25 October, 2026 09:35 AM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
હરીફાઈ શબ્દમાં હરિનું નામ મને ક્યારેક કાંટાની જેમ ખૂંચે છે. ઈશ્વરને હરીફાઈ ગમતી હશે? ૯ ગ્રહોમાં ક્યારેય ૯૯.૯૯ PR લેવાની હોડ જામતી નથી. નક્ષત્રો અને નિહારિકાઓ વચ્ચે ફર્સ્ટ નંબર મેળવવાની રેસ હોતી નથી. ગંગા કે ગોદાવરી વચ્ચે ઝટ ચોખ્ખા થઈ જવાની પણ હરીફાઈ નથી. ગિરનાર કે હિમાલય વચ્ચે વધુ પ્રાચીન કે દિવ્ય દેખાવાની કૉમ્પિટિશન થતી નથી.
હરીફાઈ એક્સક્લુઝિવ માણસના ભેજાની નિષ્પત્તિ છે. તો એમાંથી ‘હરિ’નું નામ રદ ન કરવું જોઈએ? સમાજમાં અંબાણી અને અદાણી વચ્ચે ધનિક બનવાની ગળાકાપ હરીફાઈ હોય એ સમજી શકાય. પરંતુ હરિના સાક્ષાત્ સ્વરૂપ જેવાં નાનાં-નાનાં ભૂલકાંઓ હરીફાઈના ચીચોડામાં રીતસર પિલાઈ રહ્યાં છે.
કોઈ પણ કપલનું પ્રી-વેડિંગ શૂટ નિહાળી લો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કપલનું અપ્રોક્સ દામ્પત્યજીવન કેવું ભવ્ય હશે! અથવા તો બે જણની કેમિસ્ટ્રી કેટલી મૅચ થાય છે? એ જ રીતે કોઈ પણ દેશની પ્રી-સ્કૂલ જોઈ લો એટલે તમને પણ ખ્યાલ આવી જવો જોઈએ કે આવનારું ભારત કેવું તેજોમય, હર્ષમય કે માર્કમય હશે?
પ્રી-સ્કૂલનાં પગથિયાં ચડતા ફૂલ જેવા બાળકને જે લોકો સ્પેલિંગ અને રાયમ્સ ગોખાવવા માગે છે, બૉલપેન હાથમાં પકડાવીને ઝટ કશું લખાવવા માગે છે તે લોકોમાં અને આતંકવાદીઓમાં માત્ર અટક કે હથિયારનો જ ફરક સમજવો.
પ્રી-સ્કૂલની ઉંમર બાળકના ભાવજગતને ખીલવવાની છે. તેની અંદર લાગણીઓ, પ્રેમ, સહાનુભૂતિ, સૌહાર્દ, સંઘભાવના, સંવેદનાઓને જગાડવાનો શ્રેષ્ઠ સમય છે. આવા નાજુક સમયે આપણે સૌ બાળકમાં ગોખણપટ્ટીનું તોતિંગ ઝાડ વાવવામાં મચી પડીએ છીએ. HKGથી હરીફાઈનાં બી તેનામાં બળજબરીપૂર્વક રોપી રહ્યા છીએ.
બાળકની નાની-શી વિસ્મય ભરેલી આંખો ચૂપચાપ બધું જોયા કરે છે.
સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપ જે બાળકને ગણવામાં આવ્યું છે તે બાળકના હૈયામાં સાનંદ અને હોઠો પર સ્મિત સિવાય કશું હોવું જોઈએ, પણ ગોખણપટ્ટી અને હરીફાઈના બુલડોઝરે બાળકના આનંદ અને સ્મિતનું ડિમોલિશન કરી નાખ્યું. શિક્ષણ એ પ્રવાસ છે, સ્પર્ધા નથી! આ સનાતન સત્ય સૌને સમજાતાં હજી કોણ જાણે કેટલાં વર્ષ વીતશે?
સ્પર્ધા એ માણસજાતનો શોખ હતો, પરંતુ શિક્ષણપ્રણાલીમાં આપણે સ્પર્ધાને સ્વભાવ બનાવી દીધો છે. મોટા ભાગે પ્રી-સ્કૂલનાં બાળકોના જીવનમાં સૌપ્રથમ વેશભૂષાની સ્પર્ધા આવતી હોય છે. મમ્મીઓની મહેનતથી નાનુંએવું ભૂલકું ઝાંસીની રાણી, ગાંધીજી, કૃષ્ણ કનૈયો કે મીરાંબાઈ બન્યું હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે તેની બૉડીલાઇન ચેન્જ થઈ જાય છે. અરીસાની સામે પહેલી વાર તે પોતાને સાવ નવા લુકમાં જુએ છે. ક્યારેક શરમાય છે, ક્યારેક હરખાય છે તો ક્યારેક ભગત સિંહ બન્યો હોવા છતાં બાળક રિસાય છે.
