17 November, 2024 02:11 PM IST | Mumbai | Pravin Solanki
પ્રતીકાત્મક તસવીર
એક કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને સુખ ક્યારે મળે છે? અર્થાત્ આનંદ ક્યારે મળે છે?
પ્રશ્ન પહેલી નજરે ખૂબ સહેલો લાગે એવો છે પણ એનો જવાબ અનેક વિભાગમાં, જુદા-જુદા દૃષ્ટિકોણથી આપવો પડે. મારા એક નાટકના સંવાદમાં મેં લખ્યું છે કે ‘સુખ એક ભ્રામક કલ્પના છે. પ્રત્યેકનું સુખ જુદું હોય છે અને એ મેળવવાના માર્ગ પણ જુદા હોય છે. ઘણી વાર આપણે જેને સુખ માનતા હોઈએ એ અન્યને માટે દુઃખ પણ હોઈ શકે.’
એક અંગ્રેજી સાહિત્યકારે ખૂબ જ માર્મિક વાત કરી છે. તેણે કહ્યું છે કે Happiness is boring. સુખ કંટાળાજનક છે. કોઈ મૂર્ખ મનુષ્ય જ સુખી હોઈ શકે. પેટા પ્રશ્ન હતો કે તમને આનંદ ક્યારે મળે છે? હું જવાબ આપી શક્યો હોત કે જ્યારે સુખ મળે છે ત્યારે આનંદ થાય છે પણ આ સાચું નથી. આનંદ એક વાત છે, સુખ જુદી વાત છે.
મૃત્યુ એ દુઃખદાયક વાત છે પણ રંગમંચ પર કોઈ કલાકાર સારી રીતે મરવાની ઍક્ટિંગ કરીને મરે છે ત્યારે આપણે તેને તાળીઓ પાડીને વધાવીએ છીએ. સાહિત્યકાર ચંદુલાલ સેલારકાએ એક જગ્યાએ લખ્યું છે કે જ્યારે કોઈ ઘટના, વિચાર, અનુભૂતિ કે અનુભવ સર્જકના હૃદયને ક્ષુબ્ધ કરી મૂકે છે, તેના હૃદયને હચમચાવી મૂકે છે, તેના અંતરમાં કોઈ કંપન કે આંદોલન જન્માવે છે ત્યારે એ કંપન આંદોલન કે હલચલ આનંદ પણ આપે છે અને ક્યારેક વ્યથિત પણ કરી મૂકે છે. સુખની અનુભૂતિ માનસિક છે, ભાવનાત્મક છે. આનંદની અવસ્થામાં મન તો ભાગ ભજવે છે, પરંતુ એ ક્ષણિક નીવડવાની સંભાવના વધારે હોય છે. આ વિધાન રવીન્દ્રનાથ ટાગોરે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. બાહ્ય સંજોગો અને ઉપકરણો સુખમય હોવા છતાં વ્યક્તિને આંતરિક સંઘર્ષો કે સંવેદનાને કારણે પીડા અનુભવવી પડતી હોય તો એ પીડા પણ આનંદનું કારણ બની શકે. કહેવાય છેને કે The sweetest songs are those that have the sedest thought. આપણાં સૌથી મધુર ગીતો આપણી સૌથી વધુ વિષાદમય ક્ષણોમાંથી આવિર્ભાવ પામ્યાં હોય છે. આનંદ મેળવવા માટે મારી પાસે અસંખ્ય કારણો છે. જ્યારે હું સરસ દૃશ્ય જોઉં કે સારું નાટક જોઉં, કોઈ કર્ણપ્રિય ગીત સાંભળું કે કોઈ અર્થપૂર્ણ કવિતા સાંભળું કે કોઈ ભાવપૂર્ણ વાર્તા વાંચું કે કોઈ ભક્તિપૂર્ણ સ્લોગન સાંભળું દા. ત. શીર્ષકની પંક્તિઓ. કોઈ મારી બુદ્ધિમાં ન ઊતરે એવા જાદુના પ્રયોગો જોઉં કે કોઈ દિલધડક સ્ટન્ટ કરતા કલાકારની કલા નિહાળતાં મને આનંદ આવે છે, પણ દુઃખ એ વાતનું છે કે આ આનંદ ક્ષણિક હોય છે; શાશ્વત નથી એટલે એ સુખદ નથી બનતું.
આ સંદર્ભમાં મને એક નહીં, અનેક પેટા પ્રશ્નો પણ પુછાયા. તમને લખવું ગમે કે વાંચવું ગમે?
સ્વ. શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે કે મારી એવી અનુભૂતિ છે કે હું શ્વાસ લઉં છું કે હરુંફરું છું ત્યારે નહીં પણ હું કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. લખ્યા વિના હું જીવી શકતો નથી એ સાચું પણ હું લખું છું એમાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે એવા ભ્રમમાં હું નથી.
મારે માટે કહું તો પુસ્તક મારે માટે પ્રાણવાયુ છે. વાંચવું એ મારી દિનચર્યાનો નિયમિત ક્રમ રહ્યો છે. હંમેશાં કદાચ લખવાનું નથી બની શકતું પણ વાંચ્યા વગર કોઈ દિવસ પસાર થયો હોય એવું સ્મરણ નથી. વાંચવું એટલા માટે પડે છે કે લોકો સાથે દરરોજ હળવા-મળવાનો પ્રસંગ અવશ્ય આવે જ ત્યારે વાંચન મારી વહારે આવે છે. બોલવામાં, દલીલ કરવામાં લોકોને અવનવી માહિતી આપવામાં. મિત્રોની એક આદતે મને સતત વાંચતો રાખ્યો છે. જ્યારે-જ્યારે પણ મળીએ ત્યારે એક સવાલ તો અવશ્ય પુછાય, નવું શું વાંચ્યું? વાર્તા, કવિતા કે ગઝલ? કઈ ગમી કે ન ગમી? સુખ-સગવડ કે સાધનને સહારે મળેલા આનંદ કરતાં વાંચનનો આનંદ વધારે ‘મજબૂત અને ટકાઉ’ હોય છે.
સૅમ્યુઅલ જૉન્સને એક વિવાદાસ્પદ કથન કર્યું છે, ‘જે માણસ લખ્યા કરે છે પરંતુ વાંચતો નથી તેની સાથે હું માનપૂર્વક વાત કરી શકતો નથી.’ આ વિધાન વાંચીને હું પણ ઘડીભર વિચારમાં પડી ગયો. ખૂબ વાંચન, શ્રવણ, મનન, ચિંતન આપણી સજ્જતામાં વધારો કરે છે, લેખનમાં મદદગાર પણ બને છે એ સાચું, પણ જે વાંચન કરતું નથી તેની સાથે હું માનપૂર્વક વર્તી શકતો નથી એટલે શું? કદાચ લેખકે ખૂબ વાંચ્યું છે એ વાતનો અહંકાર અહીં પ્રગટ થયો હશે.
યુવાનીમાં વાંચેલી બેત્રણ વિદેશી વાર્તાઓ આજે પણ મારા સ્મરણમાં અકબંધ રહી છે. આપણી અનેક ગુજરાતી ટૂંકી વાર્તાઓ પણ મારા સ્મરણમાં છે પણ કોણ જાણે કેમ આ વિદેશી વાર્તાઓ મારા ચિત્તમાં એની કલાત્મકતાને કારણે ચોંટી ગઈ છે. એ વાર્તા છે રશિયન લેખક ચેખોવની. એ વાત માંડું એ પહેલાં કહું કે ચેખોવનાં કેટલાંક એકાંકી નાટકો પણ ગુજરાતીમાં મેં રૂપાંતર કરેલાં છે જેમાંનું એક છે ‘ઘોડો અને ગાડી’. સ્પર્ધામાં આ નાટક વિજયી તો નીવડ્યું જ હતું પરંતુ એના અસંખ્ય જાહેર પ્રયોગો પણ થયા હતા.
હવે આપણે ચેખોવની વાર્તા તરફ નીકળીએ. વાર્તાનું શીર્ષક છે ‘કોચમૅન’. એક વ્યક્તિ ઘોડાગાડી ચલાવી પોતાનો જીવનનિર્વાહ કરતો હતો. વર્ષોથી ઘોડો અને ગાડી તેનાં પ્રાણપ્રિય પાત્રો રહ્યાં હતાં. બધાં તેને કોચમૅન એટલે કે ઘોડાગાડીવાળા તરીકે ઓળખતા હતા. તે લોકોમાં પ્રિય પણ હતો. દિવસો જતાં તેના પર કાળનો પ્રહાર વધવા લાગ્યો. તેના દાંત પડી ગયા, વાળ ધોળા થઈ ગયા, ચાબુક પણ માંડ-માંડ હાથમાં પકડી શકતો. તેણે વિચાર્યું કે હવે મારું આ કામ મારા જુવાન દીકરાને સોંપી દેવું જોઈએ, પણ Man proposes and God disposes. માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. કોચમૅનના યુવાન પુત્રને કાળ ભરખી ગયો. કોચમૅનના માથે આભ તૂટી પડ્યું. ગરીબી જેવો કોઈ રોગ નથી અને સમય જેવો કોઈ ઇલાજ નથી. ગરીબીને કારણે તેણે ઘોડાગાડી ચલાવવાનું ચાલુ જ રાખ્યું હતું, પણ પુત્રના મૃત્યુના દુઃખ માટે સમયનો ઇલાજ કામ ન આવ્યો. સમય જતાં પણ તે પુત્રનું દુઃખ ભૂલી ન શક્યો. દુખી મને પણ નાછૂટકે જીવનનિર્વાહ માટે કોચમૅન સવારથી સાંજ ગાડી ચલાવવા લાગ્યો પણ મનમાં પુત્રની સ્મૃતિ અને મૃત્યુનો શોક ઊભરાતાં જ રહ્યાં. એ શોકમાંથી બહાર આવવા માટે ઘોડાગાડીવાળો આવતા-જતા પૅસેન્જર સાથે હૃદય ખોલવાનો પ્રયત્ન કરે છે પણ કોઈને તેની વાત સાંભળવામાં રસ નથી કે સમય પણ નથી.
કોચમૅને બીજો નુસખો અજમાવ્યો. શાળાએ જતા બાળકને મૂકવા આવતી માતાઓ પાસે તેનું હૈયું ખોલવાનો પ્રયત્ન કરવા માંડ્યો પણ બાળકોની કાલીઘેલી વાતો અને બાળકોના કોલાહલમાં ઘોડાગાડીવાળો નિરાંતે વાત માંડી જ ન શક્યો. યુવાન દંપતીઓ, જે પૅસેન્જર તરીકે આવતા, એ લોકો પોતાનામાં જ વ્યસ્ત રહેતાં. પ્રણયઘેલાઓને ગાડીવાનની વ્યથામાં ક્યાંથી રસ હોય?
ઑફિસ જતા કર્મચારીઓ કે અધિકારીઓ એ બધા તેમના પગાર, મોંઘવારી ભથ્થું અને પેન્શનની ચર્ચામાં જ વ્યસ્ત રહેતા. ટૂંકમાં એક મહિના સુધી કોચમૅને પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ રહ્યા. અંતે વ્યથા વધવા લાગી. હૃદય ખાલી થવાને બદલે ઊભરાવા લાગ્યું.
એક દિવસના અંતે વૃદ્ધ કોચમૅન ઘરે પાછો ફરીને ઘોડાને છૂટો પાડી તેણે તબેલામાં બાંધ્યો અને ત્યાં જ એના પગ પાસે બેસી રડતાં-રડતાં ઘોડાને પોતાની વ્યથા સંભળાવી. એ મૂંગું પ્રાણી જાણે હૃદયપૂર્વક એની વાત સાંભળતું હોય એમ એની આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યાં. વાહ, વાર્તાનો શું કલાત્મક અંત છે!
પોતપોતાની દિનચર્યામાં કોઈની પાસે કોઈની વાત સાંભળવાનો કે કોઈના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો સમય નથી એ વાત લેખકે જોરદાર રીતે રજૂ કરી છે.