30 November, 2024 01:34 PM IST | Mumbai | Rashmin Shah
અમર ઉપાધ્યાય
‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી...’માં મિહિરનું કૅરૅક્ટર મરવાનું છે એ જાણ્યા પછી અમર ઉપાધ્યાય રોજ રાઇટરો રાજુ જોષી અને વિપુલ મહેતાને આ ડાયલૉગ કહેતા. જે રાતે મિહિર ગુજરી ગયાનો એપિસોડ ટેલિકાસ્ટ થયો એ રાતે એકતા કપૂરે અમરને ગાડી મોકલીને બાલાજીની ઑફિસે બોલાવીને ફોન ઉપાડવા બેસાડી દીધો હતો. અમર કહે છે, ‘લોકો ફોન કરી-કરીને ગંદી ગાળો બોલતા હતા. એવું લાગતું હતું કે સવારે તોડફોડ થશે એટલે એકતાએ આવું ડિસિઝન લીધું અને મને ઑપરેટર બનાવી દીધો’
‘આવું કેવું ટાઇટલ... ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી... ટોટલી વુમન-ઓરિએન્ટેડ ટાઇટલ અને એ પછી પણ મને કહે છે કે તારો લીડ રોલ છે?! આઇ વૉઝ ટોટલી સરપ્રાઇઝ્ડ અને સાચું કહું તો મિહિરના રોલે મને જ નહીં, આખા ઇન્ડિયાને સરપ્રાઇઝ કર્યા.’
વાઇફ હેતલ, દીકરા આર્યમાન, દીકરી ચિનાબ સાથે અમર ઉપાધ્યાય
અમર ઉપાધ્યાય આજે પણ ૨૦૦૧-’૦૨નો એ પિરિયડ યાદ કરતાં ચાર્જ થઈ જાય છે. તે કહે છે, ‘એવું તો હતું જ નહીં કે મારા માટે આ પહેલું કામ હોય. અગાઉ એકતા કપૂરની સિરિયલ કરી હતી અને બીજા ટીવી-શો પણ કર્યા હતા. દોઢસોથી વધારે ટીવી-ઍડ્સ કરી લીધી હતી અને મારું મેઇન ફોકસ એના પર જ હતું, પણ કહે છેને કે ડેસ્ટિની નક્કી કરે પછી તમારી લાઇફમાં બહુબધા ચેન્જિસ આવે.’
‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી...’ પહેલાં અમર ઉપાધ્યાય ‘દેખ ભાઈ દેખ’ ટીવી-સિરિયલ કરતા હતા. જસ્ટ એ શો પૂરો થયો અને તેમને એકતા કપૂરની કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો. અમર કહે છે, ‘મને સિરિયલનું નામ કહ્યું અને કહે કે તારો લીડ રોલ છે. મેં થોડી દલીલ કરી તો મને કહે કે તું આખી સ્ટોરી સાંભળીશ તો તને સમજાશે. સાચું કહું તો વધારે આર્ગ્યુમેન્ટ કરવાને બદલે મને થયું કે નવરા ઘરે બેઠા છીએ એના કરતાં જઈને કામ કરીએ. મેં ઑડિશન આપ્યું. મારા પછી બીજા ચાલીસેક છોકરાનાં ઑડિશન લેવાનાં હતાં. હું જવાની તૈયાર કરતો હતો ત્યાં તો એકતાની સેક્રેટરીએ મને અંદર બોલાવ્યો અને કહ્યું કે તું સિલેક્ટ થઈ ગયો છે, તારું આ પેમેન્ટ રહેશે; આપણે તારો કૉન્ટ્રૅક્ટ કાલે કરીશું, તું અત્યારે જ નીચે જઈને પહેલો સીન કરી લે. મારો એ સીન અપરા મહેતા સામે હતો જે સિરિયલના બીજા એપિસોડમાં આવે છે.’
મમ્મી ભારતીબહેન સાથે અમરની બાળપણની તસવીર
પહેલું કામ ક્રન્ચી બિસ્કિટ્સ
અત્યારે પાર્લામાં રહેતા અમર ઉપાધ્યાય એ સમયે કાંદિવલીમાં રહેતા હતા. ઉંમર અંદાજે પંદરેક વર્ષની. અમર કહે છે, ‘એ સમયે કાંદિવલીથી મઢની બસ જતી. સન્ડે કે રજા હોય તો અમે બધા ફ્રેન્ડ્સ મઢ જઈએ. ત્યાં ક્રિકેટ રમવાની બહુ મજા આવે. આવી જ એક રજામાં અમે મઢ ગયા, ત્યાં થોડું રમ્યા અને પછી એક બંગલામાં શૂટિંગ ચાલતું હતું એ જોવા માટે ઘૂસ્યા. થોડી વાર શૂટિંગ જોયું અને અચાનક હું ઊભો હતો ત્યાં એક ભાઈ આવ્યા. આવીને મને કહે, તુમ યે કામ કરોગે? પાંચસો રૂપિયા દૂંગા. મેં પૂછ્યું, શું કરવાનું છે? મને તેણે કામ સમજાવ્યું. એમાં કંઈ હતું જ નહીં, ઠેકડા મારવાના હતા. ઠેકડા મારવાના પાંચસો રૂપિયા! મેં તો હા પાડી અને પછી તેણે જેમ કહ્યું એમ કામ કર્યું. એ દિવસનું કામ પૂરું થયું, મને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું કે તારે કાલે પણ આવવું પડશે, કાલના બીજા પાંચસો. ૧૦૦૦ રૂપિયાની ઇન્કમ થઈ. એ પૈસા મેં મમ્મીને આપ્યા અને મમ્મીએ મને ટાઇટનની વૉચ લઈ આપી.’
