15 March, 2025 03:33 PM IST | Mumbai | Deepak Mehta
પ્રેમચંદ રાયચંદનાં માતા રાજાબાઈ
તારીખ: શનિવાર, ૨૫ એપ્રિલ, ૧૮૯૧.
સમય: સવારના અગિયારના સુમારે.
પાત્રો: બાઈ બચુબાઈ તે શેઠ અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી, ઉંમર વર્ષ વીસ અને તેમની નણંદ અને બહેનપણી બાઈ પીરોજબાઈ તે શેઠ સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદિનનાં ધણિયાણી, ઉંમર વર્ષ ૧૬.
બચુબાઈ: આવ, આવ, પીરોજ, ઘન્ને વખતે ભૂલી પડી!
પીરોજ: નહીં બચુ, નહીં. એમ નહીં બોલ. હું તો તુને રોજ યાદ કરું છું. પન સવારથી સાંજ, દિવસ ક્યાં પૂરો થઈ જાય છે તેની બી ખબર પરતી નહીં. આજે એવન આખ્ખો દહારો કામને સબબ બહાર છે એટલે થયું કે ચાલ મારી જિગરજાન બચુને મલી આવું.
બચુ: નઈ મલવાથી નહીં ચાલે. આજે આપરે સાથે ભોનું ખાઈસું, બપોરે થોરી વાર આરામ કરીસું, અને પછી બહાર ફરવા જૈસું.
પીરોજ: ઓકે. કબૂલ. પણ ફરવા કેથ્થે જૈસું?
બચુ: ચાલ ને! આપરે ફોર્ટમાં રાજાબાઈ ટાવર જોવા જઈએ. કહે ચ કે તેના ઉપલા મજલા પરથી તો આખ્ખું બૉમ્બે દેખાય છે.
પીરોજ: તને માલૂમ છે? આય ટાવર કોન્ને બંધાવેલો?
બચુ: કેહે ચ કે પ્રેમચંદ રાયચંદ નામના એક મોટ્ટા વેપારીએ બંધાવેલો, એવનનાં મમ્મા માટે.
પીરોજ: હા. પ્રેમચંદ શેઠ એટલે તો મુંબઈના શૅરબજારના બેતાજ બાદશાહ. અમેરિકન સિવિલ વૉર વખતે કાપૂસના વેપારમાં ધૂમ કમાયા. વેપાર માટે પેઢીઓ કાઢી, પેઢીઓને પૈસા ધીરવા બૅન્કો સુરુ કીધી, બૅન્કને માલદાર બનાવવા મુંબઈના ગવન્ડર સિક્કેને સમજાવિયા! અંગ્રેજી બોલી-લખી જાને એટલે ઘન્ના ગોરાઓ સાથે ઘરોબો. ૧૮૬૪માં કૉટન માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં રૂપિયાની રેલમછેલ હુતી તે વારે પ્રેમચંદશેઠે યુનિવર્સિટી ઑફ બૉમ્બેની લાઇબ્રેરીનું મકાન બાંધવા સારું બે લાખ રૂપિયાનું દાન આપિયું અને પછી એની બાજુમાં ટાવર બાંધવા બીજા બે લાખ રૂપિયા આપિયા.
બચુ: કેહે ચ કે પ્રેમચંદશેઠનાં મમ્માની આંખો કમજોર થઈ ગઈ હુતી, ઘરમાં દીવાલ પર લટકાવેલી ક્લૉક બી જોઈ સકતાં નહીં હુતાં એટલે પ્રેમચંદશેઠે આય ટાવર બંધાવેલો. તેની ઘરિઆલના ડંકા સમજીને મમ્માને ટાઇમ માલૂમ પરે.
પીરોજ: પ્રેમચંદ શેઠ ક્યાં રેહે છે એ તો તુને માલૂમ હોસે જ.
બચુ : હા, પ્રેમોદ્યાન નામના બંગલામાં.
પીરોજ : અને એ બંગલો છે ક્યાં?
બચું: કેમ વલી, ભાયખળામાં.
પીરોજ: તો ટુ જ કેહે, ફોર્ટમાં આવેલા રાજાબાઈ ટાવરના ઘરિઆલના ડંકા ઠેઠ ભાયખળામાં સંભળાય ખરા? અને તે બી એક ઘરડી ઓરતને. હા, એ વાત ખરી કે ટાવર માટે દાન આપતી વખતે પ્રેમચંદ શેઠે સરકારને વિનંતી કીધી હુતી કે આય ટાવર સાથે મારાં મમ્મા રાજાબાઈનું નામ જોરવામાં આવે.
બચુ: કેહે ચ કે આજે આખ્ખા મુંબઈમાં આય રાજાબાઈ ટાવર સૌથી ઊંચી ઇમારત છે.
