17 December, 2025 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ
અક્ષય ખન્ના, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ `ધુરંધર` હાલ ખૂબ જ ચર્ચામાં છે, આ ફિલ્મમાં એક એક્ટર એવો પણ છે જેનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ ઓછી મિનિટોનો છે, પણ તેનું એ પાત્ર ખૂબ જ મહત્ત્વનું છે એની સાથે જ તે સ્ટોરી ફિલ્મના સીન પ્રમાણે પણ ખૂબ જ મહત્ત્વનું છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ `ધુરંધર`માં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્નાના કામના તો વખાણ થઈ જ રહ્યા છે, પણ સાથે ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં આવેલા અનેક એવા એક્ટર્સના વખાણ થઈ રહ્યા છે જેમણે ભલે અમૂક જ મિનિટનો સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યો હોય પણ તેમણે ઑડયન્સ પર એક ઊંડી છાપ છોડી છે. આવું જ એક પાત્ર એટલે રેહમાન ડકૈતનો મોટો દીકરો નઈમ બલોચ. નઈમ બલોચ એ જ કડી છે, જે અક્ષય ખન્નાના કૅરેક્ટર અને રણવીર સિંહના પાત્ર હમજાને જોડે છે.
નઈમ બલોચનું પાત્ર ફિલ્મની સ્ટોરી માટે એક ટર્નિંગ પૉઈન્ટ છે. જો કે, ફિલ્મમાં આ કેરેક્ટરનો સ્ક્રીન ટાઈમ થોડીક મિનિટોનો જ છે. આ પાત્રનું મોત થઈ જાય છે. જો તમે ફિલ્મ જોઈ છે તો તમને ખ્યાલ આવશે કે આ પાત્ર કેમ જરૂરી છે. નઈમ બલોચનું પાત્ર ભજવનાર એક્ટરનું નામ હિતુલ પુજારા છે. હિતુલ પુજારા મૂળ અમદાવાદનો છે. તે `ધુરંધર` પહેલા પણ અનેક પ્રૉજેક્ટમાં કામ કરી ચૂક્યો છે.
હિતુલ પુજારા ટૂંક સમયમાં મોજે દરિયા નામની ગુજરાતી ફિલ્મમાં ટૂંક સમયમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તેમાં અનોખા પાભો અને દરિયા જેવી મોજ જોવા મળશે. ફિલ્મમાં માનવ ગોહિલ જેવા મોટા કલાકારોની સાથે કેટલાક નવોદિતો પણ જોવા મળશે.
હિતુલ પુજારાએ આ પહેલા પણ અનેક ટેલીવિઝન સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. હિતુલ પૂજારાએ "પુષ્પા ઇમ્પોસિબલ," "ગુટરગું," અને "ક્રાઇમ આજ કલ" જેવા શોમાં કામ કર્યું છે. "ધુરંધર" તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, જેમાં તેણે રણવીર સિંહ અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર રણવીર સાથેના ઘણા ફોટા શેર કર્યા છે, જેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
હિતુલ પુજારાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે નઈમ તરીકે દેખાય છે. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેમના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. પહેલા હપ્તાએ માત્ર નવ દિવસમાં વિશ્વભરના બૉક્સ ઑફિસ પર ₹446.25 કરોડની કમાણી કરીને દિલ જીતી લીધા છે. આ જબરદસ્ત સફળતા વચ્ચે, ઘણા ચાહકો હવે બીજા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. `ધુરંધર`નો બીજો હપ્તો 19 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થવાનો છે.