25 August, 2023 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાવિન રબારી
‘છેલ્લો શો’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરનાર ભાવિન રબારીનું કહેવું છે કે આ ફિલ્મે તેને ઘણી ઓળખ આપી છે. ૬૯મા નૅશનલ અવૉર્ડ્સમાં તેને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ વિશે ભાવિને કહ્યું કે ‘હું જ્યારે મારું નાનું ગામ વસઈ અને મારી ભેંસને છોડીને ‘છેલ્લો શો’ના શૂટિંગ માટે ગયો હતો ત્યારે મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે હું આટલે દૂર સુધી ટ્રાવેલ કરીશ. હૉલીવુડ જઈશ. ઑસ્કરમાં જઈશ. દીપિકા પાદુકોણની મને કિસ મળશે અને સલમાન ખાન અને હાર્દિક પંડ્યાને હું મળીશ. આ ફિલ્મ દુનિયાભરમાં ફેમસ થઈ છે અને હવે નૅશનલ અવૉર્ડ પણ મળવો એ મારા સપનાની પણ બહારની વાત છે. મારા ગુરુ નલિન સરના ગાઇડન્સને કારણે અમારી ફિલ્મને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે.’
આ ફિલ્મને ડિરેક્ટર પેન નલિન દ્વારા ડિરેક્ટ અને સિદ્ધાર્થ રૉય કપૂર અને ધીર મોમાયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. તેમણે ત્રણેય દ્વારા જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમારી ‘છેલ્લો શો’ની શરૂઆતથી જ એ વાત સાબિત કરી છે કે સ્ટોરી સારી હોય તો એની કોઈ લિમિટ નથી હોતી. આ ફિલ્મ પાછળ ટીમ દ્વારા ખૂબ જ પૅશન અને ધગશ સાથે કામ કરવામાં આવ્યું હતું અને એને કારણે ફિલ્મની ગ્લોબલ જર્ની ખૂબ જ અદ્ભુત રહી છે. ‘છેલ્લો શો’ની ટીમ માટે ભાવિનની કોઈ પણ જાતની ટ્રેઇનિંગ વગરની ટૅલન્ટથી લઈને નૅશનલ અવૉર્ડ વિનિંગ સુધીની મુસાફરી ખૂબ જ ગર્વભરી છે. આ ફિલ્મની સ્ટોરીમાં તેના ડેડિકેશન, ઇનોસન્સ અને ઑથેન્ટિસિટીએ પ્રાણ પૂરી દીધા છે. અમને તેના પર ખૂબ જ ગર્વ છે. ગ્લોબલ પ્લૅટફૉર્મ પર ઇન્ડિયાને ગર્વ અપાવવાની સાથે દેશમાં જ આ ફિલ્મને આટલું મોટું સન્માન મળવું એ પણ ખૂબ જ મોટી વાત છે.’