14 November, 2024 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં સ્વિગીના શૅરના લિસ્ટિંગ વખતે સ્વિગીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રીહર્ષ મજેટી અને NSEના મૅનેજિંગ ડિરેક્ટર તથા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર ચૌહાણ સાથે સ્વિગીનાં ડિલિવરી પાટર્નસ.
શૅરબજારમાં ગઈ કાલે ફૂડ-ડિલિવરી કંપની સ્વિગીનો શૅર લિસ્ટ થયો એની સાથે જ કંપનીના ૫૦૦૦ કર્મચારીઓ કરોડપતિ બની ગયા હતા. કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કંપની પગાર સાથે કંપનીનો હિસ્સો બનાવવા માટે એમ્પ્લૉઈઝ સ્ટૉક ઓનરશિપ પ્લાન (ESOP) હેઠળ સાવ નજીવા દરે અથવા ફ્રીમાં શૅર આપે છે અને કર્મચારી ભવિષ્યમાં એ શૅર વેચીને રૂપિયા મેળવી શકે છે.
ભારતમાં ટેક્નૉલૉજી કંપની ઇન્ફોસિસે ESOPની શરૂઆત કરી હતી. સ્વિગીના આશરે ૫૦૦૦ કર્મચારીઓને કુલ ૯૦૦૦ કરોડ રૂપિયાના ESOP આપવામાં આવ્યા હતા. આમ તો આવા શૅર વેચવાનો લૉક-ઇન પિરિયડ એક વર્ષનો હોય છે, પણ સ્વિગીએ માર્કેટ નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી) પાસેથી કર્મચારી એક મહિના બાદ તેમના શૅર વેચી શકે એવું એક્ઝેમ્પ્શન મેળવ્યું છે.
સ્વિગીએ એના કર્મચારીઓને ESOP આપવાની શરૂઆત ૨૦૧૫માં કરી હતી અને પછી ૨૦૨૧ અને ૨૦૨૪માં મળી કુલ ત્રણ વાર ESOP આપ્યા હતા. આ રીતે આશરે ૨૩ કરોડ શૅર આપવામાં આવ્યા હતા. આમાંથી ૯૦ લાખ ESOP શૅર બની ગયા છે.