શો મસ્ટ ગો ઑન કોને કહેવાય જોઈ લો: માની ગયા સંજયભાઈ

18 September, 2026 08:53 AM IST  |  Mumbai | Rashmin Shah

રાજકોટથી કારમાં સલાઇન સાથે મોરબી અને ભાવનગર જઈને શો કર્યા, પાછા ફરતી વખતે પણ સલાઇન ચડાવી અને હૉસ્પિટલમાં આવી ગયા: ગઈ કાલે હૉસ્પિટલમાંથી ૩ કલાકની રજા લઈને રાજકોટમાં શો કર્યો અને આજે જામનગર જશે

રાજકોટની ગોકુલ હૉસ્પિટલમાં સંજય ગોરડિયા.

પોતાના નાટકની ટૂર માટે સૌરાષ્ટ્ર ગયેલા સંજય ગોરડિયા રાજકોટ પહોંચ્યા પછી અત્યંત ખરાબ રીતે બીમાર પડ્યા અને તાત્કાલિક હૉસ્પિટલાઇઝ કરવા પડ્યા, પણ હૉસ્પિટલમાં ડૉક્ટર પાસે તેમણે શરત મૂકી કે રોજ શો કરવા માટે જવા દો તો જ દાખલ થઉં : રાજકોટથી કારમાં સલાઇન સાથે મોરબી અને ભાવનગર જઈને શો કર્યા, પાછા ફરતી વખતે પણ સલાઇન ચડાવી અને હૉસ્પિટલમાં આવી ગયા: ગઈ કાલે હૉસ્પિટલમાંથી ૩ કલાકની રજા લઈને રાજકોટમાં શો કર્યો અને આજે જામનગર જશે

જાણીતા ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સંજય ગોરડિયા પોતાના નાટક ‘માગું વીસ આપે ત્રીસ, જય દ્વારકાધીશ’ના મંગળવારથી શુક્રવાર સુધીના નાટકના શોની ટૂર માટે સૌરાષ્ટ્રમાં છે. મોરબી, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરમાં શો હતા એટલે તેમણે હેડક્વૉર્ટર રાજકોટ રાખ્યું. જોકે કરમની કઠણાઈ જુઓ. મંગળવારે સવારે રાજકોટ લૅન્ડ થયા ત્યારે જ સંજય ગોરડિયાને વાઇરલ ઇન્ફેક્શનને કારણે બે ડિગ્રી તાવ થઈ ગયો. એક મિત્ર તેમને ઍરપોર્ટ લેવા આવ્યો હતો જે સંજયભાઈને લઈને સીધો જ રાજકોટની ગોકુલ હૉસ્પિટલમાં પહોંચ્યો. બધા રિપોર્ટ કરાવવામાં આવ્યા અને ડૉક્ટરે સૂચના આપી કે ઍડ્મિટ થવું જ પડશે. સંજયભાઈએ સામે શરત મૂકી કે ઍડ્મિટ થાઉં પણ એક શરતે, મારા શો માટે મને જવા દેવાનો. સંજયભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘ઘરેથી તો બધાએ એક જ જીદ પકડી કે પાછા આવી જાઓ, પણ એમ શો થોડા કૅન્સલ કરું? તો-તો મારો નટરાજ લાજે. મેં ના પાડી દીધી અને મનને મનાવી લીધું કે આ વખતે હોટેલને બદલે હૉસ્પિટલમાં રહીએ.’

પહેલા અને બીજા દિવસે મોરબી અને ભાવનગરમાં શો હતા અને સતત સલાઇન ચાલુ રાખવું પડે એમ હતું. તાવ ઊતરવાનું નામ જ ન લે એટલે સંજયભાઈએ સલાઇન સાથે કારમાં ટ્રાવેલ કર્યું. ઑડિટોરિયમ પહોંચી ગયા પછી લોકલ ડૉક્ટરને બોલાવી લેવાના, સલાઇન કાઢીને જરૂરી ઇન્જેક્શન લઈ લેવાનું અને પછી શો કરવાનો. શો પૂરો થાય એટલે રિટર્ન થતી વખતે ફરીથી સલાઇન શરૂ કરી દેવાનું અને રાજકોટ આવીને સીધા ગોકુલ હૉસ્પિટલમાં પહોંચી જવાનું. ગોકુલ હૉસ્પિટલના ડૉક્ટર પ્રકાશ મોઢા કહે છે, ‘આવો વિલપાવર મેં કોઈમાં જોયો નથી. શરીર ધગધગતું હોય અને એ પછી પણ સ્ટેજ પર જવાની વાત આવે એટલે સંજયભાઈમાં એનર્જી આવી જાય. હૅટ્સ ઑફ.’

હજી પણ સંજયભાઈએ હૉસ્પિટલમાં જ રહેવાનું છે. ગઈ કાલે રાતે સાડાઆઠ વાગ્યે તેમણે હૉસ્પિટલમાંથી ૩ કલાકની રજા લીધી અને રાજકોટનો શો કર્યો. ફરી હૉસ્પિટલ અને પછી આજે જામનગર માટે રજા લઈને તે હૉસ્પિટલથી સીધા શો માટે જશે.

ગઈ કાલે હતો બર્થ-ડે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બર્થ-ડે શૅર કરતા સંજયભાઈ મજાકમાં કહે છે, ‘સાલ્લું બર્થ-ડેના દિવસે ગુલાબી ને પીળાં-લીલાં ટીકડાં અને સલાઇન લેવાં પડે એ તો કેવું કહેવાય. મેં તો મજાકમાં નર્સને કહ્યું પણ ખરું કે એ’લાવ એકાદ પચરંગી બાટલો પણ ચડાવી દયો, તો મને લાગે કે તમે મને કેક પણ ચડાવી.’
રાજકોટમાં પગ મૂક્યા પછી અન્નનો એક દાણો પણ મોઢામાં ન નાખનારા સંજય ગોરડિયા કહે છે, ‘મેં તો મારી ટીમ, નાટક સાથે જોડાયેલા પંદરથી ૨૦ પરિવાર અને મારા હજારો દર્શકોને ધ્યાનમાં રાખીને શો કૅન્સલ નહીં કરીને કામ કર્યું, પણ જો બીજા કોઈ પર આટલી જવાબદારી ન હોય તો તેણે આવું ગાંડપણ ન કરવું એવી હું તમને બધાને સલાહ આપીશ.’
આ ટૂર પૂરી કર્યા પછી મુંબઈમાં પણ તેમના શો છે, જે સંજયભાઈએ કૅન્સલ નથી કરાવ્યા.

dhollywood news Gujarati Natak Gujarati Drama gujarati film jamnagar gujarat news Sanjay Goradia celeb health talk