ટોટલ ટાઇમપાસ: રણબીરની ‘રામાયણ’માં જોડાયો કુણાલ કપૂર

31 July, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરોપની ટ્રેન કરતાં મુંબઈ લોકલ વધુ પસંદ છે તુષાર કપૂરને; કહેવાતા બૉયફ્રેન્ડ વેદાંગ સાથે રૅમ્પ-વૉક કર્યું ખુશીએ : અદિતિએ પણ દેખાડી તેની અદા અને વધુ સમાચાર

કુણાલ કપૂર

રણબીર કપૂરની ‘રામાયણ’માં હવે કુણાલ કપૂરની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં રણબીર રામનું પાત્ર ભજવી રહ્યો છે જેને નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કુણાલ કયું પાત્ર ભજવશે એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી મળી. જોકે કુણાલે એ માટે તેનો લુક ટેસ્ટ કરી દીધો છે અને સ્ક્રિપ્ટ-રીડિંગની તૈયારી શરૂ કરી દીધી છે. તેના પાત્રને લઈને મેકર્સ સસ્પેન્સ જાળવવા માગે છે. જોકે બની શકે કે રાવણના દીકરા ઇન્દ્રજિતનું પાત્ર તે ભજવે. આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ઑગસ્ટના અંતમાં એ ફરી શરૂ થશે. આ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મસિટીમાં સેટ બનાવવાની તૈયારી જોશપૂર્વક ચાલી રહી છે. અયોધ્યા અને મિથિલા દેખાડવા માટે ૧૨ સેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૫ના ડિસેમ્બર સુધી પૂરું કરવાનું પ્લાનિંગ છે.

વસઈ ક્રીક પાસે રસ્તા પર ખાડાઓ વિશે સવાલ કર્યા કામ્યા પંજાબીએ

કામ્યા પંજાબીએ વસઈ ક્રીક પાસે રસ્તા પર ખાડાઓ પડી જવાથી સવાલ કર્યા છે. મુંબઈમાં દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે. આ ખાડાઓને કારણે ઘણા અકસ્માત થાય છે અને કેટલાક અકસ્માત એટલા ગંભીર હોય છે કે એમાં જીવ પણ જાય છે. કામ્યાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર વરસાદમાં રસ્તાઓ પરના ખાડાને લઈને જે ટ્રાફિક જૅમ થાય છે એનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો શૅર કરીને કામ્યા કહે છે,  ‘મુંબઈમાં સ્વાગત છે. દરેક રસ્તા પર ખાડા છે. જોકે નવાઈની વાત છે કે એક પણ રેડિયો જૉકી પણ આ રસ્તા વિશે કોઈ દિવસ વાત નથી કરતો.’

યુરોપની ટ્રેન કરતાં મુંબઈ લોકલ વધુ પસંદ છે તુષાર કપૂરને

તુષાર કપૂર મુંબઈ લોકલ ટ્રેનમાં અને યુરોપિયન ટ્રેનમાં

તુષાર કપૂરને યુરોપિયન ટ્રેન કરતાં મુંબઈની લોકલ વધુ પસંદ છે. તુષાર તેના સમર વેકેશન માટે યુરોપ ગયો હતો અને એ દરમ્યાન તેણે યુરો રોલની સવારી કરી હતી. જોકે તેને એ ટ્રેનમાં એટલી મજા નહોતી આવી. ટ્રેનમાં મુસાફરી કરી હોય એવો સંતોષ નહોતો થયો. આ વિડિયો શૅર કરીને તુષારે કૅપ્શન આપી હતી કે ‘કંઈ પણ કહો, યુરોપની ટ્રેન ગમે એટલી સારી હશે પરંતુ મુંબઈની લોકલ ટ્રેન જેવી મજા નથી. ઈસ્ટ હોય કે વેસ્ટ, ઇન્ડિયા બેસ્ટ છે.’

કહેવાતા બૉયફ્રેન્ડ વેદાંગ સાથે રૅમ્પ-વૉક કર્યું ખુશીએ : અદિતિએ પણ દેખાડી તેની અદા

ખુશી કપૂરે તેના કહેવાતા બૉયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે નવી દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ડિયન કુટ્યુઅર વીકમાં રૅમ્પ-વૉક કર્યું હતું. તેઓ ફૅશન-ડિઝાઇનર ગૌરવ ગુપ્તાનાં કપડાંમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં અદિતિ રાવ હૈદરી પણ ડિઝાઇનર જયંતી રેડ્ડી માટે શો-સ્ટૉપર બની હતી.

entertainment news bollywood bollywood news kunal kapoor ramayan khushi kapoor aditi rao hydari tusshar kapoor