Sports Shorts: ૪૫ ટ્રોફી જીતનાર ફુટબૉલર લિયોનેલ મેસીને મળ્યું સ્પેશ્યલ સન્માન

22 July, 2024 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ ટેનિસ હૉલ ઑફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન બન્યા અને વધુ સમાચાર

લિયોનેલ મેસીને મળ્યું સ્પેશ્યલ સન્માન

આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબૉલર લિયોનેલ મેસીને તેની ફુટબૉલ ક્લબ ઇન્ટર મિયામી દ્વારા સ્પેશ્યલ સન્માન મળ્યું હતું. દુનિયામાં સૌથી વધુ ક્લબ અને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ મળીને કુલ ૪૫ ટ્રોફી જીતનાર મેસીની દરેક ટ્રોફીને સ્પેશ્યલ અંદાજમાં બાળકો દ્વારા મેદાનમાં લાવવામાં આવી હતી. ક્લબના અધિકારીઓએ સ્પેશ્યલ સ્મૃતિ ભેટ આપીને મેસીના દિવસને યાદગાર બનાવ્યો હતો. કોપા અમેરિકાની ફાઇનલમાં ઇન્જર્ડ થયેલો મેસી અહીં સ્પેશ્યલ વૉકિંગ બૂટમાં જોવા મળ્યો હતો. હવે તે પગની ઈજાને કારણે કેટલાક મહિનાઓ સુધી ફુટબૉલ રમતો નહીં જોવા મળે. 

લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ ટેનિસ હૉલ ઑફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન બન્યા

ટેનિસ જગતમાં ભારતનો ડંકો વગાડનાર દિગ્જ્જ ખેલાડી લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજને ગઈ કાલે ‘ટેનિસ હૉલ ઑફ ફેમ’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ બન્ને આ યાદીમાં સ્થાન મેળવનાર એશિયાના પ્રથમ બે ખેલાડી બની ગયા છે. હૉલ ઑફ ફેમ એ નેતાઓ, અગ્રણીઓ અથવા વ્યક્તિઓનું સન્માન કરે છે જેમણે રમત માટે મોટું યોગદાન આપ્યું હોય. આ લિસ્ટમાં ૨૮ દેશોના કુલ ૨૬૭ દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લિએન્ડર પેસને ‘પ્લેયર’ અને વિજય અમૃતરાજને ‘કન્ટ્રિબ્યુટર્સ’ કૅટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

અક્ષરને પત્ની તરફથી સ્પેશ્યલ ગિફ્ટ મળી

અક્ષર પટેલની પત્ની મેહા પટેલે સોશ્યલ મીડિયા પર કેટલીક ખાસ તસવીર શૅર કરી છે જેમાં તેણે તૈયાર કરેલી કલાકારીગરી જોવા મળી હતી. તેણે અક્ષર પટેલના વર્લ્ડ કપ સાથેના ફોટોની મદદથી મસ્ત આર્ટવર્ક તૈયાર કર્યું હતું.

sports sports news lionel messi football leander paes tennis news axar patel t20 world cup