07 November, 2024 08:24 AM IST | Ahmedabad | Rashmin Shah
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
છેલ્લા એક વર્ષથી ચાલતી અફવાને ફાઇનલી હકીકત બનાવતાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ કરી કે તેઓ બન્ને મૅરેજ કરે છે. મૅરેજ આ મહિને જ થશે અને અમદાવાદમાં થશે. ‘મિડ-ડે’ સાથે એક્સક્લુઝિવલી વાત કરતાં મલ્હાર ઠાકરે કહ્યું, ‘અમે શેમારુ માટે વેબ-સિરીઝ ‘વાત વાતમાં’ની પહેલી સીઝનનું શૂટ કરતાં હતાં ત્યારે જ મીડિયામાં અફવા શરૂ થઈ ગઈ હતી. વાત છે ૨૦૨૧ની. એ સમયે અમારા મનમાં આવું કાંઈ નહોતું. અમે એવા ન્યુઝ વાંચીને હસીએ, પણ પછી અમે વધારે સાથે કામ કરવા માંડ્યાં એ દરમ્યાન લાગ્યું કે અમે એકબીજા માટે બેસ્ટ છીએ. ગયા વર્ષથી અમે ડેટિંગ શરૂ કર્યું. ‘લગન Special’ ફિલ્મ સમયે ફરીથી અફવા શરૂ થઈ અને પછી ફૅમિલીએ અમને પ્રેશર કરવાનું શરૂ કર્યું અને બસ, અમે નિર્ણય લીધો કે સાથે કામ કરીએ છીએ તો હવે સાથે જીવન પણ જીવીએ.’
વેબ-સિરીઝ ‘વાત વાતમાં’ની બે સીઝન ઉપરાંત મલ્હાર સાથે ‘લગન Special’ અને ‘વીર ઈશાનું સીમંત’ એમ બે ગુજરાતી ફિલ્મ પણ કરનારી પૂજા જોશીને મલ્હારની કઈ વાત એવી લાગી જેનાથી તેણે મલ્હારને પસંદ કર્યો એ બાબતે વાત કરતાં તેણે ‘મિડ-ડે’ને કહ્યું, ‘એ મારાં મૂડ-સ્વિંગ્સને બહુ સરસ રીતે હૅન્ડલ કરે છે. મારાં મૂડ-સ્વિંગ્સ એટલાં ખરાબ નથી, પણ મારા આટલા વખતના અનુભવ પરથી મને એટલું સમજાયું કે મલ્હાર સિવાય એ બીજું કોઈ હૅન્ડલ નહીં કરી શકે એટલે જ્યારે વાત મૅરેજની આવી ત્યારે મેં હા પાડી દીધી.’
થોડા સમયનું વેઇટિંગ
મલ્હાર અને પૂજાએ સાથે મળીને જ નક્કી કર્યું કે હમણાં થોડો સમય સાથે રહીએ. મલ્હાર કહે છે, ‘અમને અમારા ફૅન્સનું ટેન્શન નહોતું; પણ હા, એવું હતું કે અમારું ફોકસ ડાઇવર્ટ ન થાય એટલે સાથે કામ કરતાં-કરતાં ટાઇમ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું. ઘણાને લાગે કે આ પહેલી નજરનો પ્રેમ હશે; પણ ના, એવું નથી. હું એવો બાલિશ પણ નથી. હું કહીશ કે પૂજાના બિહેવિયર અને તેના કૅરિંગ નેચરે મને તેની તરફ ઍટ્રૅક્ટ કર્યો છે. શી ઇઝ સચ અ નાઇસ હ્યુમન બીઇંગ. સેટ પર, આઉટડોરમાં પણ તે જે રીતે બીજા સાથે રહેતી એ હું જોતો. મને તેની પોલાઇટનેસ ટચ કરી ગઈ અને બસ, પછી અમે રિલેશનમાં આગળ વધ્યાં.’
મુંબઈમાં કાંદિવલીમાં રહેતી પૂજા મૅરેજ પછી હવે અમદાવાદ રહેવાની છે. આ મહિને તેમનાં મૅરેજ છે અને એની તૈયારી ઑલરેડી શરૂ થઈ ગઈ છે પણ હમણાં મૅરેજની ડેટ અનાઉન્સ નહીં કરવાનું બન્નેએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગથી નક્કી કર્યું છે. પૂજા કહે છે, ‘નેક્સ્ટ વીક અમે મૅરેજની ડેટ અનાઉન્સ કરીશું અને મૅરેજ પછી અમારા ફ્રેન્ડ્સ માટે મુંબઈમાં ખાસ પાર્ટી પણ પ્લાન કરીશું.’
ફૅમિલી પડ્યું પાછળ
મલ્હાર અને પૂજાએ મૅરેજ કરવાં જોઈએ એવું એ બન્ને હજી તો વિચારતાં હતાં ત્યાં ઠાકર અને જોશી ફૅમિલીએ બન્ને પર પ્રેશર શરૂ કરી દીધું હતું. પૂજા કહે છે, ‘મારા કરતાં મારાં મમ્મી-પપ્પા મલ્હાર સાથે વધારે વાત કરતાં હોય. ક્યારેક હું કોઈ બાબતે મલ્હાર પર અકળાઈ હોઉં તો મલ્હારની સાઇડ લઈને મારાં મમ્મી-પપ્પા મારી સાથે લડે. આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન દરેક છોકરી પોતાના લાઇફ-પાર્ટનર પાસેથી ઇચ્છતી હોય, જે મને ગૉડ્સ ગિફ્ટ તરીકે મળ્યું છે.’
સામા પક્ષે મલ્હાર સાથે પણ એવું જ બનતું. મલ્હાર કહે છે, ‘કંઈ પણ નવું કરવાનું હોય તો મને પછી પૂછવામાં આવે, પૂજાને પહેલાં પૂછે કે આપણે આવું કરીએ? કોઈ વાર અમારી વચ્ચે બોલવાનું થાય તો તે મને મારા પેરન્ટ્સની ધમકી આપે. અલ્ટિમેટ્લી મને થયું કે રહેવાનું તો અમારે પેરન્ટ્સ સાથે જ છે તો પછી આ ટ્યુનિંગને મારે બ્લેસિંગ્સ તરીકે જોવું જોઈએ.’
બર્થ-ડેટ બની પ્લસ પૉઇન્ટ
પ્રેમને મૅરેજ સુધી પહોંચાડવામાં કઈ-કઈ વાત ઇમ્પોર્ટન્ટ બની એ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘સૌથી પહેલાં તો ઇમોશન્સ, જે અમને બન્નેને છે. સેકન્ડ્લી કાસ્ટ. અમે બન્ને એક જ કાસ્ટનાં છીએ એ પણ બ્લેસિંગ્સ બન્યાં અને થર્ડ, અમારી બર્થ-ડેટ. રૅર લોકોને ખબર છે કે મારી અને મલ્હારની બર્થ-ડેટ ૨૮ જુલાઈ છે. સિમિલર બર્થ-ડેટને લીધે એક વાર તો એવું થયું કે રાતે એકબીજાને ફોન કરવામાં જ અમારા બન્નેનો ફોન એન્ગેજ રહ્યો અને એમાં ૧૨ વાગી ગયા. પણ હા, બર્થ-ડેટ એક હોવાનો અમને બેનિફિટ એ થયો કે અમે એકબીજાના પ્લસ-માઇનસ પૉઇન્ટને પણ અમારા સમજીને આગળ વધતાં શીખ્યાં.’
વૉટ અ કો-ઇન્સિડન્સ
મલ્હાર ઠાકર અને પૂજા જોશીને મેઇનસ્ટ્રીમમાં એટલે કે મુંબઈમાં લૉન્ચ કરવાનો જશ ડિરેક્ટર-પ્રોડ્યુસર અને ઍક્ટર સંજય ગોરડિયાને જાય છે. મલ્હારને તેમણે નાટક ‘હેલ્લો પાકિસ્તાન, હું હિન્દુસ્તાની’માં પહેલો બ્રેક આપ્યો અને પૂજાને તેમણે ગુજરાતી ટીવી-સિરિયલ ‘આ ફૅમિલી કૉમેડી છે’માં પહેલો બ્રેક આપ્યો.