09 July, 2024 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરાકોન્ડા તેની આગામી ફિલ્મ માટે શ્રીલંકા પહોંચી ગયો છે
વિજય દેવરાકોન્ડા તેની આગામી ફિલ્મ માટે શ્રીલંકા પહોંચી ગયો છે. આ તેની બારમી ફિલ્મ છે. તે પહેલી વાર પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે. શાહિદ કપૂરની ‘જર્સી’ને ડિરેક્ટ કરનાર ગૌતમ તિન્નનુરી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં વિજય પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે જેમાં તે ભરપૂર ઍક્શન કરતો જોવા મળશે. આ માટે તેણે વજન પણ ઉતાર્યું છે. ફાઇટ સીક્વન્સનું શૂટિંગ ત્યાં કરવામાં આવશે અને લગભગ એક મહિના જેટલું શૂટિંગ શ્રીલંકામાં થશે. આ એક સ્પાય-થ્રિલર છે અને એ ચોક્કસ સમયની સ્ટોરી દેખાડવામાં આવી છે. એથી બીચની આસપાસનું લોકેશન જોઈતું હતું અને એ માટે શ્રીલંકા પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ સિવાય વિઝાગમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું. વિજય દેવરાકોન્ડા શ્રીલંકાની હોટેલમાં ગયો ત્યારે તેને ફૂલની માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કરીના કપૂર ખાન હાલમાં હસબન્ડ સૈફ અલી ખાન, બાળકો તૈમુર અને જેહ સાથે યુરોપમાં વેકેશન પર ગઈ છે. ત્યાંના ફોટો તે શૅર કરે છે. હવે કરીનાએ તેનો સેલ્ફી શૅર કર્યો છે. એમાં બીચ દેખાઈ રહ્યો છે. આ મિરર સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી, શું આજે મન્ડે છે?
સની દેઓલ હાલમાં તેના બન્ને દીકરાઓ રાજવીર અને કરણ સાથે ઇંગ્લૅન્ડમાં વેકેશન એન્જૉય કરી રહ્યો છે. સની દેઓલે કામ પરથી બ્રેક લીધો હોય એવું લાગી રહ્યું છે. તે ‘બૉર્ડર 2’માં અને ‘લાહોર 1947’માં દેખાશે. હાલમાં તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. દીકરાઓ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સની દેઓલે કૅપ્શન આપી છે, ‘કન્ટ્રીસાઇડ રીયુનિયન. સમર 2024નો પર્ફેક્ટ રીતે એન્ડ થયો છે.’
રામચરણે તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું શૂટિંગ આંધ્ર પ્રદેશમાં પૂરું કરી લીધું છે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં દેખાવાની છે. આ એક પૉલિટિકલ-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની રિલીઝની તારીખ વિશે જાણવા નથી મળ્યું. એવું જાણવા મળ્યું છે કે ફિલ્મમાં રામચરણ ટ્રિપલ રોલમાં દેખાશે. સેટ પરના તેણે બે ફોટો શૅર કર્યા છે. ફોટોમાં દેખાય છે કે તે હેલિકૉપ્ટર તરફ જઈ રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામચરણે કૅપ્શન આપી, ‘ગેમ હવે બદલાવાની છે. ‘ગેમ ચેન્જર’નું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. થિયેટરમાં મળીશું.’
‘કલ્કિ 2898 AD’ ૨૭ જૂને રિલીઝ થઈ છે અને ૧૧ દિવસમાં ફિલ્મે ભારતમાં ૫૦૬.૮૭ કરોડનો બિઝનેસ કરી લીધો છે. થિયેટરમાં હજી પણ આ ફિલ્મ શાનદાર બિઝનેસ કરી રહી છે. નાગ અશ્વિને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને ૨૧૨.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ૨૦૧૭માં રિલીઝ થયેલી ‘બાહુબલી 2’ અને ૨૦૨૨માં આવેલી ‘RRR’ બાદ ‘કલ્કિ 2898 AD’ ત્રીજી ફિલ્મ છે જેના હિન્દી વર્ઝને ૨૦૦ કરોડનું કલેક્શન કર્યું છે. ‘કલ્કિ 2898 AD’નો બીજો ભાગ પણ બની રહ્યો છે અને એનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
હૉલીવુડની ઇટર્નલ્સમાં જોવા મળેલો કોરિયન ઍક્ટર મા ડોન્ગ સિઓક હવે પ્રભાસની ‘સ્પિરિટ’માં વિલનની ભૂમિકા ભજવે એવી ચર્ચા છે.