28 January, 2026 02:33 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
વર્તમાન પેઢીના પુરુષો પિતૃત્વના આયોજનમાં વધુ સક્રિય અને સજ્જ જોવા મળી રહ્યા છે. જે રીતે સ્ત્રીઓ પ્રેગ્નન્સી પહેલાં પોતાના ખોરાક અને જીવનશૈલીનું ધ્યાન રાખે છે એવી જ રીતે હવે પુરુષો પણ પોતાની આદતો સુધારવા માટે ગંભીર બન્યા છે. શુક્રાણુઓની ગુણવત્તા સુધારવા માટે વ્યસન છોડવું, પોષણક્ષમ આહાર લેવો અને સમયસર તપાસ કરાવવી એ હવે સામાન્ય બાબત બની રહી છે. સમાજમાં આવેલો આ બદલાવ દર્શાવે છે કે પુરુષો હવે હેલ્ધી પ્રેગ્નન્સી માટે પોતાના રોલને વધુ સારી રીતે સમજી રહ્યા છે
વર્ષોથી આપણો સમાજ અંધારામાં જીવતો હતો, જ્યાં સંતાન ન થવાનો બધો જ વાંક સ્ત્રીના નસીબ પર છોડી દેવામાં આવતો હતો. પુરુષો પોતાની મર્દાનગીના ખોટા મહોરા પાછળ છુપાઈને મૌન રહેતા હતા. હવે એ મૌન તૂ્ટ્યું છે. આજે પુરુષો સ્વીકારી રહ્યા છે કે પિતા બનવાની જવાબદારી માત્ર સ્ત્રીના ગર્ભાશયની નથી, પુરુષના સ્વાસ્થ્યની પણ છે. જે તૈયારી અને બલિદાન અત્યાર સુધી માત્ર સ્ત્રીઓ આપતી હતી, હવે પુરુષો પણ એ જ રસ્તે ચાલીને હેલ્ધી ફાધરહુડ તરફ ડગ માંડી રહ્યા છે.
પુરુષો ફર્ટિલિટી-ટેસ્ટ કરાવતા થયા
છેલ્લાં થોડાં વર્ષોમાં ક્લિનિકમાં આવતા પુરુષોમાં શું બદલાવ આવ્યો છે એ વિશે માહિતી આપતાં ગાયનેકોલૉજિસ્ટ અને ફર્ટિલિટી કન્સલ્ટન્ટ ડૉ. કૌશા શાહ કહે છે, ‘હવે એવા પુરુષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેઓ કોઈ સમસ્યા ઊભી થાય એની રાહ જોવાને બદલે ફૅમિલી પ્લાનિંગની શરૂઆતમાં જ સામે ચાલીને ફર્ટિલિટી-ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. આજકાલ કરીઅર અથવા અન્ય કારણોસર લોકો મોડી ઉંમરે પ્રેગ્નન્સીનું આયોજન કરે છે. પુરુષો હવે સમજે છે કે વધતી ઉંમર સાથે તેમની ફર્ટિલિટી-ક્ષમતા પર અસર પડી શકે છે. સંતાનપ્રાપ્તિની સફરમાં આગળ જતાં કોઈ ગંભીર અડચણો ન આવે એ માટે પુરુષો હવે પહેલેથી જ તપાસ કરાવી લેવાનું વધુ યોગ્ય માને છે. વહેલી તપાસ કરાવવાથી જો કોઈ નાની-મોટી સમસ્યા હોય તો એને સમયસર સુધારી શકાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં જોવા મળ્યું છે કે પુરુષો હવે પિતૃત્વને માત્ર એક જવાબદારી તરીકે નહીં, સભાન નિર્ણય તરીકે જોઈ રહ્યા છે. હવે પુરુષો પ્રેગ્નન્સી બાબતે એકપક્ષી નિર્ણય લેવાને બદલે તેમના પાર્ટનરના શારીરિક અને માનસિક કમ્ફર્ટ ઝોનને પ્રાધાન્ય આપી રહ્યા છે. ફૅમિલી પ્લાનિંગ હવે સાચા અર્થમાં બન્નેની સહમતી અને સુખસુવિધા પર આધારિત બન્યું છે.’
