✕

ડબલ ઢોલકી સંજય દત્ત

06 October, 2026 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણતરીના દિવસોમાં બે ઘટનાક્રમમાં પહેલાં વિવાદાસ્પદ નિવેદન કરવાનો અને પછી માફી માગી લેવાનો ઍક્ટરનો અભિગમ ચર્ચામાં

સંજય દત્તના સમર્થનમાં આવ્યો શેખર સુમન

સંજય દત્તે ગાંધી જયંતીના અવસરે પ્રસારિત થયેલા શેખર સુમનના શો ‘શેખર ટુનાઇટ’માં દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરતી વખતે નિવેદન આપ્યું હતું કે ‘ભારતમાં મને પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી.’ સંજય દત્તનું આ નિવેદન વાઇરલ થઈ ગયું હતું અને તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ મોટા વિવાદ પછી આખરે સંજય દત્તે એક પોસ્ટ શૅર કરીને માફી માગી છે. આ પહેલાં પણ ગણતરીના દિવસો પહેલાં તેણે દહીહંડી કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકની મરાઠીમાં વાત કરવાની વિનંતીનો ઇનકાર કરીને કહ્યું હતું કે ૬ વર્ષ સુધી યરવડા જેલમાં રહ્યા પછી પણ હું મરાઠી શીખી શક્યો નથી. એ સમયે પણ સંજય દત્તના આ ઍટિટ્યુડ અને નિવેદનની ભારે ટીકા થતાં તેણે ફેરવી તોળ્યું હતું અને પ્રધાન પ્રતાપ સરનાઈકને ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે તેને સારી મરાઠી આવડે છે અને તેના નિવેદનના પગલે ખોટો સંદેશ ગયો હોય તો તે માફી માગે છે. 

લેટેસ્ટ વિવાદ સ્ક્રિપ્ટનો હિસ્સો : સંજય દત્ત

સંજય દત્તે શેખર સુમનના શો ‘શેખર ટુનાઇટ’માં ‘ભારતમાં મને પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી’ જેવું નિવેદન કરતાં વિવાદ ઊભો થયો હતો. આ વિવાદના પગલે સંજયે સોશ્યલ મીડિયા પર પોતાનું નિવેદન શૅર કરીને જણાવ્યું હતું કે ‘હું સ્પષ્ટ કરવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણીને ઠેસ પહોંચાડવાનો, તેમને દુઃખી કરવાનો કે તેમનો અનાદર કરવાનો મારો ક્યારેય ઇરાદો નહોતો. મારી કમેન્ટ એ સ્ક્રિપ્ટેડ સંવાદના સંદર્ભમાં કરવામાં આવી હતી જેનો હેતુ હળવી અને રમૂજી વાતચીત કરવાનો હતો.

મારી વાત પાછળનો ભાવ ‘મુન્નાભાઈ’ જેવી ફિલ્મોમાં જોવા મળતી રમૂજ અને વ્યંગ જેવો જ હતો. એનો ઇરાદો ‘ગાંધીગીરી’ના વિચાર જેવો હતો જેનો ઉદ્દેશ પ્રેમ, ઉષ્મા, એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપવાનો હતો. દુર્ભાગ્યવશ, મારા શબ્દોને આ મૂળ સંદર્ભથી અલગ રીતે સમજવામાં આવ્યા.’

સંજય દત્તના સમર્થનમાં આવ્યો શેખર સુમન: કહ્યું કે તેને આપણા દેશ અને દેશવાસીઓ માટે ખૂબ જ આદર છે

સંજય દત્તે ગાંધી જયંતીના અવસરે પ્રસારિત થયેલા શેખર સુમનના શો ‘શેખર ટુનાઇટ’માં નિવેદન આપ્યું હતું કે ‘ભારતમાં મને પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી.’ સંજય દત્તના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર તેની ટીકા શરૂ થઈ જતાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનું નિવેદન એક સ્ક્રિપ્ટેડ વાતચીતનો ભાગ હતું. હવે આ સમગ્ર વિવાદ પર શોના હોસ્ટ શેખર સુમને પ્રતિક્રિયા આપી છે અને સંજય દત્તનો બચાવ કર્યો છે. શેખર સુમને કહ્યું હતું કે ‘સંજય દત્તને આપણા દેશ અને દેશવાસીઓ માટે ખૂબ જ આદર છે. તેમણે જે કહ્યું હતું એ સંપૂર્ણપણે નિર્દોષ અને ખૂબ જ સકારાત્મક રીતે કહેવામાં આવ્યું હતું. તેમણે જે કહ્યું જ નથી અથવા જેનો અર્થ પણ નહોતો કર્યો તેના માટે તેમને સજા ન કરવી જોઈએ કે બદનામ પણ ન કરવા જોઈએ. હું તેમને વર્ષોથી ઓળખું છું. તેઓ સારા માણસ છે, પોતાના દેશને પ્રેમ કરે છે અને દેશ માટે તેમના મનમાં અત્યંત આદર છે.’

sanjay dutt shekhar suman youtube india narendra modi entertainment news bollywood bollywood news bollywood controversies