23 November, 2026 06:14 PM IST | Mumbai | Varsha Chitaliya
ફિલ્મ રામાયણમાં અને રોહિત શર્મા સાથે ઍડમાં હૃદાંશ પારેખ
મુલુંડમાં રહેતો ૧૧ વર્ષનો હૃદાંશ પારેખ રામાયણમાં ભગવાન શ્રી રામના નાના ભાઈ શત્રુઘ્નના બાળપણના રોલમાં જોવા મળે છે અને તાજેતરમાં રિલીઝ થયેલી લિટલ થૉમસમાં તે લીડ રોલમાં હતો. ટોચના ક્રિકેટરો અને ઍક્ટરો સાથે અનેક ઍડ્સમાં પણ કામ કરી ચૂક્યો છે
ટીવી-સ્ક્રીન પર ઓરિઓ બિસ્કિટની ઍડમાં રોહિત શર્મા સાથે સંવાદ કરતા ક્યુટ બૉયને તો તમે જોયો જ હશે. જાહેરખબરની દુનિયામાં ટોચના ક્રિકેટરો સાથે કામ કરી ચૂકેલો અને ‘છાવા’માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાના પુત્ર શાહુ રાજેની ભૂમિકામાં જોવા મળેલા મુલુંડના ચાઇલ્ડ આર્ટિસ્ટ હૃદાંશ પારેખે તાજેતરમાં રિલીઝ થયેલી ‘લિટલ થૉમસ’માં લીડ રોલ ભજવીને આખી ફિલ્મ પોતાના ખભા પર ખેંચી લીધી છે. હવે તે ‘રામાયણ’માં પ્રભુ શ્રી રામના નાના ભાઈ શત્રુઘ્નના બાળપણના રોલમાં ચમક્યો છે.
નૅચરલ ઍન્ડ સિલેક્ટિવ
મુલુંડના શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરમાં સાતમા ધોરણમાં ભણતો હૃદાંશ આટલી નાની ઉંમરે ફુલ કૉન્ફિડન્સ સાથે કહે છે, ‘ઍક્ટિંગ કરવી ગમે છે, પરંતુ રોલ પસંદ કરતી વખતે હું સિલેક્ટિવ રહું છું; કારણ કે સ્ટડી મારી પ્રાયોરિટી છે. શૂટિંગ કે ઑડિશન માટે પૂર્વતૈયારી નથી કરતો, બસ કૅમેરા સામે એકદમ નૅચરલ રહેવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક મનમાં થાય કે આ રોલ મને મળી જાય તો કેટલું સારું. ‘લિટલ થૉમસ’ના ઑડિશન માટે ગયો ત્યારે ૮૦૦ જેટલાં બાળકો જોઈને લાગ્યું હતું કે આમાં મારો ચાન્સ નહીં લાગે, પણ હું મહેનત કરીને છેલ્લે સુધી ટકી રહ્યો અને ટૉપ-૩માં મારું સિલેક્શન થયું. ત્યાર બાદ ૩ મહિના સુધી ચાલેલી ઍક્ટિંગ વર્કશૉપમાં ડાયલૉગ-ડિલિવરી કઈ રીતે કરવી એ શીખ્યો. ‘રામાયણ’માં ભગવાન શ્રી રામ અને તેમના ભાઈઓ ગુરુકુલમાં ભણવા જાય છે એ સમયનો મારો રોલ છે. હાથમાં તીર-કામઠું પકડીને શૂટ કરવાની મજા પડતી હતી.’
મમ્મી, પપ્પા અને ભાઈ સાથે અને ફિલ્મ તરલામાં હૃદાંશ પારેખ
શરૂઆત કઈ રીતે થઈ?