સોશ્યલ મીડિયાએ જાગરૂકતા વધારી
આજના સમયમાં પિતા બનવાની પ્રક્રિયામાં પુરુષોનો અભિગમ નોંધપાત્ર રીતે બદલાવા પાછળનાં વિવિધ સામાજિક કારણો પર પ્રકાશ પાડતાં મીઠીબાઈ કૉલેજનાં સમાજશાસ્ત્રનાં પ્રાધ્યાપક અને વાઇસ-પ્રિન્સિપાલ ખેવના દેસાઈ કહે છે, ‘ફિલ્મો, સોશ્યલ મીડિયા અને આજના રોલમૉડલ્સે પુરુષોની ફર્ટિલિટી અને પિતૃત્વ પ્રત્યેની વિચારધારા બદલવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. પહેલાં જે વિષયો પર હૉસ્પિટલના બંધબારણે કે ગુપ્ત રીતે વાત થતી હતી એ વિષયો આજે સોશ્યલ મીડિયાને કારણે ખુલ્લી ચર્ચાનો વિષય બન્યા છે. વિવિધ પ્લૅટફૉર્મ્સ પર જ્યારે હેલ્થ ઇન્ફ્લુએન્સર્સ અને ડૉક્ટર્સ સ્પર્મ-કાઉન્ટ કે મેલ ફર્ટિલિટી વિશે વૈજ્ઞાનિક માહિતી શૅર કરે છે ત્યારે પુરુષોમાં રહેલી વર્ષો જૂની શરમ ઓગળવા લાગે છે. વિરાટ કોહલી જેવો ક્રિકેટ-આઇકન પોતાની કારકિર્દીના મહત્ત્વના વળાંકે પૅટરનિટી લીવ લઈને પત્ની અને બાળક સાથે રહેવાનું પસંદ કરે છે ત્યારે તે મર્દાનગીની નવી વ્યાખ્યા સ્થાપિત કરે છે. આમિર ખાન અને કરણ જોહર જેવા સ્ટાર્સ જ્યારે IVF કે સરોગસી દ્વારા પોતાની સફર વિશે ખૂલીને વાત કરે છે ત્યારે સામાન્ય પુરુષોમાં મેડિકલ સાયન્સ પ્રત્યેનો ભરોસો વધે છે. હિન્દી સિનેમાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પુરુષ-ફર્ટિલિટી અને સંતાનપ્રાપ્તિના બદલાતા અભિગમો પર ઘણી સારી ફિલ્મો બનાવી છે. એમાં ‘વિકી ડોનર’, ‘શુભ મંગલ સાવધાન’, ‘ગુડ ન્યુઝ’, ‘મિમી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.’
પરિવાર નહીં, કપલ નિર્ણય લે છે
કુટુંબની રચનામાં આવેલો બદલાવ પણ માનસિકતામાં આવેલા બદલાવનું મોટું કારણ છે એમ જણાવતાં ખેવના દેસાઈ સમજાવે છે, ‘પહેલાં સંયુક્ત કુટુંબની પરંપરા હતી ત્યારે સંતાનપ્રાપ્તિનો વિષય ફક્ત પતિ-પત્ની પૂરતો સીમિત ન રહેતાં આખા ઘરનો વિષય બની જતો. એ સમયે વડીલોની હાજરીમાં ફર્ટિલિટી કે રીપ્રોડક્ટિવ હેલ્થ પર ખૂલીને વાત કરવી એ શરમ કે અશિષ્ટાચાર ગણાતો. જો પારણું ન બંધાય તો દોષનો ટોપલો વડીલો દ્વારા સ્ત્રી પર જ ઢોળવામાં આવતો અને પુરુષ પણ પોતાની મર્દાનગીના ખોટા અહમ્ કે સામાજિક દબાણ હેઠળ મૌન સેવી લેતો. સંયુક્ત પરિવારના એ દંભમાં પુરુષને પણ સમસ્યા હોઈ શકે છે એ વાતનો સ્વીકાર કરવો લગભગ અશક્ય હતો. જોકે હવે સમય બદલાયો છે અને ન્યુક્લિયર ફૅમિલીનું પ્રમાણ વધ્યું છે. આ બદલાવ કપલને એકબીજાની વધુ નજીક લાવ્યો છે અને તેમની વચ્ચે ઇક્વલ પાર્ટનરશિપનો પાયો નાખ્યો છે. ન્યુક્લિયર ફૅમિલીમાં હવે ત્રીજી વ્યક્તિ એટલે કે વડીલોના દબાણ વગર પતિ-પત્ની પોતાની સમસ્યાઓ પર સીધી ચર્ચા કરી શકે છે. પુરુષો પણ હવે સમજે છે કે પિતૃત્વ એ કોઈ સામાજિક દેખાડો નથી, એક અંગત જવાબદારી છે.’
