01 March, 2026 04:41 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતિકાત્મક તસવીર
ભારતના રાષ્ટ્રધ્વજમાં ૩ કલર વાપરવામાં આવ્યા છે : વાઇટ, ગ્રીન અને ઑરેન્જ. આ જ ૩ કલરનો ઉપયોગ શું કામ થયો છે એ ક્યારેય વિચાર્યું છે ખરું? રાષ્ટ્રધ્વજમાં વપરાયેલા આ કલર શું સૂચવે છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ એ જાણકારીનો એક અર્થ એવો પણ થાય કે એ સમયે પણ કલર-થેરપીમાં માનવામાં આવતું હતું અને રંગ વ્યક્તિની માનસિકતા તથા તેના વિકાસમાં બહુ મહત્ત્વની અસર કરે છે એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ જ કારણસર ભારતીય રાષ્ટ્રધ્વજમાં શાંતિના સંદેશ સાથે સફેદ રંગનો, સમૃદ્ધિની ભાવના સાથે ગ્રીન રંગનો અને સંસ્કૃતિના ભાવ સાથે સૅફ્રન એટલે કે કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ત્રણ રંગ પોતાના મૂળભૂત સ્વભાવ સિવાય પણ બીજું શું સૂચવે છે અને એને જીવનમાં શું કામ સામેલ કરવા જોઈએ એની ચર્ચા હવે આપણે કરવાના છીએ.
વાઇટ અર્થાત્ સફેદ
શાંતિનો સંદેશ તો સફેદ રંગ આપે જ છે, પણ વાઇટ કલર શુક્રનું પણ પ્રતિનિધિત્વ કરે છે એટલે નિયમિત રીતે વાઇટ કલરની સાથે રહેવાથી એ ફેમ પણ આપવામાં નિમિત્ત બને છે. વાઇટ રંગ માનસિક પરિતાપ પણ ઘટાડે છે. આ જ કારણ છે કે હૉસ્પિટલમાં મોટા ભાગે સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ બીમારી માટે ઍડ્વાન્સ પ્લાનિંગ સાથે જો હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાનું બને તો એ દિવસે વાઇટ કલરનાં કપડાં પહેરીને હૉસ્પિટલમાં જવું જોઈએ. સામાન્ય રીતે વાહન પણ સફેદ રંગનું જ પસંદ કરવું જોઈએ, જેની પાછળનાં ટેક્નિકલ કારણો પણ સૂચવે છે કે વાહન સફેદ રંગનું રાખવું વધારે હિતાવહ છે.
વાઇટ કલરનાં કપડાં પહેરવાં લાભદાયી છે. શાંતિના પ્રતીક સમાન વાઇટ કલર ફેમ અને પૉપ્યુલરિટીમાં પણ ખૂબ લાભદાયી છે તો સાથોસાથ વાઇટ કલર વિશ્વાસ આપવાનું પણ કામ કરે છે.
ઉપયોગ ટાળો બ્લૅક કલરનો
હકીકતમાં બ્લૅક એ કોઈ કલર નથી, પણ એ શૂન્યાવકાશ છે. શાસ્ત્રો કહે છે કે શૂન્યાવકાશમાં રહી શકાય નહીં કે શૂન્યાવકાશને સાથે લઈને ફરવું ન જોઈએ. એ જ કારણ છે કે શાસ્ત્રોમાં કાળા રંગનાં કપડાં પહેરવાનું ટાળવાનું સૂચવવામાં આવ્યું છે. પહેલાંના સમયમાં વિધવાઓને કાળા કલરની સાડી આપવામાં આવતી હતી, જે સાડી શૂન્યાવકાશનું પ્રતીક હતી. એ સાડી દ્વારા કહેવામાં આવતું કે હવે આ નારીના જીવનમાં સુખનો કોઈ અવકાશ રહ્યો નથી.
ગ્રીન અર્થાત્ લીલો
ગ્રીન કલર સમૃદ્ધિ સૂચવે છે, પણ એ જ ગ્રીન કલર બૌદ્ધિકતા પણ દર્શાવે છે. ગ્રીન રંગનો મહત્તમ ઉપયોગ સામાન્ય રીતે ગ્રહ બુધને વધારે પ્રભાવશાળી બનાવે છે જે કોઈ પણ વ્યક્તિ માટે ફળદાયી છે. બૌદ્ધિકતા અને સમૃદ્ધિની સાથોસાથ ગ્રીન કલર વિકાસનું પણ પ્રતીક છે. તમે જુઓ, નાના અમસ્તા કણમાંથી ઊભું થતું મસમોટું ઝાડ કે પાક પણ ગ્રીન કલરનો હોય છે જે સૂચવે છે કે જો મહેનત કરશો તો તમે પણ આટલો જ વિકાસ કરી શકશો. ગ્રીન કલરનો ઉપયોગ કપડાંમાં મૅક્સિમમ થવો જોઈએ તો સાથોસાથ તમારી આસપાસમાં પણ ગ્રીન કલર હોય તો એ લાભદાયી છે.
વાઇટ અને ગ્રીન કલરના કૉમ્બિનેશનનાં ક્લોથ તમને ડેવલપ કરવાની સાથોસાથ ફેમ અપાવવાનું પણ કામ કરે છે. ગ્રીન કલર મનની શાંતિ માટે પણ એટલો જ ઉપયોગી છે એટલે જો ઑફિસ કે ઘરમાં પણ ગ્રીન કલરનો ઉપયોગ કરવામાં આવે તો એ હિતાવહ છે.
સૅફ્રન અર્થાત્ કેસરી
જૂના જમાનમાં યુદ્ધ માટે રવાના થયેલા રાજા માટે એવું કહેવાતું કે તેણે કેસરિયાં કર્યાં. આ કેસરિયાં કર્યાંનો સીધો અર્થ એ થાય છે કે સંસ્કૃતિ અને પરંપરા માટે તે પોતાનો જીવ હાથમાં લઈને લડવા રવાના થયો. કેસરી કલર સંસ્કૃતિ અને પરંપરાની સાથોસાથ ધર્મનું પણ પ્રતીક છે. આ જ કારણ છે કે સાધુસંતોનાં વસ્ત્રો કેસરી કલરનાં હોય છે, પણ આ જ ઑરેન્જ કલર આશાવાદ અને હકારાત્મક એનર્જીનું પણ પ્રતીક છે તો બંધિયારપણામાંથી મુક્તિનું પણ પ્રતીક છે. કેસરી કલરને ભારતીય શાસ્ત્રોએ બહુ મહત્ત્વના રંગોમાંથી એક ગણાવ્યો છે. પુરાણોમાં દર્શાવ્યા મુજબ કેસરી રંગ સામે ત્રાટક કરવાથી શરીરમાં પૉઝિટિવ એનર્જી વધે છે.
કેસરી રંગનો ઉપયોગ મસ્તક પર તિલક કરવામાં થવો જોઈએ તો સાથોસાથ કેસરી રંગનો ઉપયોગ રૂમાલ તરીકે પણ કરવો જોઈએ, જેનાથી વાંરવાર ચહેરો કે હાથ સાફ કરતા રહેવાથી શરીરમાં સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.