✕

રેડીમેડના જમાનામાં મા શક્તિના આ ઉપાસકોના ઘરે સ્થપાય છે જાતે જ શણગારેલા ગરબા

12 October, 2026 03:04 PM IST  |  Mumbai | Kajal Rampariya

માર્કેટમાં અત્યારે જોઈએ એવા કસ્ટમાઇઝ્ડ ગરબા મળી રહે છે; પણ પોતાના હાથે સજાવેલા ગરબામાં જે ભક્તિભાવ, પોતીકાપણું, આનંદ મળે અને જગતજનની શક્તિ સાથે કનેક્શન ફીલ થાય એની વાત જ અલગ હોય છે.

નવરાત્રિમાં પોતાના ઘરમાં ગરબો સ્થાપવા માટે આ માઈભક્તો જાતે જ એને પ્રેમથી શણગારે છે

નવરાત્રિ આવે એટલે ઘરમાં એક અલગ જ રોનક આવી જાય. ચણિયાચોળીનું મૅચિંગ, ગરબા રમવા જવાની એક્સાઇટમેન્ટ અને એમાંય સૌથી ખાસ એટલે માતાનું પ્રતીક ગણાતો માટીનો ગરબો. આજકાલ બજારમાં જઈએ એટલે અવનવા, તૈયાર સજાવેલા ગરબાનો અંબાર જોવા મળે; પણ બજારની એ ઝાકઝમાળ વચ્ચે જો ઘરમાં પોતાના હાથે જ નવરાત્રિનો ગરબો સજાવાય તો એમાં મા અંબા પ્રત્યેનો પ્રેમ અને અનોખો આનંદ જ ભળી જાય છે. બસ, આવા જ ક્રાફ્ટિંગ અને ભક્તિની જુગલબંદી મુંબઈનાં કેટલાંક ગુજરાતી ઘરોમાં જોવા મળી રહી છે. આદ્યશક્તિના ઉપાસકોએ રેડીમેડને બદલે હોમમેડ ગરબાનો રસ્તો અપનાવીને માટીના ઘડાને અદ્ભુત રૂપ આપ્યું છે. 

ગરબો સજાવવામાં મા અંબાની ભ‌ક્તિનો જે આનંદ મળે  એ અપરંપાર છે : બિજલ તન્ના

મુલુંડમાં રહેતાં ૩૬ વર્ષનાં બિજલ તન્ના હાઉસવાઇફ છે. નવરાત્રિમાં તેમના ગરબા ડેકોરેશન પ્રત્યેના શોખ વિશે જણાવતાં બિજલબહેન કહે છે, ‘હું ૧૦-૧૨ વર્ષની હોઈશ ત્યારથી જ ગરબા ડેકોરેટ કેવી રીતે થાય એ જોતી આવી છું, કારણ કે મારાં ફોઈ આ કામ કરે છે. ફોઈને હું મદદ કરાવવા પણ જતી. આ જોઈને મને પણ થયું કે લાવને, હું પણ મારો હાથ અજમાવું. બજારમાંથી તો ગમે ત્યારે ગરબો લાવી શકાય, પણ કલાકો સુધી બેસીને પોતાના હાથે કલરકામ કરવું અને ગરબો સજાવવો એમાં મા અંબાની સેવાનો જે આનંદ મળે છે એ ક્યાંય નથી. અત્યારે માર્કેટમાં પર્લ અને પેસ્ટલ કલર્સની બોલબાલા છે; પણ મને લાલ, પીળા, લીલા, ગોલ્ડન અને વાઇટ જેવા ટ્રેડિશનલ કલર્સ બહુ ગમે એટલે એ જ થીમ રાખી છે. માતાજીનો ગરબો જેટલો ટ્રેડિશનલ હોય એટલો સારો લાગે. મને પર્સનલી એમાં મૉડર્નાઇઝેશન ગમે નહીં. આ વખતે તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં મેં પોતાના ઘર માટે, નણંદ માટે અને રિલેટિવ્સના ઘર માટે પચીસ જેટલા ગરબા જાતે જ ડેકોરેટ કરી નાખ્યા છે. હું અમારી સોસાયટીમાં પણ માતાજીની ગરબી થાય છે ત્યાં એક ગરબો રાખું છું. મારો ગરબો અને માતાજીનો ગરબો હું સેમ જ કલરનો બનાવું. પૅટર્નમાં ફક્ત ૧૯-૨૦નો ફરક હોય છે. હવે તો મને જોઈને મારી ૧૦ વર્ષની દીકરી પણ ગરબા ડેકોરેશનમાં રસ દેખાડી રહી છે. હું જ્યારે ડેકોરેશન માટે બેઠી હોઉં ત્યારે તે પણ નાનો ગરબો લઈને બેસી જાય. કલરકામથી લઈને સ્ટોન ચિપકાવવાનું કામ તે જાતે કરી લે. મારાં ફોઈની કલાનો મારા પર તો પ્રભાવ રહ્યો જ છે અને હવે એ મારી દીકરીને ટ્રાન્સફર થઈ રહ્યો છે એ મને બહુ જ ગમી રહ્યું છે.’