પુરુષો બદલી રહ્યા છે લાઇફસ્ટાઇલ
અત્યારે અમે જોઈએ છીએ કે પુરુષો પહેલાં કરતાં ક્યાંય વધુ જવાબદાર અને પ્રેગ્નન્સી પ્રત્યે પ્રતિબદ્ધ બન્યા છે એમ જણાવીને ડૉ. કૌશા શાહ કહે છે, ‘આજના સમયમાં સૌથી મોટી સમસ્યા વર્કપ્રેશર, ઊંઘના અનિયિમત કલાકો અને વ્યસનો છે. આ પરિબળો સીધી રીતે સ્પર્મ-કાઉન્ટ અને એની ગુણવત્તા પર અસર કરે છે. તેથી જ્યારે કોઈ કપલ અમારી પાસે આવે છે ત્યારે અમે કન્સલ્ટેશન દરમ્યાન પુરુષોની લાઇફસ્ટાઇલના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે ફર્ટિલિટીની બાબતમાં પુરુષોનું યોગદાન એટલું જ મહત્ત્વનું છે જેટલું સ્ત્રીનું. પિતા જ્યારે પોતાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે ત્યારે તે પ્રેગ્નન્સીનાં પરિણામોમાં મોટો સકારાત્મક તફાવત લાવે છે. આ વાત પુરુષો હવે સમજતા થયા છે એટલે તંદુરસ્ત સંતાન માટે અને નૅચરલ પ્રેગ્નન્સીની શક્યતા વધારવા માટે પુરુષો હવે પોતાનાં વ્યસનો જેમ કે સ્મોકિંગ, ડ્રિન્કિંગ ઘટાડવા અથવા સંપૂર્ણપણે છોડવા તૈયાર થયા છે. માત્ર સ્ત્રીઓએ જ પૌષ્ટિક આહાર લેવો જોઈએ એ ધારણા બદલાઈ રહી છે. પુરુષો હવે એ જાણવામાં રસ લેતા થઈ ગયા છે કે કેવા પ્રકારની ડાયટ તેમના ફર્ટિલિટી પૉટેન્શિયલને વધારી શકે છે. મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડે એવા સંજોગો ટાળવા માટે પુરુષો હવે કુદરતી રીતે ગર્ભધારણ થાય એના પર ભાર મૂકી રહ્યા છે. આ માટે તેઓ પરિવાર સાથે વધુ સમય વિતાવવો, વજન નિયંત્રણમાં રાખવું અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી વગેરે તરફ વળ્યા છે. કામના ભારને વ્યવસ્થિત મૅનેજ કરીને માનસિક સ્ટ્રેસ ઘટાડવા અને પૉઝિટિવ વાતાવરણ ઊભું કરવા પર પુરુષો ધ્યાન આપી રહ્યા છે, જેથી પ્રેગ્નન્સીની સફર સુખદ અને સફળ રહે.’
