જૈન ધર્મનું પર્યુષણ પર્વ હવે થોડાક જ દિવસોમાં આવી રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ પર્યુષણ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ શહેરમાં પણ વિવિધ પરાં વિસ્તારોમાં આ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ૨૮મી વ્યાખ્યાનમાળા યોજાશે. આ વ્યાખ્યાનો નાણાવટી ઑડિટોરિયમ, ડૉ બાલાભાઈ નાણાવટી હોસ્પિટલ, એસ. વી. રોડ, વિલેપાર્લે (પ) ખાતે યોજાશે. દરરોજ રાત્રે 8.00થી 9.00 દરમ્યાન ભક્તિ સંગીતનો પણ કાર્યક્રમ છે ત્યારબાદ વિવિધ વક્તાઓ પોતાના પ્રવચનો 9.00થી 10,00 દરમ્યાન રજૂ કરશે. આ સમગ્ર વ્યાખ્યાન માળા વિશે ભારતી શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે માહિતી શૅર કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૩ વર્ષથી આશાદીપ ટ્રસ્ટની બહેનો નિયમિતરૂપે ડૉ. બાલાભાઈ નાણાવટી હોસ્પિટલમાં સેવા પ્રવૃત્તિ કરે છે. આજના મોંઘવારીના જમાનામાં ગરીબ કે મધ્યમ વર્ગના માનવી સામે હાર્ટ, કેન્સર, કીડની કે ઓરગન ટ્રાન્સપ્લાન્ટ જેવી બીમારીઓ રાક્ષસ બનીને ઉભી રહે ત્યારે તે માનવી ડગી જતો હોય છે પણ આ જ લોકોમાં આશાનો દીવડો પ્રજ્વલિત કરવાનું કામ કરે છે આ ટ્રસ્ટ. ઉપરાંત સોનામાં સુગંધ ભળે એમ આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં આગળ વધતા રહે અને તેમના પરિવારની ભવિષ્યમાં જવાબદારી ઉપાડી શકે તે હેતુથી દર વર્ષે સ્કૂલ ફી આપવામાં આવે છે.
09 September, 2023 12:24 IST | Mumbai | Dharmik Parmar