સ્કૂલની વેશભૂષામાં ભાગ લેવો એ બાળક માટે ઉત્સાહ સાથે આનંદદાયક પ્રવૃત્તિ છે, પરંતુ એમાં પ્રથમ નંબર લાવવાનો છે એ વિશે તો બાળક તદ્દન અજાણ હોય છે. બાળકને તો માત્ર ભાગ લેવામાં રસ છે, નંબર લેવાનું પ્રેશર તો આજુબાજુવાળા કરે છે.
‘લે આટલી મહેનત કરી તોય તારો પહેલો નંબર ન આવ્યો?’
ઝાંસીની રાણી બનેલી દીકરી જ્યારે મમ્મી પાસેથી આવું વાક્ય સાંભળે છે ત્યારે સ્તબ્ધ બની જાય છે.
ઝાંસીની રાણી બનવામાં, તેની જેમ ચાલવામાં, બોલવામાં અને વર્તવામાં તેને કેવી મજા આવી એ તો કોઈ તેને પૂછતું જ નથી. તે સૌથી સરસ લાગતી હતી એટલે જ તેના ટીચરે તેને સૌથી પહેલી રજૂ કરી હતી. શું રજૂઆતનો પ્રથમ ક્રમાંક પરિણામના ક્રમાંકથી વધુ અગત્યનો ન કહેવાય? આવા નાના-નાના બાળસહજ પ્રશ્નોની સુનામી બાળમાનસને ભીંજવી નાખે છે.
નંબર ન આવ્યો એના ખરખરામાં ઝાંસીની રાણી બનવાનો બાળકનો આનંદ અદૃશ્ય થઈ જાય છે.
‘હશે બેટા, બીજી વાર નંબર આવશે!’ કહીને પપ્પા બાળકને સાંત્વન આપે છે, જ્યારે તે બાળકને તો નંબર ન આવ્યાનું સહેજ પણ દુઃખ નથી. તે તો હતપ્રભ બનીને ઘરમાં બધાને સાંભળે છે. અંતે નાનકડું ફલડું એ તારણ પર આવે છે કે આ ઘરમાં મેં કેટલા ઉત્સાહથી ભાગ લીધો એમાં કોઈને રસ નથી, પરંતુ મારા નંબરમાં જ સૌને રસ છે. વળી બીજા દિવસે સ્કૂલટીચર પણ પ્રથમ નંબરે આવેલા તેના દોસ્ત ગાંધીજીને જ બિરદાવે છે. આ બધું જોઈને બાળક અંદરથી મૂરઝાય છે. તેને સ્પર્ધામાં નંબર લેવાનો ધીમે-ધીમે કંટાળો આવતો જાય છે. તેના સાથી મિત્રને પાછળ મૂકીને આગળ એકલું જવામાં તેને સહેજ પણ મજા નથી પડતી. જોકે નંબર નહીં આવે તો મમ્મી-પપ્પા રાજી નહીં થાય, ટીચર્સ મને સ્માઇલ આપીને બોલાવશે નહીં એવા ડરથી નાનકડાં બાળકો પણ નંબર મેળવવાના ૭ કોઠાના યુદ્ધમાં અભિમન્યુની જેમ પોતાના બાળપણને શહીદ કરી દે છે.
જે પ્રી-સ્કૂલમાં બાળકને ગોખણપટ્ટીનું પ્રેશર કરવામાં આવે છે એને પ્રી-સ્કૂલ નહીં, પ્રી-મૅચ્યૉર સ્કૂલ ગણજો. હે વાલીઓ, તમારા બાળકને ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર’ રાયમ્સ ગોખતાં કદાચ ન આવડે તો બહુ દુ:ખી ન થતા. રાત્રે અગાસી પર જઈને તેને સાચા તારા દેખાડજો, તારામંડળનો અનુભવ કરાવજો તો તે બાળક ભવિષ્યમાં તમને દિવસે તારા નહીં દેખાડે.
દરેક અંગ્રેજી શબ્દનું ગુજરાતીકરણ કરવું એ આપણો ગમતો શોખ છે. તો પછી મૉડિફાઇનું ‘મૉડિફાઇડ’ અને વેરિફાઇનું ‘વેરિફાઇડ’ થાય એ રીતે ગુજરાતી શબ્દ હરીફાઈનું ‘હરીફાઇડ’ કરીએ તો?
બાળકને ઈશ્વરતુલ્ય સમજીએ અને ભગવાન વચ્ચે તો સ્પર્ધા ન જ કરાવાય.
સાચુંને?