20 May, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતાભ બચ્ચન
બિગ બી તરીકે જાણીતા મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને લઈને મંગળવારે એવા સમાચાર વહેતા થયા હતા કે તેઓને નાદુરસ્ત તબિયતને કારણે ૧૬મી મેથી હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા છે.આ પ્રકારના ન્યૂઝ ફેલાતાં જ ચાહકો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે આ વાત અફવા સાબિત થઈ છે. કેમકે અમિતાભ બચ્ચને મંગળવારે રાત્રે ટ્વિટ કરીને આ વાતને રદિયો આપ્યો છે અને પોતે સ્વસ્થ હોવાનો સંકેત પણ.
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના હોસ્પિટલાઇઝ્ડ થવાના વહેતા થયેલા ન્યૂઝમાં એવું કહેવાઈ રહ્યું હતું કે તેઓ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૮૩ વર્ષના અમિતાભ રૂટિન ચેકપ માટે નાણાવટી હોસ્પિટલમાં ગયા હતા. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેકપ થઈ ગયા બાદ તેઓ હોસ્પિટલમાંથી ઘરે પણ જતા રહ્યા હતા. અમિતાભ બચ્ચન દર મહિને હેલ્થ ચેકપ માટે જતાં જ હોય છે. એટલે આ વખતે પણ તેઓ ચેકપ માટે ગયા હતા ત્યારે તેઓને હોસ્પિટલમાં જતાં જોઈ તેઓ ત્યાં એડમિટ હોવાના ખોટા ન્યૂઝ સોશિયલ મીડિયા પર વહેવા લાગ્યા હતા. આ સમાચારથી તેમના ચાહકોને આંચકો તો લાગી જ ગયો હતો. પરંતુ હવે જે અહેવાલો મળી રહ્યા છે તે પ્રમાણે ગભરાવાની કોઈ જરૂર નથી.
બીજું કે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતે એકદમ સ્વસ્થ હોવાનો બીજો પણ પુરાવો સામે આવ્યો છે કે તેઓ શનિવારે હોસ્પિટલ જઇને રૂટિન ચેકપ કરાવી લીધા બાદ પોતે ઘરે આવી ગયા હતા અને બીજા જ દિવસે તેઓ પોતે `જલસા`થી `જનક` સુધી કાર ડ્રાઈવ કરતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભજી એકદમ ફિટ એન્ડ ફાઇન છે. તેઓ ઘરે જ છે અને ચિંતાનું કોઈ કારણ નથી.
પોતાની હોસ્પિટલાઇઝ્ડ થયાની વાત પર જાણે બિગ બીએ (Amitabh Bachchan) પોતે જ રદિયો આપ્યો હોય એમ તેઓએ મંગળવારે મોડી રાત્રે પોતાના બ્લોગ પર પોસ્ટ મૂકી હતી. તેમાં તેઓએ લખ્યું હતું કે, "ચીલ જબ હોવે શાંત તો ભૈય્યા, તોતે બોલન સુરુ કરે. ઇર બીર ફત્તે, કહન, ચલ હમઉ, પિલાવે સુરુ કરે! બાજરે દી રોટી ખા દી, ફૂ પડિયોં દા, સાગ રે, મુંહ મેં ડાલન લાગે જૈસે, બોલન લાગે કાગ રે!, એક રહે `હિલ` ભૈયા કિ પઢાઈ કા દર્પણ; ઔ દૂસર વિલિંગ્ટન કી યાદ!!"
અમિતાભજી (Amitabh Bachchan)ના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેઓ હાલમાં કલ્કી 2898 એડીની સિક્વલનું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે અગાઉ કમલ હાસન સાથે તેમના શૂટિંગની ઝલક પણ આપણને બતાવી જ હતી. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે. હજી સુધી કોઈ રિલીઝ ડેટ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રોડ્યુસર્સ ડિસેમ્બર 2027માં થિયેટરમાં આ ફિલ્મને રિલીઝ કરી શકે એમ છે.