Entertainment Updates: રણદીપ હૂડાને હરિયાણાના મુખ્ય પ્રધાન તરફથી ગિફ્ટમાં મળી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા

22 May, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: પુશ-અપ્સ કરતાં-કરતાં માણી રહ્યો છે અનિલ કપૂર વેકેશન; મોહનલાલના બર્થ-ડે પર દૃશ્યમ 3નું શૂટિંગ શરૂ અને વધુ સમાચાર

રણદીપે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ મુલાકાતની કેટલીક તસવીરો શૅર કરી હતી

રણદીપ હૂડા તાજેતરમાં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીને મળ્યો હતો. આ મુલાકાત દરમ્યાન મુખ્ય પ્રધાને તેને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા ભેટસ્વરૂપે અર્પણ કરી હતી. રણદીપે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ મુલાકાતની કેટલીક તસવીરો શૅર કરી હતી અને આ માટે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. રણદીપે લખ્યું કે હરિયાણાની માટી, ભાષા અને સંસ્કૃતિને પોતાના વ્યક્તિત્વ અને કામ દ્વારા દુનિયાભરમાં પહોંચાડવાં એ મારા માટે ગૌરવની બાબત છે. રણદીપે મુખ્ય પ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની સાદગી અને સૌને સાથે લઈને ચાલવાની રીત તેમની લોકપ્રિયતાનું પ્રતીક છે. રણદીપે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નાયબ સિંહ સૈની નેતૃત્વ હેઠળ હરિયાણા વધુ પ્રગતિ કરશે.

પૈચાન કૌન?

શબાના આઝમીએ હાલમાં પોતાના બાળપણની એક રૅર તસવીર શૅર કરીને જૂની યાદોને તાજી કરી છે. આ બ્લૅક એન્ડ વાઇટ તસવીર ૧૯૫૫ની હોવાનું જણાવવામાં આવ્યું છે. તસવીરમાં નાની શબાના અન્ય બાળકો સાથે બેઠેલી જોવા મળે છે અને બધા જ કૅમેરા સામે ખુશીથી સ્મિત કરતા દેખાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ તસવીર શૅર કરતાં શબાનાએ લખ્યું છે, ‘આ તસવીર મને સજ્જાદ ઝહીરની પૌત્રીએ મોકલી હતી. આ તસવીર અમે જ્યાં રહેતા હતા એે રેડ ફ્લૅગ હૉલના કમ્યુનમાં લેવામાં આવી હતી અને એ ૧૯૫૫ની છે.’ પોસ્ટમાં જેમનો ઉલ્લેખ કરાયો છે એ સજ્જાદ ઝહીર જાણીતા ઉર્દૂ લેખક હતા અને તેઓ રંગમંચનાં દિગ્ગજ કલાકાર નાદિરા બબ્બરના પિતા હતા.

કિઆરા અડવાણી વર્ષો પહેલાં લાગતી હતી આવી

કિઆરા અડવાણીનો સમાવેશ બૉલીવુડની લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાં થાય છે. હાલમાં કિઆરાની કેટલીક જૂની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે જેમાં તે ઘણી અલગ લાગે છે. કિઆરાની આ તસવીરો સામે આવતાં ઝડપથી વાઇરલ થઈ ગઈ છે. આ તસવીરો જોઇને કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે કિઆરાનો અત્યારનો લુક કૉસ્મેટિક સર્જરીનું પરિણામ છે તો કેટલાક લોકોને લાગે છે કે સમયની સાથે કુદરતી રીતે તેના લુકમાં ફેરફાર આવ્યો છે.

પુશ-અપ્સ કરતાં-કરતાં માણી રહ્યો છે અનિલ કપૂર વેકેશન

અનિલ કપૂરની વય હાલમાં ૬૯ છે પણ તેણે આજે પણ આકરી મહેનત કરીને પોતાની ફિટનેસ જાળવી રાખી છે. હાલમાં અનિલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે વેકેશન દરમ્યાન પણ ભારે મહેનત સાથે પુશ-અપ્સ કરતો નજરે પડે છે. અનિલે આ વિડિયો શૅર કરીને કૅપ્શન લખી છે કે હું આ રીતે વેકેશન માણું છું. આ વિડિયોમાં અનિલ પ્રાકૃતિક વાતાવરણમાં પ્રકૃતિના સુંદર નજારાઓ વચ્ચે ઇન્ટેન્સ પુશ-અપ્સ કરતો દેખાઈ રહ્યો છે.

મોહનલાલના બર્થ-ડે પર દૃશ્યમ 3નું શૂટિંગ શરૂ

મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલની ગઈ કાલે ૬૬મી વર્ષગાંઠ હતી અને ગઈ કાલે જ તેમની ફિલ્મ ‘દૃશ્યમ 3’ના શૂટિંગનો પહેલો દિવસ હતો. આ બન્ને પ્રસંગની ઉજવણી સેટ પર કેક કાપીને કરવામાં આવી હતી.

તુલસી અને અનુપમા વસુધા સામે હારી

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઇન્ડિયા દ્વારા ૧૯મા અઠવાડિયાનો ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ જાહેર થયો છે જેમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ને ફરી એક વાર નંબર વન સ્થાન મેળવવામાં નિષ્ફળતા મળી છે. TRP ચાર્ટમાં સૌથી ઉપર ‘વસુધા’ છે, જેને ૧.૮ રેટિંગ સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. એની પાછળ ૧.૭ રેટિંગ સાથે ‘ગંગા માઈ કી બેટિયાં’ બીજા સ્થાને છે અને એણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્મૃતિ ઈરાનીને તુલસી તરીકે ચમકાવતો શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ૧.૬ રેટિંગ સાથે ત્રીજા સ્થાને રહ્યો, જોકે ૧૯મા અઠવાડિયામાં એના રેટિંગમાં થોડો ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદ ૧.૬ રેટિંગ સાથે ‘તુમ સે તુમ તક’ ચોથા સ્થાને છે. ટૉપ ફાઇવની યાદીમાં રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય શો ‘અનુપમા’ પણ ૧.૫ રેટિંગ સાથે સામેલ રહ્યો હતો.

entertainment news bollywood bollywood news haryana randeep hooda anil kapoor social media shabana azmi kiara advani mohanlal drishyam happy birthday