01 September, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ કલાકથી વધુ લાંબી મિર્ઝાપુર : ધ મૂવીને મળ્યું A સર્ટિફિકેટ
ચોથી સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘મિર્ઝાપુર : ધ મૂવી’ને લઈને ફૅન્સ લાંબા સમયથી ઉત્સાહિત છે, કારણ કે વેબ-સિરીઝ બાદ હવે મિર્ઝાપુરની વાર્તા મોટા પડદા પર જોવા મળશે. હવે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેના કારણે ૧૮ વર્ષ કે એથી વધુ ઉંમરના દર્શકો જ આ ફિલ્મ થિયેટરોમાં જોઈ શકશે. આ સિવાય મળતી માહિતી પ્રમાણે ‘મિર્ઝાપુર : ધ મૂવી’ ૧૯૭.૧૯ મિનિટ એટલે કે લગભગ ૩ કલાક અને ૧૭ મિનિટ લાંબી હશે.
ફિલ્મમાં પણ અલી ફઝલ ગુડ્ડુ પંડિતના પાત્રમાં જોવા મળશે અને પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાની ભૂમિકામાં હશે. આ ઉપરાંત ફિલ્મમાં જિતેન્દ્ર કુમાર પણ જોડાયો છે અને તે બબલુ ભૈયાના પાત્રમાં જોવા મળશે.
ગોવિંદા અને તેની પત્ની વચ્ચેનો વિવાદ અત્યારે ચર્ચામાં છે. આ સંજોગોમાં આ વર્ષે ગોવિંદા પોતાના પરિવારના રક્ષાબંધન ફંક્શનમાં જોવા મળ્યો નહોતો. હાલમાં ગોવિંદાની દીકરી ટીના આહુજાએ સોશ્યલ મીડિયા પર રક્ષાબંધનની ઉજવણીની તસવીરો અને વિડિયો શૅર કર્યાં જેમાં ગોવિંદાની ગેરહાજરી જોવા મળતી હતી. ગોવિંદાનું આ વર્તન ચર્ચાસ્પદ બન્યું છે. ટીનાએ શૅર કરેલી આ તસવીરોમાં તે પોતાની મમ્મી સુનીતા આહુજા, ભાઈ યશવર્ધન આહુજા અને કઝિન ક્રિષ્ના અભિષેક તથા આરતી સિંહ સાથે રક્ષાબંધન ઊજવતી જોવા મળી હતી.
ફોટોગ્રાફર્સની વારંવારની સૂચનાથી કરીના થઈ નારાજ
કરીના કપૂર પોતાની આગામી ફિલ્મ ‘દાયરા’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન ફોટોગ્રાફર્સથી થોડી નારાજ જોવા મળી હતી. હકીકતમાં કરીના ફિલ્મની ટીમ સાથે કૅમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સ તેને અલગ-અલગ ઍન્ગલથી તસવીરો લેવા માટે વારંવાર એક તરફથી બીજી તરફ જવા કહી રહ્યા હતા. ડાબે અને જમણે જવા માટેની વારંવારની સૂચના સાંભળીને પછી કરીના કંટાળી ગઈ હતી અને તેણે પોતાના ફુટવેઅર તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે ‘ક્યારેક અહીં, ક્યારેક ત્યાં... હીલ્સ પહેરી છે.’
દાયરાના ટ્રેલર-લૉન્ચમાં કરીનાએ પુરુષોને સંવેદનશીલ બનવાની સલાહ આપી
કરીના કપૂર તેની આગામી ફિલ્મ ‘દાયરા’માં પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. ગઈ કાલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં કરીનાએ સલાહ આપતાં કહ્યું હતું કે પુરુષો અને છોકરાઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં શીખવું જોઈએ.
પુરુષોને ઇમોશનલ બનવાનું કહેતી વખતે કરીનાએ કહ્યું હતું કે ‘પુરુષોએ પોતાની લાગણીઓ વિશે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને પોતાના સંવેદનશીલ પક્ષને લઈને સહજ રહેવું જોઈએ. સંવેદનશીલ હોવું માત્ર મહિલાઓ પૂરતું જ મર્યાદિત નથી. ભલે ઘણી વાર મહિલાઓને વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, પણ પુરુષો અને છોકરાઓએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં અને જીવનના પડકારોનો ખુલ્લેઆમ સામનો કરવામાં સહજ અનુભવવું જોઈએ. હું મારા દીકરાઓ તૈમુર અને જેહને પોતાની લાગણીઓને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરું છે. જો પુરુષોને રડવું આવે તો એમાં કંઈ ખોટું નથી.’