23 September, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના અને અભિષેક પાઠક
ગયા વર્ષે અક્ષય ખન્નાએ અચાનક ફિલ્મ ‘દૃશ્યમ 3 : ધ કન્ક્લુઝન’ છોડી દેતાં ફિલ્મઉદ્યોગમાં ભારે ચર્ચા ઊભી થઈ હતી. આ નિર્ણયને લઈને અનેક લોકોએ અક્ષયના વલણની ટીકા કરી હતી. ફિલ્મના ડિરેક્ટર અભિષેક પાઠકને પણ તેનો આ નિર્ણય સંપૂર્ણપણે અનપ્રોફેશનલ લાગ્યો હતો. હવે ફિલ્મના પ્રમોશન દરમ્યાન અભિષેક પાઠકે ફરી એક વાર આ સમગ્ર ઘટનાક્રમ વિશે ખુલ્લેઆમ વાત કરી અને જણાવ્યું કે અક્ષય ખન્નાના અચાનક બહાર નીકળી જવાથી ફિલ્મના પ્રોડક્શન પર મોટી અસર પડી હતી અને ૨૦૦ લોકોની ટીમ અટવાઈ ગઈ હતી અને છેલ્લી ઘડીએ વાર્તામાં પણ ફેરફાર કરવો પડ્યો હતો.
અક્ષય ખન્નાએ ફિલ્મ છોડી દેતાં સર્જાયેલી કટોકટી વિશે વાત કરતાં અભિષેક પાઠકે કહ્યું હતું કે ‘ફિલ્મનું લગભગ આખું પ્રી-પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું હતું અને માત્ર એક અઠવાડિયા પછી શૂટિંગ શરૂ થવાનું હતું. એ જ સમયે અક્ષય ખન્નાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો. જો કોઈ કલાકાર પ્રોડક્શન શરૂ થતાં પહેલાં આવું કરે તો અનેક પડકારો ઊભા થાય છે. મારા માટે આ મોટો ઝટકો હતો. લગભગ ૨૦૦ લોકોની ટીમ આ ફિલ્મ પર નિર્ભર હતી. આવી સ્થિતિમાં મેં પછી અજય દેવગન સાથે ચર્ચા કરી અને તેની સલાહ બાદ વાર્તામાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા. અમારે અક્ષય ખન્નાના પાત્રને સંપૂર્ણપણે બદલીને નવું પાત્ર લાવવું પડ્યું. આ બધું માત્ર ૫-૬ દિવસની અંદર થયું. જ્યારે અમે જયદીપ અહલાવતને આ વિશે જણાવ્યું ત્યારે તેમણે પૂછ્યું કે કાસ્ટિંગ બદલાયું છે કે પાત્ર? મેં કહ્યું કે બન્ને બદલાયાં છે. ત્યાર બાદ તે પણ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગયો.’