અમારા ઘરે કાળકા માતાની બેઠક છે એટલે ગરબા પર માતાજીનું મુખારવિંદ પિછવાઈ અને આરી આર્ટ દ્વારા રચ્યું : પ્રણાલી વરિયા

ઘાટકોપરમાં રહેતી ૨૬ વર્ષની પ્રણાલી તપન વરિયા ભલે કૉમર્સ ગ્રૅજ્યુએટ છે, પણ જીવ કલાકારનો છે. વિવિધ પ્રકારની આર્ટ શીખતી પ્રણાલીએ આ વખતે માતાજીનો ગરબો જાતે જ શણગાર્યો છે. ૩ વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયાં છે અને તેના સાસરે છેલ્લાં ૩૫ વર્ષથી ગરબાની ઘટસ્થાપના થાય છે. આ વર્ષના ગરબા ડેકોરેશનના અનુભવ વિશે પ્રણાલી કહે છે, ‘મને આર્ટમાં બહુ જ રસ છે એટલે આ વર્ષે મેં હાથથી પેઇન્ટિંગ કરીને ગરબો શણગાર્યો છે. અમારા ઘરે કાળકા માતાજીની સ્થાપના થયેલી છે એટલે મેં ગરબા પર કાળકા માનું મુખારવિંદ બનાવ્યું છે. પિછવાઈ અને આરી આર્ટથી શણગાર કર્યો છે. મારો ગરબો જોઈને કેટલાક ફ્રેન્ડ્સે પણ મને તેમના માટે ગરબો બનાવી આપવા કહેલું. મને તો ભાવતું’તું અને વૈદ્યે કીધું. મેં ચારેક જણને ગરબા શણગારી આપ્યા અને દરેક પર નોખું આગવી શૈલીમાં પેઇન્ટિંગ કર્યું હતું. માતાજીના કામમાં કળાનું કામ કરતી વખતે આનંદ પણ અનોખો મળે.’

નોકરીની ભાગદોડ વચ્ચે પણ ગરબાના ડેકોરેશન માટે સમય કાઢી લઉં છું : કિરણ સરવૈયા

કરી રોડ વિસ્તારમાં રહેતા કિરણ સરવૈયા BMCમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પુરુષો સામાન્ય રીતે ગરબા સુશોભનમાં ઓછા જોવા મળતા હોય છે, પરંતુ કિરણભાઈ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી પોતાના ઘરે ખાસ શોખથી પોતાના હાથે જ ગરબો તૈયાર કરે છે. પોતાના ભક્તિભાવ વિશે વાત કરતાં કિરણભાઈ કહે છે, ‘અમારા ઘરમાં ગરબો બેસાડવામાં આવે છે અને આ ગરબો હું પોતે જ ડેકોરેટ કરું છું. કુંભારવાડામાં જઈને પહેલાં ગરબો લાવું અને પછી સમય કાઢીને ભુલેશ્વર માર્કેટમાં ડેકોરેશનનો સામાન લેવા જાઉં છું. પછી ઘરે આવીને એનું ડેકોરેશન શરૂ કરું છું.’ BMCની નોકરીની દોડધામ વચ્ચે પોતાના શોખ અને માતાજી પ્રત્યેની ભક્તિ માટે સમય કઈ રીતે મળે છે એ વિશે કિરણભાઈ કહે છે, ‘એક ગરબો પર્ફેક્ટ રીતે તૈયાર કરવામાં સામાન્ય રીતે બે દિવસનો સમય જતો હોય છે. હું માત્ર મારા ઘર માટે જ નહીં, મારાં સાસુના ઘર માટે પણ મારા હાથે જ ગરબો સજાવીને આપું છું. પોતાના હાથે કલાકારી કરીને મા અંબાનો ગરબો તૈયાર કરવાનો જે આનંદ છે એ નોકરીના થાકને પણ ઉતારી દે છે. એટલે દર વર્ષે મારે બે ગરબા તો શણગારવાના હોય જ છે.’  