૨૦૦૧માં લીડ ઍક્ટર બનનારા અમર ઉપાધ્યાય અત્યારે ૪૮ વર્ષની ઉંમરે પણ લીડ ઍક્ટર તરીકે જ ટીવી-સિરિયલમાં જોવા મળે છે, જેની પાછળનું કારણ છે તેમની ફિટનેસ. અમર કહે છે, ‘ફિટનેસ મારી લાઇફસ્ટાઇલ છે. મને એમાં કંઈ નવું નથી લાગતું. છેલ્લાં વીસ વર્ષમાં મને યાદ નથી કે કોવિડ સિવાયનો કોઈ દિવસ એવો હોય જેમાં હું જિમ ન ગયો હોઉં. વીસ વર્ષથી મેં રાતના આઠ વાગ્યા પછી કશું ખાધું નથી. હું સ્વીટ્સ લેતો નથી, સિવાય કે બાસુંદી અને એટલે હું બાસુંદી જોવાનું પણ ટાળું, નહીં તો મારાથી કન્ટ્રોલ ન થાય. એક સમય હતો કે મેં એટલું કામ હાથ પર લઈ લીધું હતું કે હું હાર્ડ્લી ઘરમાં બે-ત્રણ કલાક રહેતો. મિહિરની પૉપ્યુલરિટી પછી મને પુષ્કળ ફિલ્મો મળી. એ સમયે મને હતું કે હું બધું કરી લઉં અને બસ, હું બધું લેતો રહ્યો જે મારી ભૂલ હતી.’
પહેલી આંખ ખોલનારી સલાહ
‘LOC-કારગિલ’ ફિલ્મ સમયની વાત છે. અમર એકસાથે બબ્બે ફિલ્મ કરે, ડેઇલી સોપ પણ ચાલે એટલે એનું પણ શૂટિંગ. એ બધા વચ્ચે મૅનેજ કરવાનું અમર માટે બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું. અમર કહે છે, ‘હું બે સીન કરીને પરમિશન લીધા વિના સેટ પરથી ભાગી જવા માંડ્યો હતો, જે બહુ ખરાબ કહેવાય. મને યાદ છે કે એક દિવસ ડિરેક્ટર જે. પી. દત્તા મારા પર ભડકી ગયા. મને કહે કે ભાઈ, આ રીતે કામ નહીં થાય અને આ રીતે હું જ નહીં, બીજું પણ કોઈ તારી સાથે કામ નહીં કરે; તને એમ છે કે તું બધું મૅનેજ કરે છે; પણ ના, તું બધું ડૅમેજ કરે છે, નહીં કર આવું; હું તો તને કહું છું, બીજો તો તને કહેશે પણ નહીં. દત્તાસાહેબની એ ઍડ્વાઇઝ મારા માટે આઇ-ઓપનર બની. મને ત્યારે એમ હતું કે ગોવિંદા જો આટલી ફિલ્મો એકસાથે કરે તો હું શું કામ નહીં, પણ હું એ ભૂલી ગયો કે ગોવિંદા સિરિયલ નથી કરતો જેમાં રોજ ૨પ મિનિટનો એક એપિસોડ શૂટ કરવાનો હોય.
કામની બાબતમાં ધીરજ લાવવાનું કામ અમરે શરૂ તો ત્યારથી જ કરી દીધું, પણ બધું મૅનેજ થતાં ત્રણેક વર્ષ લાગ્યાં અને એ પછી અમરે લાઇફને સેટ કરવાનું શરૂ કર્યું. અમર કહે છે, ‘એ પછી મેં મારી જાતને પ્રાયોરિટી પર મૂકી અને હેલ્થને ડેવલપ કરવાનું શરૂ કર્યું. એનું રિઝલ્ટ એ આવ્યું કે હું ઉંમરમાં આગળ વધતો રહ્યો, પણ મારી ફિટનેસ અને એનર્જી અકબંધ રહી.’
