24 June, 2023 02:45 PM IST | Mumbai | Jigisha Jain
મુંબઈમાં હ્યુમન કનેક્શન નથી? એ વાતમાં કેટલો દમ છે?
હાલમાં મનોજ બાજપાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મુંબઈ શહેરમાં દરેક વ્યક્તિ અતિ વ્યસ્ત છે. બિહાર અને દિલ્હીમાં જે હ્યુમન કનેક્શન જોવા મળે છે એ અહીં નથી. અહીં તમે પ્રોડક્ટિવ છો તો જ તમે કામના છો. એનો અર્થ એ કે આ શહેર વૃદ્ધો અને બાળકો માટે નથી. એટલે મને મારા રિટાયરમેન્ટમાં અહીં રહેવું નથી. હું મુંબઈ છોડીને પહાડો પર વસવા જતો રહીશ.’ આ વાતમાં કેટલું તથ્ય છે એ જાણવા જિગીષા જૈને મુંબઈમાં જ જન્મેલા અને ઊછરેલા મુંબઈગરાઓને પૂછ્યું અને શું જાણવા મળ્યું એ વાંચો
એ વાત સાચી કે પહેલાં જેવો પાડોશી ધર્મ હવે કોઈ નથી નિભાવતા. ગુજરાતી કૉલોનીઓમાં પણ વાટકી વહેવાર તો હવે બંધ થતા જાય છે. પહેલાં જેવી હૂંફ નથી રહી. ધીમે-ધીમે માણસ ભીડમાં પણ એકલો બનતો જાય છે. મુંબઈમાં કામ અને પૈસો ખૂબ-ખૂબ મહત્ત્વના છે એની ના નહીં. માણસે ટકવા માટે, આગળ વધવા માટે હંમેશાં સતત કામ કરતા જ રહેવું પડે છે. એને કારણે જ અહીં સતત લોકો ભાગી રહ્યા છે. અહીં જીવવું સહેલું નથી. મજાની વાત એ છે કે અહીં દરેક વ્યક્તિ એકલતા અનુભવે છે પણ જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની એકલતા દૂર કરવા માટે મળવા માગે તો એ સમયે એ બિઝી હોય છે. સમયનું કો-ઑર્ડિનેશન આ શહેરમાં ખૂબ અઘરું છે. નાનાં શહેરોમાં મહત્ત્વાકાંક્ષાઓ પણ નાની હોય. બિઝનેસમાં મહિને ૫૦ હજાર કમાતા હોય તો હવે ક્યારે લાખ કમાવા માંડીશું એનાં સપનાં એમને ઓછાં પજવતાં હોય છે. અહીં એવું નથી. આજની તારીખે લોકોને લગ્નમાં આમંત્રણ આપીએ. ત્રણથી ચાર ફંક્શનમાં આવવાનું આમંત્રણ હોવા છતાં એકાદ ફંક્શનમાં હાજરી આપી વ્યક્તિ ટૂંકાવતી હોય છે. એ જ સમયે એ જ વ્યક્તિ રજા લઈને લોનાવલા બે દિવસ ફરી આવશે પણ સામાજિક વહેવારોમાં, મળવામાં લોકોને રસ ઓછો થઈ ગયો છે. હ્યુમન કનેક્શન છે પણ એનું રૂપ બદલાયેલું છે. એવું એટલા માટે કહી શકાય, કારણ કે મુંબઈ એકમાત્ર શહેર એવું હશે જ્યાં તમને કામ કરવા માટે ઓળખાણોની જરૂર નથી પડતી. વગર ઓળખાણે પણ લોકો તમને મદદ કરી આપે છે જે પોતાનામાં એક મોટો ગુણ છે. માણસ માણસની પૂરી કદર કરે છે. હંમેશાં કરે છે. બસ, ચોવટ કરવા માટે સમય નથી. મારા ખ્યાલથી આ શહેરની એ ખાસિયત છે.