યુટ્યુબ જોઈને ગરબાનું ડેકોરેશન કરવાનો શોખ જાગ્યો : અલ્પા છનિયારા

મીરા રોડમાં રહેતાં ૪૮ વર્ષનાં અલ્પા છનિયારા છેલ્લાં પચીસ વર્ષથી ઇવેન્ટ્સ અને કેટરિંગનો બિઝનેસ કરે છે, પણ નવરાત્રિ આવે એટલે તેઓ આર્ટિસ્ટ બની જાય છે. પોતાના આ ફેસ્ટિવ-મોહ વિશે અલ્પાબહેન કહે છે, ‘બિઝનેસની દોડધામ તો આખું વર્ષ રહેવાની જ છે, પણ નવરાત્રિ  અને દિવાળીમાં ઘરમાં જાતે કંઈક ડેકોરેટ ન કરીએ તો મનને સંતોષ ન થાય. ગયા વર્ષે ફોનમાં યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતાં-જોતાં મને ગરબાનું ડેકોરેશન કરવાનો શોખ જાગ્યો. પહેલો અનુભવ હતો એટલે એ સમયે તો સાદો જ ગરબો ડેકોરેટ કર્યો, પણ એ જ ડેકોરેશનની પ્રોસેસે મને આ વખતે કૉન્ફિડેન્સ આપ્યો. આ વખતે મને મિરરવર્ક અને કટવર્કવાળો ગરબો ડેકોરેટ કરવાનું મન થયું કે આ વખતે તો આવો જ ઝગમગતો ગરબો બનાવવો છે. બિઝનેસ વચ્ચે ટાઇમ ક્યાંથી કાઢવો એમ થતું હતું, પણ મેં અંદરખાને નક્કી કરી નાખ્યું હતું કે મારે તો આ વખતે માતાજીનો ગરબો ડેકોરેટ કરવો જ છે. નિશ્ચય પાકો હોય એટલે રસ્તો મળી જ જાય. આ ગરબો એક જ દિવસમાં તૈયાર થઈ શકે એવો હતો એટલે મેં તો મોકો જોઈને એક જ બેઠકે કામ પતાવી દીધું. એ જ્યારે બનીને તૈયાર થયો ત્યારે જે સંતોષ મળ્યો એની તો વાત જ અલગ છે.’ 

ઑર્ડરના ગરબા બનાવતાં-બનાવતાં ઘરમાં પડેલી વસ્તુઓમાંથી જ કંડાર્યો પોતાનો ગરબો : મમતા જોટાણિયા

મુંબઈમાં રહેતાં ૫૯ વર્ષનાં હોમમેકર મમતા જોટાણિયા છેલ્લાં પંદરથી ૧૭ વર્ષથી ઑર્ડર પર ગરબા સજાવી આપવાનું કામ કરતાં હતાં, પણ હવે તેઓ ત્રણેક વર્ષથી ફક્ત પોતાના ઘર માટે જ ગરબો બનાવે છે. પોતાના આ પ્રેમ અને શોખ વિશે વાત કરતાં મમતાબહેન કહે છે, ‘પહેલાં નવરાત્રિ આવે એટલે ઑર્ડરના ગરબા બનાવતી હતી, પણ હવે હું ફક્ત મારા ઘર માટે જ ગરબો બનાવું છું. બીજા માટે ઑર્ડરના ગરબા બનાવવાની વાત અલગ છે, પણ પોતાના ઘરના ગરબા માટે મનમાં જેવા વિચારો આવે એ રીતે જ હું એને આકાર આપું છું. એના માટે અલગથી કંઈ ખરીદવા જવાને બદલે ઘરમાં જ પડેલા ડેકોરેશનના સામાનમાંથી જ હું અનોખો ગરબો તૈયાર કરું છું. આ વર્ષે મેં ગોલ્ડન ગરબો સજાવ્યો છે જેને તૈયાર કરતાં મને બે દિવસ લાગ્યા હતા. ડેકોરેશનના મારા કામને લાઇક્સ, ગિફ્ટ કે લોકોનું અટેન્શન મળે કે ન મળે એની કોઈ પરવા નથી. આ ગરબો તો હું ફક્ત મારા આત્મસંતોષ અને પોતાના શોખ માટે જ બનાવું છું.’

માટીના ગરબાનું શાસ્ત્રોક્ત મહત્ત્વ

નવરાત્રિમાં માટીનો જ ગરબો સ્થાપિત કરવાનો શાસ્ત્રોક્ત નિયમ છે. માટી પંચમહાભૂત (પૃથ્વીતત્ત્વ)નું પ્રતીક છે. ગરબામાં ૯-૯ છિદ્રોની કુલ ૩ લાઇન હોય છે. જે નવદુર્ગા, નવગ્રહ અને નવધાભક્તિનું પ્રતીક છે. ગરબામાં કુલ ૨૭ છિદ્રો હોય છે જે ૨૭ નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.  ૩ (કાણાં) બ્રહ્માંડ અને મનુષ્યશરીરનાં ૯ છિદ્રોનું પ્રતીક મનાય છે, જેમાં પ્રગટાવેલો દીવો આત્માના પ્રકાશનું પ્રતીક છે. ગરબો એ ગર્ભદીપ અને બ્રહ્માંડનું પ્રતી છે અને એમાંથી પ્રગટ થતો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જા ફેલાવે છે.

navratri Garba festivals gujaratis of mumbai columnists exclusive gujarati mid day