19 November, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’ના બીજા ભાગને રિલીઝ થવામાં હજુ બે વર્ષનો સમય બાકી છે. આ ફિલ્મ ૨૦૨૮માં દિવાળીના અવસરે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે, પણ અત્યારથી જ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકોના ઉત્સાહનું સૌથી મોટું કારણ સની દેઓલે ભજવેલી ભગવાન હનુમાનની ભૂમિકા છે.
‘રામાયણ’ના બીજા ભાગમાં સની દેઓલના હનુમાનના પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે ત્યારે ફિલ્મના સિનેમૅટોગ્રાફર પંકજ કુમારે ખુલાસો કર્યો છે કે ફિલ્મના બીજા ભાગમાં હનુમાનજીની ભૂમિકા ભજવી રહેલા સની દેઓલ માટે એક એવું શાનદાર દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
‘રામાયણ’ના બીજા ભાગમાં હનુમાનજીના રોલ વિશે વાત કરતાં પંકજ કુમારે જણાવ્યું હતું કે ‘હનુમાનજીને લઈને લોકોની અપેક્ષાઓ ખૂબ વધારે છે. હું જાણું છું કે લોકો સની દેઓલને પડદા પર જોવા માગે છે. અમે હનુમાનજી સાથે જોડાયેલાં અનેક શાનદાર દૃશ્યોનું શૂટિંગ અગાઉથી જ કરી લીધું છે અને હું તમને ખાતરી આપું છું કે આ ખૂબ જ અદ્ભુત બનવાનું છે. હનુમાનજીને મોટા પડદા પર જોવાનો અનુભવ એક શાનદાર અનુભવ હશે.’