મને નથી લાગતું કે અહીં કોઈ પ્રકારની શુષ્કતા છે - અતીન શાહ, વસઈ, બિઝનેસમૅન, ૫૭ વર્ષ
મુંબઈ પર આવેલી અનેક આપત્તિઓને નજીકથી જોશો તો સમજાશે અહીંનું હ્યુમન કનેક્શન. ૨૬ જુલાઈમાં જ્યારે મુંબઈમાં પૂર આવેલું ત્યારે કમર સુધીનાં પાણી ભરાઈ ગયાં હતાં. હું અને મારા મોટાભાઈ સાંતાક્રુઝથી વિલે પાર્લે ચાલતા જતા હતા. ત્યારે રોડના કિનારે થોડી ઊંચાઈ પરની દુકાનો અને ઘરોમાં રહેતા લોકો અજાણ્યા લોકોને ખાવાનું અને પાણીની બૉટલો ભેરીને આપતા હતા. એમને ખબર હતી કે આવતા બે દિવસ સુધી એમની પાસે બિલકુલ પાણી નહીં હોય તો પણ સાવ અજાણ્યા માણસને અપાતી પાણીની બૉટલ એ છે હ્યુમન કનેક્શન. કોરોનામાં જ્યારે ઘરથી બહાર નીકળવાનું જ નહોતું ત્યારે જીવને જોખમમાં મૂકીને એકબીજાની મદદે દોડનારી પ્રજાએ દેખાડેલું એમનું હ્યુમન કનેક્શન. એ વાત સાચી કે મુંબઈમાં બધા વ્યસ્ત છે પણ એ વ્યસ્તતામાં પણ એમની માણસાઈ મરી નથી પરવારી. એક મુંબઈવાસી બીજા મુંબઈવાસીના ખરાબ સમયમાં હંમેશાં મદદ કરે છે, સાથે રહે છે. ભલે એ એકબીજાને ઓળખતા પણ ન હોય છતાં મદદ કરે છે. સ્ટેશનથી બહાર નીકળો અને રિક્ષાની મારામારી હોય ત્યારે અજાણ્યા બે લોકો એકબીજા સાથે વાત કરીને શૅરિંગ ઑટો જાતે કરી લેતા હોય છે. હું આ તરફ જાઉં છું, તમારે જવું હોય તો તમે પણ બેસી જાઓ કહીને લિફ્ટ પણ આપી દેતા હોય છે. આ છે આ શહેરનો હ્યુમન ટચ અને એનું કનેક્શન. મને નથી લાગતું કે અહીં કોઈ શુષ્કતા છે. અહીં તમને આપવા માટે કલાકોનો સમય ભલે લોકો પાસે નથી પણ તમારી જરૂરિયાત વગર કહ્યે તમારી સાથે ઊભા રહેવાની માણસાઈ દરેકમાં છે.
મુંબઈ વૃદ્ધોને પણ એક ઍક્ટિવ લાઇફ આપે છે - મયંક દત્તાણી, કાંદિવલી, બિઝનેસમૅન, ૪૭ વર્ષ
હું એ માનવા તૈયાર નથી કે તમે વૃદ્ધ હો તો મુંબઈ તમારા માટે નથી. પણ વૃદ્ધત્વની નવી દિશા મુંબઈ તમારા માટે ખોલે છે. બીજાં શહેરોમાં વૃદ્ધ થવું કે રિટાયર્ડ જીવન એટલે આરામ કરવાનું જીવન. મુંબઈમાં વૃદ્ધો ખૂબ ઍક્ટિવ છે. દરેક એરિયામાં સિનિયર સિટિઝનોનાં ગ્રુપ્સ હોય, એમની જુદી-જુદી ઍક્ટિવિટી ચાલુ જ હોય. એક વૃદ્ધા અહીં ઘરઘરાઉ ફરસાણનો કે ટિફિનનો બિઝનેસ કરતી જોવા મળે છે તો કોઈ દુકાનદાર ગમે તેટલો વૃદ્ધ થાય પણ બિઝનેસ કરતો જ હોય છે. મુંબઈનો વૃદ્ધ પહેલાં કરતાં ઓછું કામ કરશે પણ સાવ ફ્રી નહીં જ રહે એની ગૅરન્ટી. આમ મુંબઈ વૃદ્ધોને એક ઍક્ટિવ લાઇફ આપે છે. બીજું એ કે વૃદ્ધ થયા પછી તમને અમુક પ્રકારની સવલતો જરૂરી છે. કરિયાણા, શાક, દવાઓ કે પૂજાનાં ફૂલ પણ અહીં ઘરે ડિલિવર થાય છે, ટેસ્ટ કરાવવી હોય તો લૅબવાળા ઘરે આવીને સૅમ્પલ લઈ જાય, રિપોર્ટ પણ ઑનલાઇન આવી જાય. આ સવલતો લાગે નાની, પણ વૃદ્ધો માટે ખૂબ જરૂરી હોય છે. મેડિકલ ફૅસિલિટીઝ અહીં ખૂબ સારી હોય છે. ભારતભરમાંથી જ નહીં, વિદેશોમાંથી લોકો ઇલાજ માટે મુંબઈ આવે છે. બધું જ ૨૪X૭ મળી રહે છે જેની સૌથી વધુ જરૂરિયાત વૃદ્ધોને હોય છે. નાનાં શહેરોમાં એ શક્ય નથી. મારા મતે મુંબઈની રિટાયર્ડ લાઇફ ઘણી પ્રોડક્ટિવ છે. એટલે હું તો અહીં જ રહેવા માગું છું.