પીરોજ: હા, ૨૮૦ ફિત ઊંચ્ચો છે આય ટાવર. ૨૫ માલના મકાનની ઊંચાઈ આટલી થાય. અને ટાવર પર ચરીને જુઓ તો ત્રણ બાજુ દેખાય મુંબઈ નગરી. અને ચોથી બાજુ, પશ્ચિમ બાજુ, નજીકમાં જ દેખાય અરબી સમુંદર.
બચુ: બસ, બસ. હવે વાતો નહીં. આજે જ બપોરે રાજાબાઈ ટાવર જઈએ, છેક ઉપલા માળે જઈએ અને આપરી આ મુંબઈ નગરીનો નજારો આંખો ભરી-ભરીને પી લઈએ.
પીરોજા: જો બેની! અટાણે તો આય મારા પેટમાં ભૂખનો સમંદર ઘૂઘવે છે. ચાલ, હવે ભોનું ખાઈ લઈએ.
lll
તારીખ: શનિવાર, ૨૫ એપ્રિલ, ૧૮૯૧
સમય: બપોરના સાડાત્રણ
સ્થળ: રાજાબાઈ ટાવર
પાત્રો: ઘણાંબધાં
એપ્રિલ મહિનાની બપોરે હવામાં બફારો પુષ્કળ છે. શનિવારે બપોર પછી યુનિવર્સિટીમાં આવરો-જાવરો પણ ઓછો. એટલે રાજાબાઈ ટાવરનો ચોકીદાર થોડે દૂરના એક બાંકડા પર લંબાવીને સૂતો છે. થોડે દૂરથી કશુંક ભારે જમીન પર પડવાનો અવાજ આવે છે. ચોકીદાર સફાળો જાગીને દોડે છે. જુએ છે તો વીસેક વર્ષની એક છોકરી રાજાબાઈ ટાવરની નીચેની જમીન પર લોહીલુહાણ થઈને પડી છે. હજી તો શું કરવું એ વિચારે એ પહેલાં બીજો ધબાકો. બીજી એક છોકરી, આશરે સોળ વર્ષની, એ જ રીતે ટાવર પરથી જમીન પર પટકાય છે લોહીલુહાણ થઈને. હવે ચોકીદાર જરા પાસે જઈને જુએ છે. બન્ને છોકરીઓના જીવ નીકળી ગયા છે.
ચોકીદાર બૂમો પાડે છે. આસપાસથી થોડા લોકો દોડતા આવે છે. જોતજોતાંમાં ટોળું એકઠું થઈ જાય છે. એમાંનું કોક ઓળખી જાય છે અને કહે છે : અરે, આ તો શેઠ અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી બાઈ બચુબાઈ અને શેઠ સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદિનનાં ધણિયાણી પીરોજબાઈ. લોકોમાં ગુસપુસ શરૂ થાય છે: બન્ને સુખી કુટુંબની વહુઆરુઓ. એવું તે કેવું દુ:ખ પડ્યું હશે કે આમ મોતને ભેટી હશે. તો કોઈ કહે છે કે ના ના, ટાવર પરથી મુંબઈ શહેર જોવા માટે કઠેડા પર વધુપડતાં વાંકાં વળ્યાં હશે અને અકસ્માત નીચે પડ્યાં હશે. તો ટોળામાં ઊભેલો એક બુઢ્ઢો પારસી કોઈને ભાગ્યે જ સંભળાય એમ બબડી રહ્યો હતો : મુને તો દાલમાં કૈંક કાલું હોય તેમ લાગે છે. આ નથી અકસ્માત, નથી આપઘાત. નક્કી બન્ને છોકરીઓને ટાવર પરથી ફેંકીને કોઈએ તેમનું ખૂન કર્યું છે.
ત્યાં તો પોલીસ આવી પહોંચી. પહેલાં તો હાથમાંની લાકડીઓ ઉગામી-ઉગામીને ટોળાને વિખેરી નાખ્યું. પછી બન્ને લાશનો કબજો લીધો. એ જ વખતે ટાવરનાં પગથિયાં ઊતરીને એક જુવાન નીચે આવતો દેખાયો. પોલીસે રોકીને પૂછપરછ કરી. ‘નામ?’ ‘માણેકજી અસલાજી.’ ‘અહીં શું કરવા આવ્યો?’ ‘કેમ? ટાવર પરથી મુંબઈ જોવા.’ સાથે એક દોસ્ત પણ હતો. એનીયે થોડી પૂછપરછ કરી પોલીસે. પણ પછી બન્નેને જવા દીધા. ૨૪૭ નંબરની વિક્ટોરિયા (ઘોડા ગાડી) ભાડે કરી બન્ને ઘરે પહોંચી ગયા.
