25 December, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર
આ વર્ષે ભારતનો સર્વોચ્ચ સ્પોર્ટ્સ પુરસ્કાર ખેલ રત્ન અવૉર્ડ જેમને મળવાનો છે એ સ્પોર્ટ્સપર્સન્સની યાદીમાં મનુ ભાકરનો સમાવેશ નથી થયો એને પગલે ગઈ કાલે તેના પપ્પા અને કોચે આપેલાં નિવેદનથી મોટો વિવાદ સર્જાયો હતો, પણ પછી મનુએ પોતે ચોખવટ કરી હતી કે અવૉર્ડ માટેનું નૉમિનેશન ભરવામાં કદાચ મારાથી જ કોઈ ભૂલ થઈ છે.
મનુએ પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બે ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. આઝાદી પછીના ભારતમાં એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ મેળવનારી તે પહેલી ઍથ્લીટ છે.
ખેલ રત્ન અવૉર્ડ્સ માટેની સિલેક્શન કમિટી દ્વારા મનુનું નામ ન મોકલવામાં આવ્યું એને પગલે મનુના પિતા રામ કિશન ભાકરે મીડિયાની દીકરીની વ્યથા વર્ણવતાં કહ્યું હતું કે ‘ખેલ રત્ન અવૉર્ડ માટેની યાદીમાં તેનું નામ નથી એ જાણીને મનુ વ્યથિત છે, તેણે મને કહ્યું કે મારે ઑલિમ્પિક્સમાં જવું જ નહોતું જોઈતું અને દેશ માટે મેડલ્સ નહોતા જીતવા જોઈતા, મારે સ્પોર્ટ્સપર્સન બનવું જ નહોતું જોઈતું.’
મનુના પપ્પાએ દીકરીના આ શબ્દો મીડિયા સમક્ષ મૂક્યા એને પગલે ભારે વિવાદ સર્જાયો હતો, જેને છેલ્લે મનુએ જ શાંત પાડવાની કોશિશ કરી હતી. તેણે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટના માધ્યમથી કહ્યું હતું કે ‘એક ઍથ્લીટ તરીકે મારો રોલ રમવાનો છે અને દેશ માટે પર્ફોર્મ કરવાનો છે, અવૉર્ડ્સથી તમારું મોટિવેશન વધે છે, પણ એ મારો ગોલ નથી. મને લાગે છે કે અવૉર્ડ માટે નૉમિનેશન ભરવામાં કદાચ મારા તરફથી ભૂલ થઈ છે જે સુધારવામાં આવી રહી છે.’