કનેક્શન તો છે જ પણ બીજાં શહેરોમાં જેવું દેખાય છે એવું નથી - ફાલ્ગુની શાહ, કાંદિવલી, સમાજસેવિકા, ૫૦ વર્ષ
મુંબઈમાં કંઈ છે તો એ છે વસ્તી. માણસો. જ્યાં માણસો હોય ત્યાં માણસ-માણસ વચ્ચે કનેક્શન ન હોય એવું બને? જો કનેક્શન ન હોય તો એ એકબીજા સાથે કઈ રીતે રહી શકે? કનેક્શન તો છે જ અને એ પણ ખૂબ સ્ટ્રૉન્ગ છે પણ બીજાં શહેરોમાં જેવું દેખાય છે એવું નથી. બીજાં શહેરોમાં કે ગામમાં ચોરે ચાર જણ ભેગા થાય, અલક-મલકની વાતો કરે અને સમય વેડફે. અહીં પારકી પંચાતમાં કોઈને રસ નથી. કોઈની કૂથલી કરવાની કોઈને પડી નથી. જેમ કે મેટ્રોમાં તમે જતા હો અને તમે ખૂબ દુખી હો, રડી પડો તો હજારો લોકો વચ્ચે તમને કોઈ આવીને પૂછશે નહીં કે તમે કેમ રડો છો, શું થયું તમારી સાથે. પણ હા, તમને પોતાના પર્સમાંથી પાણીની બૉટલ કાઢીને પાણી જરૂર પીવડાવશે. ઇશારામાં પૂછી લેશે કે ઠીક છો? આ માણસાઈ છે. એક દુખી, રડતી વ્યક્તિને મુંબઈની ભીડ સ્પેસ અને સહારો બંને એકસાથે મળી રહે છે. આવું બીજાં શહેરોમાં થાય ત્યારે લોકો ઘેરી વળે અને પૂછી-પૂછીને ગંધ કાઢી નાખે કે શું થયું. એક અજાણી વ્યક્તિને કોઈ શું જવાબ આપવાનું? આ પંચાતને હું હ્યુમન કનેક્શન નથી ગણતી. અહીં લોકો પાસે ફાલતુ સમય નથી એ જ આ શહેરની વિશેષતા છે. મેં જોયું છે કે લોકલમાં જ્યારે છોકરી દોડીને ચડે ત્યારે અંદર ઊભેલી આન્ટીઓ એને મમ્મીની જેમ ખિજાય કે શું જરૂર હતી દોડીને ચડવાની. ખબર નથી પડતી? હવેથી આવું નહીં કરવાનું. વિચારો! આ આન્ટીઓને શું જરૂર આવું કહેવાની? તેમના આ ગુસ્સામાં માણસાઈ છે, કાળજી છે. મુંબઈમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિનું દુઃખ સમજે છે. બસની હડતાલ હોય, ટ્રેન કૅન્સલ થાય, પાણી ન આવ્યું હોય કે બે કલાકથી ટ્રાફિક જૅમમાં ફસાયેલા હોય કોઈ એકબીજા સાથે બથોડા લેતા નથી; કારણ કે બધા એક જ સરખી તકલીફોમાંથી પસાર થતા હોય છે. રોડ પર ઝઘડાઓ ભાગ્યે જ જોવા મળે. હ્યુમન એરર્સને અહીં મૂંગા મોઢે સમજી લેવામાં આવે છે. હું તો અહીં જ રહેવા માગું છું. આ શહેરના લોકોની સેવા કરવા માગું છું.