એ પછી થોડી વારે પોલીસ સ્ટેશનમાં એક મુલાકાતી આવ્યો. પોતાની ઓળખ આપી : મેસર્સ કોનરોય ઍન્ડ બ્રાઉન સૉલિસિટર્સની કંપનીમાં હું અસિસ્ટન્ટ મૅનેજિંગ ક્લર્ક તરીકે કામ કરું છું. આજે બપોરે રાજાબાઈ ટાવરના બીજા માળે બે છોકરીઓ અને બે યુવાનો વચ્ચે ઝપાઝપી થતી મેં દૂરથી જોઈ હતી. એ જ વખતે એક ત્રીજો યુવાન પણ ત્યાં આવ્યો હતો અને વચ્ચે પડ્યો હતો. ઝપાઝપીમાં તેનો કોટ ફાટી ગયો હતો.
હત્તેરીની! પોલીસ ચોંકી. ટાવરમાંથી ઊતરીને બે જુવાનો વિક્ટોરિયામાં બેસીએ નીકળી ગયા તે બે નક્કી આ મામલામાં સંડોવાયા છે. અને પોલીસ પહોંચી માણેકજીને ઘરે. એ વખતે એનો દોસ્ત પણ ત્યાં જ હતો. બન્નેની પૂછપરછ કરી પણ બન્ને નિર્દોષ લાગ્યા એટલે પોલીસ ખાલી હાથે પાછી. પોલીસ ગયા પછી અસલાજીના દોસ્તે કહ્યું કે પોલીસે ઘરની જડતી લીધી નહીં એટલે આપણા ફાટેલા કોટ તેમના હાથમાં આવ્યા નહીં. પણ હવે જોખમ લેવાય નહીં. માણેકજીના નોકર બાળાને બન્ને કોટ આપીને કહ્યું કે ગમે ત્યાં જઈને વેચી આવ. બાળાએ બન્ને કોટનું પોટલું બાંધ્યું અને ચાલ્યો વેચવા. પહેલા દુકાનદાર ખોજા અહમદ થૂઅર નામના વેપારીએ કોટ તપાસતાં એક કોટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી. એમાં લખ્યું હતું: ‘નેણસી પેરુ અને શેઠ નૂર મોહમ્મદ સુલેમાન : કોઈ પણ હિસાબે આજે બપોરે ત્રણ વાગ્યે તમારે બંનેએ રાજાબાઈ ટાવર આવવાનું જ છે. સાથે ચાલીસ રૂપિયા લાવવાનું ભૂલતા નહીં. અને અમારી આ વાત તમે કબૂલ કરી છે તેમ જણાવવા આ ચિઠ્ઠી લાવનારને એક રૂપિયો આપજો.’ પેલા દુકાનદારે હળવેકથી ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં સરકાવી દીધી અને પછી બન્ને કોટ બાળાને પાછા આપતાં કહ્યું: ‘આ મારે કામના નથી.’ બાજુમાં બીજી દુકાન મારવાડીની. તેણે કશી પંચાત કર્યા વગર પાંચ રૂપિયામાં બન્ને કોટ ખરીદી લીધા.
પણ ખોજા અહમદ થૂઅરને આખી રાત ઊંઘ ન આવી. નક્કી દાળમાં કૈંક કાળું છે. કોઈકને બ્લૅકમેલ કરવાનો કારસો લાગે છે. શું કરું? કોને કહું? સવાર પડી. સીધા પોલીસ સ્ટેશને જવાની હિંમત ન ચાલી. ક્યાંક મને જ સળિયા પાછળ કરી દે તો? પણ જામે જમશેદ અખબારના તંત્રી જેહાંગીર મર્ઝબાનને થૂઅર ઓળખે. એટલે તેમની પાસે જઈને બધી વાત કરી અને પેલી ચિઠ્ઠી પણ બતાવી. બન્ને છોકરીઓના મોતનો કેસ ફરામજી નામના ઑફિસરના હાથમાં હતો એની તંત્રીને ખબર. એટલે તરત તેમને જાણ કરી. થોડી વારમાં પોલીસે પેલા બાળા નોકરની ધરપકડ કરી: ચોરીનો માલ વેચવાના ગુના સબબ. હવે પોલીસે પહેલું કામ મુદ્દામાલ તરીકે પેલું પોટલું મારવાડીની દુકાનેથી જપ્ત કરવાનું કરવું જોઈતું હતું. પણ કોણ જાણે કેમ ન કર્યું. પૂરા ૫૬ કલ્લાક પછી પોલીસ મારવાડીની દુકાને પહોંચી. પણ ત્યારે ત્યાંથી એ પોટલું ગાયબ થઈ ગયું હતું!
પછી એ પોટલું મળ્યું કે નહીં? અને આ કેસનું શું થયું? વધુ રસિક ભાગ હવે પછી.