રગેરગથી ગુજરાતી
જો તમે એવું માનતા હો કે અમરનો પ્રોફેશન ઍક્ટિંગ છે તો તમે ભૂલ કરો છો. ઍક્ટર અમર ઉપાધ્યાય બિલ્ડર પણ છે, પ્રોડ્યુસર પણ છે અને નજીકના સમયમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પણ બનશે. હા, અમર ઉપાધ્યાય ઍક્ટિવ બિલ્ડર છે. વસઈ અને ભાઈંદરમાં અત્યારે પણ તેમના પ્રોજેક્ટ ચાલે છે તો ભારતી ટેલિફિલ્મ્સના બૅનર હેઠળ તે સિરિયલ, ફિલ્મ અને વેબસિરીઝ પ્રોડ્યુસ કરે છે; જ્યારે નજીકના ભવિષ્યમાં તે કેમિકલ કંપની પણ શરૂ કરવાના છે. અમર કહે છે, ‘કાંદિવલીની ધનામલ હાઈ સ્કૂલમાં ભણ્યા પછી મેં બૉમ્બે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું, પણ જે ભણ્યો એ ફીલ્ડમાં કંઈ કર્યું નહીં એ હવે પૉસિબલ બનશે. જે કેમિકલ પ્રોજેક્ટ પર અમે કામ કરીએ છીએ એ ઇન્ડિયાનો યુનિક પ્રોજેક્ટ છે, પણ એની વાત બધું ફાઇનલ થયા પછી જાહેર થાય એવું હું ઇચ્છું છું.’
હેતલ સાથે અરેન્જ્ડ મૅરેજ કરનારા અમર ઉપાધ્યાયનો સીધો સિદ્ધાંત છે કે સ્ટારડમને ઘરની બહાર મૂકીને અંદર દાખલ થવાનું. અમર કહે છે, ‘મારા દીકરા આર્યમાન કે દીકરી ચિનાબ સાથે મારા જેટલું કોઈ રમ્યું નહીં હોય. બાય ધ વે, તમને કહી દઉં કે આર્યમાન ડિરેક્ટર બનવા માગે છે અને હમણાં ડિરેક્ટર હંસલ મહેતાના અસિસ્ટન્ટ તરીકે તે એક વેબસિરીઝમાં જોડાયો. ચિનાબનું એજ્યુકેશન ચાલે છે. મને લાગે છે કે તે કદાચ મારા બધા બિઝનેસ સંભાળશે.’
અમરના પપ્પા હર્ષદભાઈ બૅન્કર હતા એટલે ફાઇનૅન્સ સેક્ટર પણ અમરના બ્લડમાં છે અને કદાચ આ જ કારણે અમરની પોતાની ઇન્વેસ્ટમેન્ટ કંપની પણ છે.
મિસ ધોંડે... ઓહ ગૉડ!
ફર્સ્ટ લવની વાત આવે એટલે તરત અમરની આંખ સામે તેનાં સ્કૂલટીચર મિસ ધોંડે આવી જાય. હસતાં-હસતાં તે કહે છે, ‘ઍક્ચ્યુઅલમાં એ ફર્સ્ટ ક્રશ કહેવાય અને તમને માનવામાં નહીં આવે પણ અમારા ક્લાસના બધા છોકરાઓનો એ પહેલો ક્રશ હતો. તેમનો ક્લાસ આવે ત્યારે એક જ કામ કરવાનું; બસ, તેમને જોવાનાં. શું બ્યુટી હતી તેમની. તમે માનશો, આજ સુધી મેં તેમના જેટલી બ્યુટિફુલ અને ગૉર્જિયસ લેડી કોઈ જોઈ નથી, નેવરએવર.’
નો રાહુલ, નો વિજય... ઓન્લી મિહિર
અમિતાભ બચ્ચનનું ‘વિજય’ અને શાહરુખ ખાનનું ‘રાહુલ’ નામ પૉપ્યુલર બહુ થયું, પણ લોકોએ પોતાનાં બાળકોનાં નામ એ નામ પરથી રાખ્યાં હોય એવું બહુ ઓછું જોવા મળ્યું છે. જોકે અમર ઉપાધ્યાયના ‘મિહિર’ નામને જે પૉપ્યુલરિટી મળી એ અકલ્પનીય હતી. અમર કહે છે, ‘અત્યાર સુધીમાં હું પચાસથી વધુ મિહિર અને તેના પેરન્ટ્સને મળ્યો છું જે લોકોએ સિરિયલ જોયા પછી પોતાના બાળકનું નામ મિહિર રાખ્યું હોય અને તમે માનશો નહીં, દર વર્ષે હજી પણ મને એવા લોકો મળ્યા જ કરે છે જેઓ કહે છે કે તમારા પાત્ર પરથી અમે અમારા બાબાનું નામ મિહિર રાખ્યું છે.’