૂના ઘા, જૂની પીડાને ફરીથી યાદ કરાવે છે. આવી વ્યક્તિને ક્ષણમાં બધું સારું લાગે અને બીજી જ ક્ષણે ભવિષ્યની અસલામતી કે અજાણ્યો ડર ઘેરી વળે. નાની વાતનું પણ મોટું સ્વરૂપ કલ્પી લેવું અને પળવારમાં આવેશમાં આવી જવું એ રાહુ-ચંદ્ર કે કેતુ-ચંદ્રના અસંતુલનનું પરિણામ છે.
આ પ્રકારનો ગ્રહયોગ ધરાવતા લોકોએ રોજ સવારે કબૂતરને ચણ કે સપ્તધાન્ય (૭ ધાન) ખવડાવવાં જોઈએ.
દરેકે વાપરવા જેવા ઉપાયો
ચંદ્રને ખુશ કરવા માટેના કેટલાક સરળ રસ્તાઓ છે.
l દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ અને ૐ નમઃ શિવાયનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે શિવ ચંદ્રને મસ્તક પર ધારણ કરીને એને શાંત રાખે છે.
l ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી અથવા ગળામાં ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવાથી ચંદ્ર બળવાન બને છે.
l પૂનમની રાતે ખુલ્લા આકાશ નીચે થોડો સમય બેસવાથી પણ ચંદ્ર શાંત થાય છે અને એને નવી તાકાત મળે છે.
l વધુ પડતો તીખો-તળેલો ખોરાક લેવાથી પણ ચંદ્ર વધારે દૂષિત બને છે એટલે રોજબરોજના આહારમાં એ ટાળવો જોઈએ.
ચંદ્ર અને મંગળની યુતિ
જ્યારે ચંદ્ર અને મંગળની દૃષ્ટિ કે યુતિ થાય ત્યારે લાગણીઓ સાથે અગ્નિ ભળે છે. મંગળ આવેશ અને અધીરાઈનો કારક છે. આ સ્થિતિમાં વ્યક્તિ નાની વાત સાંભળીને પણ શાંત રહી શકતી નથી. તરત જ ગુસ્સાનો વિસ્ફોટ થાય અને પછી તરત પસ્તાવો થાય છે કે આટલી વાતમાં વધારે પડતું બોલવાની જરૂર નહોતી. આ અચાનક ગુસ્સો અને અચાનક રંજ એ મંગળ-ચંદ્રનું લક્ષણ છે.
આ પ્રકારના ગ્રહ ધરાવતા લોકોએ મંગળવારે ગોળ અને ચણાનું ગરીબ લોકોને દાન કરવું જોઈએ.
ચંદ્રનું એકલા પડવું
જો જન્મકુંડળીમાં ચંદ્રની આગળના કે પાછળના ઘરમાં કોઈ શુભ ગ્રહ ન હોય ત્યારે કેમદ્રુમ દોષ બને છે. આવા લોકો ભીડ વચ્ચે પણ એકલતા અનુભવે છે. તેઓ નાની વાતોમાં ઝડપથી નિરાશ થઈ જાય અને પોતાને ઉપેક્ષિત અનુભવે. આ મૂડ-સ્વિંગ્સ તેમને લાંબા સમય સુધી ઉદાસીમાં ધકેલી શકે છે અને બધાથી કટ-ઑફ કરવાની ક્ષમતા આપે છે.
આવો સંયોગ ધરાવતા લોકોએ દર સોમવારે સફેદ વસ્ત્ર કે દૂધ, મીઠાઈનું જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ.