08 July, 2022 04:30 PM IST | Mumbai | Rachana Joshi
‘વિકીડાનો વરઘોડો’નું પોસ્ટર
ફિલ્મ : વિકીડાનો વરઘોડો
કાસ્ટ : મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, જીનલ બેલાણી, માનસી રાચ્છ
લેખક : રાહુલ ભોલે, વિનિત કનોજિયા
ડિરેક્ટર : રાહુલ ભોલે, વિનિત કનોજિયા
રેટિંગ : ૨.૫/૫
પ્લસ પોઇન્ટ : પરફોર્મન્સ, કૉમિક ટાઇમિંગ, ગીતો
માઇનસ પોઇન્ટ : લાંબી વાર્તા
‘વિકીડાનો વરઘોડો’ નામ પરથી જ ખબર પડી જાય કે તેમાં વિકીડાના લગ્નની વાત છે. શાળાના દિવસોનો નિખાલસ પ્રેમ, કૉલેજના સમયનો અપરિપક્વ પ્રેમ અને પછી અરેન્જ મેરેજની મુંઝવણ દર્શાવતી આ ફિલ્મ સ્ટારકાસ્ટને કારણે દર્શકોને થિયેટર સુધી ખેંચી જવામાં સફળ રહેશે, પરંતુ તેમને જકડી રાખવામાં નિષ્ફળ રહેશે તેમ લાગે છે.
ફિલ્મની વાર્તા
ભાવનગરના ગાઠિયા કિંગનો દીકરો વિકી (મલ્હાર ઠાકર) એવો છોકરો છે બજરંગબલીનો ભક્ત છે અને તેના લિસ્ટમાં છોકરીઓ પાસે જવાની વાત તો દુર સામે જોવાનું પણ પાપ ગણાય છે. પરંતુ સાયન્સ સ્ટ્રીમમાં ભણતા-ભણતા શાળામાં નવી આવેલી કલેક્ટરની દીકરી રાધિકા (જીનલ બેલાણી)ના પ્રેમમાં પડે છે. પણ કોઈક કારણોસર શાળાનો નિખાલસ પ્રેમ અધુરો રહી જાય છે. પછી વિકી અમદાવાદની કોલેજમાં આર્કિટેક્ચર ભણવા જાય છે ત્યારે વિદ્યા (માનસી રાચ્છ)ના પ્રેમમાં પડે છે. કોલેજના પ્રેમને પામવા માટે તે કારર્કિદી દાવ પર લગાડે છે પણ છતા ફરી એકવાર વિકી પ્રેમમાં નિષ્ફળ જાય છે. અંતે મમ્મી-પપ્પા એક સુંદર-સુશીલ અને સમજુ છોકરી અનુશ્રી (મોનલ ગજ્જર) સાથે અરેન્જ મેરેજ કરવા માટે મનાવે છે. પણ ગડબડ એવી થાય છે કે લગ્નના ત્રણ દિવસ પહેલા બન્ને ગર્લફ્રેન્ડ અને થનાર પત્ની ભેગા થાય છે. ત્યારે વિકીનો વરઘોડો કોની સાથે નીકળશે તે જોવાની બાબત મજાની છે.
પરફોર્મન્સ
મલ્હાર ઠાકર ભાવનગરના યુવાનનો રોલ કરે છે. પણ ફિલ્મ દરમિયાન તેનામાં અમદાવાદી મલ્હાર છાંટણા આપે છે. શાળામાં જતા ૧૬ વર્ષના વિકીડામાં અને ૨૬ વર્ષના પરિવપક્વ આર્કિટેક્ટ વિકીડાના પર્ફોમન્સમાં ફરક બહુ નજીવો છે. સુપર ક્યૂટ સમાઇલ અને ગાલ પરના ડિંપલ સાથે સ્કુલગર્લની ભૂમિકામાં જીનલ બેલાણી સહુનુ દિલ જીતવામાં સફળ રહી છે. કોલેજીયન છોકરીની ભૂમિકામાં માનસી રાચ્છ કૂલ વાઇબ્સ આપે છે. કૂલ અને કેઝ્યુલ સ્ટાયલને કારણે તે ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે. લગ્નના ટ્રેડિશનલ લૂકમાં મોનલ ગજ્જર મન-મોહી લે છે. ગુજરાતી ઉચ્ચારોમાં જો વધુ સ્પષ્ટતા હોત તો ડાયલોગ્સ સાંભળવામાં વધુ મજા આવત તેમ કહી શકાય.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
‘વિકીડાનો વરઘોડો’નું લેખન અને દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનિત કનોજિયાનું છે. ‘રેવા’ની લેખક-દિગ્દર્શકની સફળ જોડી પાસેથી વધુ અપેક્ષાઓ રાખી શકાય. ફિલ્મના લોકેશન અને સિનેમૅટોગ્રાફી સારા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રેડિક્ટેબલ છે. તેમ જ ફિલ્મમાં હીરોની સ્ટાયલ હોય કે પછી હીરોહીનની મહેંદી, કે પછી ઓફિસનો સીન કેમ ન હોય…કેટલીક જગ્યાએ કન્ટિન્યુટિનો અભાવ જોવા મળે છે. ફિલ્મની વાર્તાને હજી થોડીક ટૂંકી કરી શકાય હોત. ખાસ કરીને વિકી અને રાધિકાની સ્કુલ લવ સ્ટોરી. જોકે, કોલેજ હોય કે શાળા દરેક જગ્યાએ માહોલ બહુ સરસ ખડો કરવામાં આવ્યો છે.
મ્યુઝિક
સોનુ નિગમ દ્વારા ગવાયેલુ ગીત ‘ઊડી રે’ તેમ જ ઐશ્વર્યા મઝમુદારને કૈરવી બુચ દ્વારા ગવાયેલ ‘કાન્હા રે’ ફરી સાંભળવા ગમે તેવા છે. જ્યારે અલ્તાફ રાજાએ ગાયેલ ‘દ્રાક્ષ ખાટી છે’ ફન લવિંગ સોન્ગ છે.
ફિલ્મ જોવી કે નહીં?
જો તમે મલ્હારના જબરા ફૅન હોવ તો આ ફિલ્મ ચોક્કસ જોવા જઈ શકો છો. બાકી ઓટીટી પર આવવાની રાહ જોશો તો વાંધો નહીં.