20 April, 2025 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરનો એક ઇન્ટરવ્યુ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે પિરિયડ્સ દરમ્યાન છોકરીઓને થતા મૂડ-સ્વિંગની મજાક ઉડાડતા લોકોની આકરી ટીકા કરી છે. જાહ્નવીએ કહ્યું છે કે ‘પિરિયડ્સ દરમ્યાન થતો દુખાવો દરેક મહિલાને અલગ-અલગ રીતે પ્રભાવિત કરે છે અને કેટલાક પુરુષો આને સમસ્યા જ નથી સમજતા અને એના તરફ ધ્યાન નથી આપતા, પણ જો પુરુષોને આવો જ દુખાવો થાય તો તેઓ એને સહન નહીં કરી શકે.’
પોતાના ઇન્ટરવ્યુમાં જાહ્નવીએ કહ્યું કે ઘણા પુરુષો મહિલાઓની લાગણીની અવગણના કરવા માટે પિરિયડ્સના મૂડ-સ્વિંગનું બહાનું આગળ ધરતા હોય છે. તેણે કહ્યું કે ‘જો મને કોઈ વાતનું ખરાબ લાગ્યું હોય અને હું ઝઘડો કરું કે મારી વાત રજૂ કરવાનો પ્રયાસ કરું તો તમે તરત વાત કાપીને કહો છો કે ‘લાગે છે આ પિરિયડ્સનો સમય છે?’ જો તમે ખરેખર આ બાબતે સહાનુભૂતિ દર્શાવતા હો તો તમારે એક મિનિટ ધીરજ રાખીને વાત સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે મોટા ભાગના કિસ્સામાં અમને આ એક મિનિટની જ જરૂર હોય છે, કારણ કે અમે હૉર્મોનની જે ઊથલપાથલમાંથી પસાર થઈ રહ્યાં હોઈએ છીએ એ બહુ મુશ્કેલ હોય છે. જોકે કેટલાક લોકો આ સ્થિતિને ખાસ મહત્ત્વ નથી આપતા. જોકે મને ખાતરી છે કે એ પુરુષો આ તકલીફ અને મૂડ-સ્વિંગને એક મિનિટ પણ સહન નહીં કરી શકે. જો પુરુષોને પિરિયડ્સ આવતા હોત તો ખબર નહીં કયું પરમાણુ યુદ્ધ ફાટ્યું હોત.’