01 June, 2026 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુમન કલ્યાણપુર
‘રહેં ના રહેં હમ’, ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’, ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે’ અને ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે’ જેવા લોકપ્રિય ગીતો ગાનારા પદ્મભૂષણ (Padma Bhushan)થી સન્માનિત પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુર (Suman Kalyanpur)નું નિધન થયું છે. આ સમાચારથી સંગીત જગત શોકમગ્ન છે.
મધુર અને ભાવનાત્મક અવાજથી કરોડો શ્રોતાઓના દિલ પર રાજ કરનાર પ્રખ્યાત પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું ૮૯ વર્ષની વયે મુંબઈ (Mumbai)માં નિધન (Suman Kalyanpur dies) થયું છે. રવિવારે સાંજે તેમના નિવાસસ્થાને વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અવસાન થયું.
સુમનજીનું વૃદ્ધાવસ્થાને કારણે રાત્રે ૮ વાગ્યે લોખંડવાલા (Lokhandwala)માં તેમના નિવાસસ્થાને અવસાન થયું. આજે બપોરે તેમના નિવાસસ્થાને ૧૨.૩૦ વાગ્યા સુધી અંતિમ દર્શન અને ત્યારબાદ સાંતાક્રુઝ સ્મશાનગૃહ (વેસ્ટ) ખાતે બપોરે ૨.૦૦ વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુમન કલ્યાણપુર ભારતીય સિનેમાના સુવર્ણ યુગના એવા ચુનંદા ગાયિકાઓમાં સામેલ હતા, જેમણે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં પોતાના મધુર અવાજથી લાખો શ્રોતાઓના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. એ દોરમાં જ્યારે સંગીત જગત પર લતા મંગેશકર (Lata Mangeshkar)નો દબદબો હતો, ત્યારે પણ સુમન કલ્યાણપુરે પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી અને ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.
તેમના ગાયેલા ગીતો આજે પણ સંગીતપ્રેમીઓની જીભ પર છે. `આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે`, `ના ના કરતે પ્યાર તુમ્હી સે`, `તુમને પુકારા ઔર હમ ચલે આયે` જેવા ગીતોએ તેમને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી દીધા હતા. તેમના સુરીલા અવાજ અને ભાવપૂર્ણ ગાયકીએ તેમને હિન્દી ફિલ્મ સંગીતના સૌથી સન્માનિત ગાયિકાઓમાં સામેલ કર્યા હતા.
માત્ર હિન્દી જ નહીં, સુમન કલ્યાણપુરે મરાઠી, અસામી, કન્નડ, બંગાળી, ઉડિયા સહિત ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા હતા. ફિલ્મી ગીતો સિવાય તેમણે ભજન, ગઝલ અને ઠુમરી ગાયનમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેમની બહુમુખી ગાયકીએ તેમને વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના શ્રોતાઓ વચ્ચે લોકપ્રિય બનાવ્યા હતા.
અવારનવાર સુમન કલ્યાણપુરના અવાજની સરખામણી સૂર કોકિલા લતા મંગેશકર સાથે કરવામાં આવતી હતી, પરંતુ સુમન કલ્યાણપુરે હંમેશા આ સરખામણીને વિનમ્રતાપૂર્વક નકારી કાઢી હતી. વર્ષ ૨૦૨૨માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે લતા મંગેશકરને પોતાના નજીકના મિત્ર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, લતાજીના ગીતોને દરેક વ્યક્તિ પસંદ કરતું હતું અને તેઓ હંમેશા અમર રહેશે. બંનેએ ફિલ્મ `ચાંદ` માટે એક યુગલ ગીત (ડ્યુએટ) પણ રેકોર્ડ કર્યું હતું.
સુમન કલ્યાણપુર જેમને તેમના ચાહકો પ્રેમથી સુમન હેમ્મદી તરીકે પણ ઓળખતા હતા તેમના નિધનની સાથે ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય સમાપ્ત થઈ ગયો છે. જોકે, તેમનો અવાજ અને તેમના અમર ગીતો હંમેશા સંગીતપ્રેમીઓના દિલમાં જીવંત રહેશે.