મેડિકલ સાયન્સની પ્રગતિનો ફાળો
આમાં મેડિકલ સાયન્સની પણ મહત્ત્વની ભૂમિકા વિશે વાત કરતાં ખેવના દેસાઈ કહે છે, ‘વિજ્ઞાને એ સાબિત કરી દીધું છે કે સંતાનપ્રાપ્તિ માટે માત્ર સ્ત્રીનું સ્વાસ્થ્ય જ નહીં, પુરુષની રીપ્રોડક્ટિવ હેલ્થ પણ એટલી જ મહત્ત્વની છે. આ વૈજ્ઞાનિક સત્યએ પુરુષોમાં છુપાયેલી શરમ અને સંકોચને દૂર કરવામાં મદદ કરી છે. હવે પુરુષો સમજે છે કે સ્પર્મ-કાઉન્ટ કે ક્વૉલિટીમાં ઊણપ એ કોઈ સામાજિક કલંક નથી, એક મેડિકલ કન્ડિશન છે જેનો ઇલાજ શક્ય છે. વધુમાં સ્પર્મ-ફ્રીઝિંગ અને ઍડ્વાન્સ ટેસ્ટિંગ જેવી ટેક્નૉલૉજીએ પુરુષોને ફૅમિલી પ્લાનિંગમાં બાયોલૉજિકલ ફ્રીડમ આપી છે. આ આધુનિક નિદાનપદ્ધતિઓ દ્વારા હવે પુરુષો પોતાની લાઇફસ્ટાઇલની શુક્રાણુઓ પર થતી અસરને આંકડાકીય રીતે જોઈ શકે છે, જે તેમને વધુ હેલ્થ-કૉન્શિયસ બનાવે છે. હવે હૉસ્પિટલોમાં પણ કપલ માટે સમાન કાઉન્સેલિંગ સેશન્સ યોજાય છે જે પુરુષોને એક અવેર પાર્ટનર અને જવાબદાર પિતા બનાવે છે.’
હજી ઘણો બદલાવ બાકી
આ પરિવર્તન અત્યારે શહેરી અને શિક્ષિત વર્ગમાં વધુ સ્પષ્ટ દેખાય છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં હજી જૂની વિચારણીમાં એટલો ફેર આવ્યો ન હોવાનું જણાવીને ખેવના દેસાઈ કહે છે, ‘નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેના એક આંકડા મુજબ ભારતમાં પુરુષ-નસબંધીનું પ્રમાણ અત્યંત ઓછું છે, જે માત્ર ૦.૩ ટકા છે. એની સરખામણીમાં સ્ત્રી-નસબંધીનું પ્રમાણ ૩૭.૯ ટકા જેટલું છે. પુરુષો દ્વારા કૉન્ડોમનો ઉપયોગ લગભગ ૯.૫ ટકા છે. આ બન્નેને સાથે ગણીએ તો પણ પુરુષોની સીધી ભાગીદારી ૧૦ ટકાથી નીચે જ રહે છે. મેજોરિટી મહિલાઓએ જ ગર્ભનિરોધક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. ભારતમાં લગભગ બે-તૃતીયાંશ ગર્ભનિરોધકનો બોજ એકલી મહિલાઓ જ ઉઠાવે છે. પુરુષોમાં હજી પણ એવી ગેરમાન્યતા છે કે નસબંધી કરાવવાથી તેમની મર્દાનગી ઓછી થઈ જશે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જ્યારે બાળકને જન્મ આપવાની કે ફૅમિલી પ્લાનિંગની જવાબદારી લેવાની વાત આવે ત્યારે પુરુષો હજી પણ એટલા તૈયાર નથી. બાળક ન થવા દેવાની કે તેને જન્મ આપવાની બન્ને જવાબદારીઓ હજી પણ સ્ત્રીપક્ષે જ વધુ આવે છે.’
ભારતમાં આશરે ૨.૭૫ કરોડ દંપતીઓ કરી રહ્યાં છે વંધ્યત્વનો સામનો
વિવિધ રિપોર્ટ્સ અને અભ્યાસો ભારતમાં મેલ ફર્ટિલિટી અંગે અત્યંત ચોંકાવનારી વિગતો આપે છે. એ મુજબ ભારતમાં આશરે ૨.૭૫ કરોડ દંપતીઓ વંધ્યત્વનો સામનો કરી રહ્યાં છે. આમાંથી ૪૦થી ૫૦ ટકા કિસ્સામાં પુરુષોનાં પરિબળો જવાબદાર છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારત સૌથી આગળ છે જ્યાં પુરુષ-વંધ્યત્વના દરમાં ૫૮.૮૨ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. પ્રજનનક્ષમ વયના આશરે ૪૦ ટકા પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેઠાડુ જીવન, વધુ પડતો માનસિક તનાવ, ઊંઘનો અભાવ, હાઈ ફૅટ અને હાઈ શુગરવાળા ખોરાકનું સેવન, દારૂ અને સિગારેટનું સેવન, પ્રદૂષણ અને કેમિકલ્સ સ્પર્મની ક્વૉલિટી અને હૉર્મોન્સમાં ખલેલ પહોંચાડે છે.