25 August, 2023 02:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઓહાયોમાં બુધવારે પગથી મેસી માટે અવરોધ બની રહેલો સિનસિનાટી ટીમનો ખેલાડી. (તસ્વીર : એ.એફ.પી )
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબૉલર લિયોનેલ મેસીએ ઇન્ટર માયામી ટીમ સાથે જોડાયા બાદ એને લીગ્સ કપની પહેલી ટ્રોફી અપાવી એના ગણતરીના દિવસો બાદ મેસીના નેતૃત્વમાં માયામીની ટીમે મેજર લીગ સૉકર (એમએલએસ)માં અગ્રેસર રહેલી સિનસિનાટી ક્લબની ટીમને બુધવારે યુએસ ઓપન કપની સેમી ફાઇનલમાં જોરદાર વળતી લડત આપ્યા બાદ છેવટે માયામીને રોમાંચક વિજય અપાવીને પહેલી જ વાર ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.
યુએસ ઓપન કપ અમેરિકન ફુટબૉલની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત નૉકઆઉટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ છેક ૧૯૧૩ની સાલથી રમાય છે. જોકે ત્રણ જ વર્ષ જૂની અને ઇંગ્લૅન્ડના સૉકર-લેજન્ડ ડેવિડ બેકહૅમની સહ-માલિકીની ઇન્ટર માયામી ટીમ ક્યારેય ફાઇનલમાં નહોતી પહોંચી, પરંતુ મેસીએ એને એ સિદ્ધિ બુધવારે અપાવી દીધી.
૦-૨થી પાછળ અને પછી વિજેતા
ઓહાયોમાં યુએસ ઓપન કપની સેમી ફાઇનલમાં સિનસિનાટીની ટીમ ૨-૦થી આગળ હતી, પરંતુ મેસીના નેતૃત્વમાં માયામીએ જોરદાર કમબૅક કરીને સ્કોર ૨-૨થી લેવલ કરી લીધો હતો. મુખ્ય મૅચમાં માયામીના બન્ને ગોલમાં મેસીની ભૂમિકા હતી. તેના આ બે આસિસ્ટને કારણે માયામીની ટીમ ૨-૨ની બરાબરી સાથે પેનલ્ટી શૂટઆઉટમાં જઈ શકી હતી અને એમાં મેસીએ એક સફળ કિક મારી હતી. માયામીએ શૂટઆઉટમાં ૫-૪થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
૮ મૅચમાં મેસીના ૧૦ ગોલ
મેસી અમેરિકામાં આવ્યા બાદ માયામી વતી પહેલી વાર મુખ્ય મૅચમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે તેણે પેનલ્ટી શૂટઆઉટમાં એક સફળ કિક જરૂર લગાવી હતી. તેણે માયામી વતી ૮ મૅચમાં કુલ ૧૦ ગોલ કર્યા છે.