હૃદાંશનાં મમ્મી શીતલ પારેખ કહે છે, ‘અમને આ ફીલ્ડનું કોઈ નૉલેજ નહોતું કે ન તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખાણ હતી. કોવિડ વખતે કેટલાક લોકોએ અમને કહ્યું કે હૃદાંશ દેખાવમાં ક્યુટ છે તો તેને એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં મોકલવો જોઈએ. અમે મોબાઇલ સ્ક્રોલ કરીને માહિતી મેળવવાનું શરૂ કર્યું. એક કો-ઑર્ડિનેટરના સંપર્કમાં આવ્યા અને ફોટોઝ શૅર કર્યા પછી ૧૦ દિવસમાં તેને લાઇફબૉયની ઍડ મળી. ત્યાર બાદ ટાઇડ અને ઍમૅઝૉન ઍલેક્સાની ઍડ્સ મળી. ‘લિટલ થૉમસ’ ફિલ્મ માટે જ્યારે ઑડિશન ચાલતાં હતાં ત્યારે હૃદાંશ ૮ વર્ષનો હતો. તેની પસંદગી તેના હાર્ડ વર્ક અને ટૅલન્ટને આભારી છે. આગળના રાઉન્ડમાં જે બાળકો શૉર્ટલિસ્ટ થયાં હતાં તેમની મમ્મીઓનું એક ગ્રુપ બની ગયું હતું. રોજ એ ગ્રુપમાં ચર્ચા થતી કે આ રોલ કોણ ક્રૅક કરશે? એ સમયે ઘણું પ્રેશર હતું, પણ હૃદાંશ સિલેક્ટ થઈ ગયો. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું અને અલગ-અલગ ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં એનું સ્ક્રીનિંગ થયું ત્યારે ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકોની તેના પર નજર પડી. તેના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને સેલિબ્રિટીઝ સાથે ઍડ્સ કરવાની અને ‘છાવા’ તેમ જ ‘રામાયણ’ જેવા મેગા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી. હૃદાંશ શૂટિંગના એક્સપોઝર અને સેટ પરના અનુભવોથી શીખે છે. તેની શૉર્ટ ફિલ્મ ‘ગુદગુદી’ પણ ઘણા બધા ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં ટ્રાવેલ કરી ચૂકી છે.’
અક્ષયકુમાર સાથે ઍડમાં ફિલ્મ લિટલ થૉમસમાં અને છાવામાં વિકી કૌશલ સાથે હૃદાંશ પારેખ
અપકમિંગ પ્રોજેક્ટ્સ
હૃદાંશના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં શીતલ કહે છે, ‘તે ‘ઉલ્કાપિંડ’ નામની રસપ્રદ ઍનિમેટેડ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા પૃથ્વીને બચાવવા પર આધારિત છે. પૃથ્વી તરફ એક મોટો ઉલ્કાપિંડ આવી રહ્યો છે અને એને કઈ રીતે રોકીને પૃથ્વીને વિનાશથી બચાવવામાં આવે છે એ ખૂબ જ રોમાંચક અંદાજમાં આ ફિલ્મમાં કંડારવામાં આવ્યું છે. આ સિવાય ઘણી બધી બ્રૅન્ડ્સની ઍડ્સ, શૉર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મો લાઇન-અપમાં છે. જોકે પરીક્ષાના દિવસોમાં તે શૂટિંગ નથી કરતો. સેટ પર બુક્સ લઈને જાય છે અને બ્રેકમાં ભણી લે છે. ફિલ્મમેકર્સ નાનાં બાળકો માટે અભ્યાસ પ્રાથમિકતા છે એ સમજીને શેડ્યુલ ઍડ્જસ્ટ કરી આપે છે.’
મૂળ જૂનાગઢના કચ્છી સોરઠ જૈન સમાજના હૃદાંશના પપ્પા વિરલ પારેખ બિઝનેસમૅન છે. શીતલ હાઉસમેકર અને ટ્યુશન-ટીચર છે. તેને એક મોટો ભાઈ છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. આગળ જઈને હૃદાંશને ઍક્ટિંગમાં કરીઅર બનાવવી છે કે અન્ય કોઈ ક્ષેત્રમાં એ હજી નક્કી નથી, કારણ કે અત્યારે તેનું ફોકસ ભણવા પર છે. ફિલ્મો સિવાય હૃદાંશને ફુટબૉલ રમવાનો શોખ છે. ચહેરાની માસૂમિયત અને નૅચરલ ટૅલન્ટના જોરે આ કચ્છી બૉય ઍક્ટિંગમાં પોતાનો સિક્કો જમાવી રહ્યો છે.